કોષ્ઠીય વિકારો

January, 2008

કોષ્ઠીય વિકારો (cystic disorders) : શરીરના અવયવોમાં કોષ્ઠ (cyst) ઉદભવે તેવા વિકારો. મોટા ભાગના કિસ્સામાં જન્મજાત જનીનીય વિકૃતિને કારણે કોષ્ઠ બને છે. કોષ્ઠ એટલે પ્રવાહી ભરેલી પાતળી દીવાલવાળી કોથળી જે કોઈ વાહિની કે નળીમાં ખૂલતી ન હોય. આ કોષ્ઠ થવાને કારણે તેની આસપાસના અવયવની પ્રમુખપેશી (parenchyma) દબાય, જે તેની કાર્યક્ષમતા પર વિપરીત અસર કરે. કોષ્ઠીય વિકારોના પ્રકાર સારણી 1માં દર્શાવાયા છે.

કોષ્ઠીય તંતુતા : તે શ્લેષ્મ(mucus)ગ્રંથિઓનો જન્મજાત રોગ છે. તેમાં ચામડીની પ્રસ્વેદ ગ્રંથિઓ, સ્વાદુપિંડની પાચક રસગ્રંથિ, લાળગ્રંથિઓ તથા શ્વાસનળી અને શ્વસનનલિકાઓ(bronchi)ની શ્લેષ્મગ્રંથિઓ અસરગ્રસ્ત થાય છે. અને તેથી તેમનામાંથી ચીકણો રસ (સ્રાવ, secretion) ઝરે છે. આ એક અલિંગસૂત્રીય પ્રચ્છન્ન (autosomal recessive) વારસાગત રોગ છે, જે દર 1500થી 2000 જન્મતાં બાળકોમાંથી એકને થાય છે. સારવારમાં થયેલા સુધારાને કારણે લગભગ 50 % દર્દી 18 વર્ષની ઉંમર સુધી જીવી શકે છે. ચીકણું અને શ્યાનતા(viscosity)વાળું શ્લેષ્મ ઉત્પન્ન થતું હોવાથી આ રોગને શ્યાનશ્લેષ્મતા (mucoviscidosis) કહે છે. ગ્રંથિઓના વિકારને કારણે પ્રસ્વેદ (પરસેવો) થવાની ક્રિયા, લાળ બનવાની ક્રિયા, સ્વાદુપિંડના રસ વડે થતી પચનની ક્રિયા તથા ફેફસાંમાં થતી શ્વસનક્રિયામાં વિકાર ઉદભવે છે. ઉંમર વધે તેમ તેમ ફેફસાંમાં લાંબા ગાળાનો અવરોધજન્ય રોગ (chronic obstructive pulmonary disease) વધતો જાય છે. આ ઉપરાંત કોષ્ઠીય તંતુતાને કારણે યકૃત (liver), આંતરડાની ગ્રંથિઓ, પિત્તનલિકાઓ (bile ducts) તથા શુક્રપિંડ પણ અસરગ્રસ્ત થાય છે. આ તકલીફોને કારણે દર્દીને ફેફસીરોગ (97 %), ગળફામાં લોહી પડવું (60 %), સ્વાદુપિંડના કાર્યની નિષ્ફળતાને કારણે ખોરાકનું અપૂર્ણ પચન (95 %), નાકમાં મસા (48 %), આંતરડામાં અવરોધ (55 %) વગેરે જોવા મળે છે. ક્યારેક વાતવક્ષ(pneumothorax)ને કારણે ફેફસાંની આસપાસના આવરણમાં હવા ભરાય છે. યકૃતકાઠિન્ય (cirrhosis) થાય છે, અતિશય ગરમી લાગવાનો વિકાર થાય છે કે આંત્રાંત્રરોધ (intussusception) પણ થાય છે. સામાન્યત: જે-તે વિકારની સહાયક (supportive) સારવાર અપાય છે.

