કોષવંશ (cell line) : એકલ કોષના સંવર્ધનથી બનેલ અને આનુવંશિકતાની ર્દષ્ટિએ સમરૂપ એવા કોષોનો સમૂહ. આવા સમૂહમાં આવેલા બધા કોષોનાં લક્ષણો એકસરખાં હોય છે. જોકે પર્યાવરણની અસર હેઠળ અથવા તો વિકૃતિને લીધે કેટલાક વંશજોમાં ભિન્નતા જોવા મળે છે.

એકાદ વ્યક્તિમાં વૃદ્ધિ પામતા અર્બુદ(tumour)ના કોષો એકસરખા હોય છે. દુર્દમ્ય (malignant) અર્બુદના કોષો અમર્યાદિતપણે વૃદ્ધિ પામતા હોય છે. વિશિષ્ટ પ્રતિજન(antigen)નો સામનો કરનાર, રોધક્ષમ (immune) તંત્રના β લસિકાકોષો (blymphocytes)ના વિપુલ ઉદભવ(proliferation)થી નિર્માણ થતા કોષો એક કોષવંશના છે.

પ્રયોગશાળામાં કોષસંવર્ધન(cell-culture) પદ્ધતિને અપનાવી કોષોનો વિપુલ ઉદભવ કરી શકાય. વિશિષ્ટ કોષજાત(strain)ના સંવર્ધન દરમિયાન વિકિરણ(radiation)થી અથવા તો અર્બુદકારક (oncogenic) અણુઓ કે વિષાણુઓની હાજરીમાં કોષોમાં ઉત્પરિવર્તન વિકૃતિ (mutation) થાય છે. આવા વિકૃત (mutant) કોષો જીવરસાયણ અને જનીનશાસ્ત્રની ર્દષ્ટિએ ભિન્ન લક્ષણો ધારણ કરતા હોય છે.

નીલા ઉપાધ્યાય