કોષવિદ્યા (cytology) (આયુર્વિજ્ઞાન) : કોષના સૂક્ષ્મદર્શીય અભ્યાસ વડે નિદાન કરવાની પદ્ધતિ. જીવશાસ્ત્રમાં કોષો વિશેના અભ્યાસને કોષવિદ્યા કહે છે જ્યારે આયુર્વિજ્ઞાનમાં કોષોના અભ્યાસ દ્વારા કરાતા નિદાનને કોષવિદ્યાલક્ષી નિદાન કહે છે અને તે પદ્ધતિને કોષવિદ્યાલક્ષી તપાસ અથવા કોષવિદ્યા કહે છે. પેપેનિકોલાઉ (Papanicolaou) નામના વૈજ્ઞાનિકે કોષોનો અભ્યાસ કરવાની કસોટી વિકસાવી હતી તેથી તેના નામ પરથી આ તપાસ-પદ્ધતિને પેપ-ટેસ્ટ કહે છે. સ્ત્રીઓનાં જનનાંગો, ગર્ભાશય-ગ્રીવા (uterine cervix) તથા યોનિ(vagina)ના ચેપજન્ય, દુર્વિકસન(dysplasia)જન્ય અને કૅન્સરજન્ય વિકારોના નિદાનની તે સરળ પદ્ધતિ છે. 35 વર્ષથી વધુ વયની કે પરણેલી દરેક સ્ત્રીની યોનિમાં ઝરતા પ્રવાહીને વર્ષમાં એક વખત પેપ-ટેસ્ટ વડે તપાસવું જરૂરી ગણાય છે. વળી જો તે સ્ત્રીનાં નાની ઉંમરે લગ્ન થયેલાં હોય, તેને ટૂંકા ગાળામાં વારંવાર સુવાવડ થઈ હોય, ત્રણ કે તેથી વધુ સુવાવડ થઈ હોય, તેનો જાતીય સંબંધોનો દર વધુ હોય, નાની ઉંમરથી જાતીય સંબંધ બંધાયેલો હોય, એકથી વધુ પુરુષ સાથે અથવા વધુ સ્ત્રી સાથે સમાગમ કરતા પુરુષ સાથે જાતીય સંબંધ હોય તો તેવી સ્ત્રી માટે આ અતિ આવશ્યક ગણાય છે. તે એક સાદી, સરળ, દુખાવા વગરની, માંડ એક મિનિટ લેતી અને જાહેર હૉસ્પિટલોમાં વિનામૂલ્યે કરી અપાતી તપાસ છે. આ તપાસ દ્વારા ભારતમાં સૌથી વધુ વ્યાપક એવા સ્ત્રીઓના ગર્ભાશય-ગ્રીવાના કૅન્સરનું મટી શકે તેવા શરૂઆતના તબક્કામાં જ નિદાન થઈ શકે છે. વળી સતત 3 વર્ષ જો પેપ-ટેસ્ટ નકારાત્મક હોય તો બીજાં 10 વર્ષ સુધી કૅન્સર થવાની શક્યતા નહિવત્ રહે છે. કૅન્સર ઉપરાંત ગર્ભાશય-ગ્રીવા તથા યોનિના બીજા રોગોનું પણ નિદાન થઈ શકે છે. આ માટે સ્ત્રીની યોનિમાંથી લાકડાની પટ્ટી દ્વારા પ્રવાહી લઈને તેને કાચની તકતી પર પાથરવામાં આવે છે અને આલ્કોહૉલ વડે સ્થાપિત કરવામાં આવે છે. ત્યાર બાદ તેને અભિરંજિત (staining) કરીને સૂક્ષ્મદર્શક વડે તપાસવામાં આવે છે. પેપ-ટેસ્ટ દ્વારા 90 % કિસ્સામાં નિદાન તથા ચોક્કસ માર્ગદર્શન આપી શકાય છે. વળી તેના વડે કોઈ પણ રોગલક્ષણો વગરની દર 1000 સામાન્ય સ્ત્રીઓમાંથી 3થી 4માં ગર્ભાશયગ્રીવાના કૅન્સરનું શરૂઆતના તબક્કામાં નિદાન થાય છે, જ્યારે જે સ્ત્રીઓમાં આ કૅન્સર થવાની વધુ શક્યતા છે તેવી દર 1000 સ્ત્રીઓમાંથી 8થી 10 સ્ત્રીઓમાં તેનું નિદાન કરી શકાય છે.
ગર્ભાશય-ગ્રીવા ઉપરાંત અન્ય પોલા અવયવો, દા.ત, અન્નનળી, શ્ર્વાસનળી, જઠર, મૂત્રાશય, સ્વાદુપિંડ વગેરેમાંના પ્રવાહીની, ફેફસાંની આસપાસ ભરાતા પ્રવાહી (pleural effusion) કે પેટની પરિતનગુહામાં ભરાતા પ્રવાહી(ascites)ની તથા ગળફાની કોષવિદ્યાલક્ષી તપાસ દ્વારા જે-તે અવયવના કૅન્સરનું આ જ પદ્ધતિ દ્વારા નિદાન કરી શકાય છે. સપાટી પરના કૅન્સરના કોષો છૂટા પડીને જે તે અવયવના પ્રવાહીમાં ભળે છે. આને કોષપતન (exfoliation) કહે છે અને તેની મદદથી કરાતી તપાસને કોષપાતી કોષવિદ્યા (exfoliative cytology) કહે છે. જરૂર પડ્યે પોલા અવયવોમાંથી કોષો મેળવવા માટે અંત:દર્શક(endoscope)ની મદદ લેવાય છે. આ ઉપરાંત ઘન અવયવોમાં પાતળી સોયની મદદથી સિરિંજ દ્વારા શોષીને કોષો મેળવી શકાય છે. કૅન્સરની શક્યતા હોય તેવા વિસ્તારમાંથી કોષોવાળું પ્રવાહી મેળવીને, કાચની તકતી પર પાથરીને તથા આલ્કોહૉલ વડે સ્થાપિત અને અભિરંજિત કરીને સૂક્ષ્મદર્શક વડે તપાસી શકાય છે. આ પ્રકારની તપાસને તનુસૂચિ અભિશોષી કોષવિદ્યા (fine needle aspiration cytology, FNAC) કહે છે. હાલ ફેફસાં, મધ્યવક્ષ (mediastinum), પુર:સ્થ (prostate) ગ્રંથિ, સ્તન, યકૃત (liver), લસિકાગ્રંથિ(lymphnode)ની ગાંઠ અથવા શરીરની સપાટીની નજીકની અન્ય ગાંઠમાંથી આ પ્રકારે કોષો મેળવીને નિદાનલક્ષી તપાસ કરી શકાય છે.
કોષવિદ્યાલક્ષી તપાસમાં કોષોના દેખાવ(morphology)નો પેશી-રાસાયણિક (histochemical) અને પ્રતિરક્ષાલક્ષી પેશી રાસાયણિક (immunohistochemical) ગુણધર્મોનો અભ્યાસ કરી શકાય છે. વળી સ્થિર-કોષમાપન(static cytometry)નો અભ્યાસ પણ કરી શકાય છે. આ તપાસ-પદ્ધતિઓ વડે નિદાન નક્કી કરી શકાય છે. અનુભવી નિષ્ણાત ડૉક્ટર દ્વારા કરાતું નિદાન ઘણું જ વિશ્વાસપાત્ર ગણાય છે.
શિલીન નં. શુક્લ