મૂત્રપિંડના કોષ્ઠીય રોગો (cystic–diseases–of–kidneys) : વિવિધ પ્રકારના કોષ્ઠીય રોગોથી મૂત્રપિંડ અસરગ્રસ્ત થાય છે. ઘણા કોષ્ઠીય વિકારોનાં કોઈ જ લક્ષણો જોવા મળતાં નથી. ક્યારેક મૂત્રપિંડની નિષ્ફળતા પણ જોવા મળે છે. સામાન્યપણે મૂત્રપિંડના કોષ્ઠીય રોગવાળા દર્દીને પેટમાં દુખાવો, પેટનો સોજો, પેટમાં ગાંઠ, પેશાબમાં વારંવાર ચેપ (infection), પેશાબમાં લોહી પડવું, સતત વધતી જતી મૂત્રપિંડીય નિષ્ફળતા, મૂત્ર ન બનવું કે મૂત્રમાં પ્રોટીન વહી જવું વગેરે તકલીફો થાય છે. સોનોગ્રાફીની મદદથી 0.5થી 1.0 સેમી.ના કદના કોષ્ઠનું નિદાન થઈ શકે છે. ક્યારેક નિદાન માટે મૂત્રપિંડનું વાહિનીચિત્રણ (renal angiography), આડછેદી ચિત્રણ (tomography), કોષ્ઠીય અભિશોષણ (cystic aspiration), જીવપેશીપરીક્ષણ (biopsy) વગેરે નિદાનપદ્ધતિઓ પણ ઉપયોગી રહે છે. સારણી 2માં મૂત્રપિંડના કોષ્ઠીય રોગોનું વર્ગીકરણ કરેલું છે.

મૂત્રપિંડનો જન્મજાત અનેકકોષ્ઠીય (multicystic) વિકાર મૂત્રપિંડની પ્રમુખપેશીના દુર્વિકસનથી થાય છે. બંને મૂત્રપિંડમાં વ્યાપકપણે કોષ્ઠ થાય છે. તેમાં ચેપ, ઈજા, લોહી વહેવું કે તેને કારણે લોહીનું દબાણ વધવું વગેરે વિકારો જોવા મળે છે. સામાન્યપણે તેમાં કૅન્સર થતું નથી. બહુકોષ્ઠીય (polycystic) રોગના બે પ્રકાર છે : બાળકોનો તથા પુખ્ત વ્યક્તિઓનો. બાળકોનો રોગ અલિંગસૂત્રીય પ્રચ્છન્ન વારસાથી થતો રોગ છે. જ્યારે પુખ્ત વયમાં થતો રોગ અલિંગસૂત્રીય પ્રભાવી (autosomal dominant) પ્રકારનો રોગ છે. બાળકોમાં ક્યારેક યકૃત પણ અસરગ્રસ્ત થાય છે. બાળદર્દીમાં મૂત્રપિંડની નિષ્ફળતા તથા લોહીનું વધેલું દબાણ જોવા મળે છે. મોટી ઉંમરે થતા રોગમાં પેટમાં ગાંઠ, મૂત્રપિંડની નિષ્ફળતા અને લોહીનું વધેલું દબાણ જોવા મળે છે. દુખાવો, ચેપ, પેશાબમાં લોહી, મૂત્રપિંડમાં પથરી કે પેશાબ અટકવો જેવી વિવિધ તકલીફોને કારણે ધ્યાન દોરાય છે. સામાન્યપણે સહાયક સારવાર અપાય છે. મૂત્રપિંડની નિષ્ફળતા ઉદભવે ત્યારે પારગલન (dialysis) તથા મૂત્રપિંડ પ્રત્યારોપણ કરાય છે. મૂત્રપિંડના બહિ:સ્તર(cortex)માં એક કે વધુ સાદા કોષ્ઠ થાય છે. તે વૃદ્ધાવસ્થામાં દુ:ક્ષીણતાજન્ય (degenerative) પ્રક્રિયાના રૂપે થાય છે. ક્યારેક તેમાં કૅન્સર ઉદભવે છે. મધ્યસ્તરીય કોષ્ઠી વિકારોમાં પાંડુતા (anaemia) , ક્ષારોની ઊણપ, વૃદ્ધિ અને વિકાસમાં અડચણ અને મૂત્રપિંડની નિષ્ફળતા જોવા મળે છે. વારંવાર ચેપ લાગે કે પથરી થાય. મધ્યસ્તરી કોષ્ઠી રોગમાં અતિશય નાના કોષ્ઠો થતા હોવાને કારણે તેને મધ્યસ્તરીય છિદ્રાળુ મૂત્રપિંડ (medullary spongy kidney) પણ કહે છે.

જન્મજાત કોષ (congenital cysts) : શ્વસન અને અન્નમાર્ગના અવયવોના દુર્વિકસનથી કોષ્ઠ ઉત્પન્ન થાય છે, જેમ કે મધ્યવક્ષ (mediastinum) કે ફેફસામાં જોવા મળતો શ્વસનનલિકાજન્ય કોષ્ઠ (bronchogenic cyst) તથા અગ્ર-અન્નમાર્ગ(foregut)માં જોવા મળતો આંત્રજન્ય (enterogen ous) કોષ્ઠ. આવી જ રીતે બાળકોમાં જન્મજાત વાયુપોટાકીય (alveolar) કોષ્ઠ જોવા મળે છે. પિત્તમાર્ગ (biliary tract)માં જોવા મળતો પિત્તનલિકાકીય (choledochal) કોષ્ઠને કારણે ક્યારેક કમળો, પિત્તનલિકાશોથ (cholangitis) અને ક્યારેક પથરી થયેલી જોવા મળે છે.

અન્ય અવયવોના કોષ્ઠ : અંડગ્રંથિનો કોષ્ઠ સાદો, અંત:સ્રાવી વિકારોવાળો અથવા કૅન્સરવાળો હોય છે. ચામડીની ત્વક્તૈલગ્રંથિનું છિદ્ર બંધ થઈ જાય તો ત્વક્તૈલગ્રંથિ કોષ્ઠ (sebaceous cyst) બને છે. તેમાં ક્યારેક ચેપ લાગે તો તેને દૂર કરવો પડે છે. પેટમાં આંત્રપટ- (mesentry)ની લસિકાવાહિનીઓ (lymphatics) તથા મધ્યસ્તરીય (mesothelial) પેશીમાં ઉદભવતા કોષ્ઠમાં ક્યારેક ચેપ લાગે, લોહી વહે કે તે ફાટી જાય ત્યારે તે રોગ સર્જે છે. પીયૂષિકા (pituitary) ગ્રંથિ જોડે સંલગ્ન એવા અધિગુહાકીય (supracellar) કોષ્ઠને કારણે વામનતા ઉદભવે છે. સારકોઈડૉસિસ જેવા રોગોમાં અથવા દુ:ક્ષીણતાજન્ય વિકારમાં હાડકામાં કોષ્ઠ ઉદભવે છે. ક્યારેક હાડકાના સાંધાના રોગો(દા.ત., આમવાતી સંધિવા)માં સંધિકલા(synovium) જન્ય કોષ્ઠ થાય છે. દુ:ક્ષીણતાને કારણે કે કૅન્સર થવાને કારણે મગજમાં કોષ્ઠ ઉદભવે છે.

ચેપજન્ય કોષ્ઠ : એકિનોકોકસ ગ્રેન્યુલોસસના ચેપથી થતા બૃહત્કોષ્ઠી રોગ(hydatid disease) થી યકૃત, ફેફસાં અને ક્યારેક અન્ય અવયવો અસરગ્રસ્ત થાય છે. તેવી જ રીતે ફૂગના ચેપથી થતા રંજિતફૂગજન્ય રોગો(chromomycosis)માં પણ ચામડી નીચે તથા સ્નાયુમાં કોષ્ઠ ઉદભવે છે. ક્યારેક હાડકામાં ક્ષયરોગનો ચેપ લાગે ત્યારે હાડકામાં કોષ્ઠ ઉદભવે છે. ન્યુમોસિસ્ટીસ કેરીનાઈ નામના પ્રોટોઝોઅન સૂક્ષ્મજીવથી થતા ચેપમાં પણ ફેફસાંમાં નાના નાના કોષ્ઠ તથા ન્યુમોનિયા થાય છે.

શિલીન નં. શુકલ