કોષભક્ષિતા

January, 2008

કોષભક્ષિતા : શરીરના વિશિષ્ટ કોષો ચેપકારક સૂક્ષ્મ જીવોને ગળી જઈને મારી નાખે તે ક્રિયા. મેક્ટિકનકોફે આ ક્રિયાનો અભ્યાસ કરીને દર્શાવ્યું છે કે તેમાં મુખ્યત્વે બે પ્રકારના કોષો ભાગ લે છે. જીવાણુ તથા અન્ય બાહ્ય પદાર્થોને ગળી જઈને પોતાના કોષરસમાં પચાવી નાખતા કોષોને સૂક્ષ્મભક્ષી કોષો (microphages) અને મહાભક્ષીકોષો (macrophages) એમ બે પ્રકારમાં વહેંચી શકાય છે.

લોહીના બહુરૂપકેન્દ્રી (polymorphonuclear) અથવા તટસ્થ શ્વેતકોષો (neurophils) તથા ક્યારેક ઇઓસીનરાગી શ્વેતકોષો (eosinophils) તથા માસ્ટકોષો જ્યારે જ્યારે ચેપજન્ય શોથ (inflammation) થાય અને સોજો આવે ત્યારે તે સ્થળે કાર્યરત થઈને જીવાણુનો નાશ કરે છે. તે લોહીની કેશવાહિનીઓમાંથી નીકળીને ચેપ લાગ્યો હોય તે સ્થળે પહોંચે છે. તેમના કોષરસમાં રહેલા કણો(granules)માં વિવિધ ઉત્સેચકો (enzymes) હોય છે, જેમાંનું એક ભક્ષણસહાયક (phagocytin) પણ છે. આ કોષો પ્રોટીનલયી (proteolytic) ઉત્સેચકો અને ઍસિડિક pH થાય તે માટે ઍસિડિક દ્રવ્યો પણ ઉત્પન્ન કરે છે.

કોષભક્ષિતાની ક્રિયાના 3 તબક્કા છે. સૌપ્રથમ ઈજા કે ચેપના સ્થળે ઈજાગ્રસ્ત કે રોગગ્રસ્ત કોષોમાંથી છૂટાં પડતાં રસાયણો ઉપર જણાવેલા શ્વેતકોષોને આકર્ષે છે. તેને રાસાયણિક કર્ષણ (chemotaxis) કહે છે. આ સમયે કોષનાશી (necrosin) તથા ગતિસહાયક (kinin) પ્રકારનાં રસાયણો પણ ઉત્પન્ન થાય છે, જે શોથજન્ય (inflammatory) પ્રતિભાવ ઉપજાવે છે. બીજા તબક્કામાં, સ્થળ પર પહોંચેલા તટસ્થ શ્વેતકોષો પોતાનો આકાર બદલે છે અને પ્રવર્ધો જેવા પાદાભ (pseudopodia) બનાવીને જીવાણુ કે બાહ્ય પદાર્થને ચારે બાજુથી ઘેરી લે છે અને ત્યાર બાદ તેમને પોતાના કોષરસમાં સમાવી દે છે. આ સમયે તે ઉત્સેચકોની મદદથી તેમને પચાવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં ઘણા શ્વેતકોષો પણ નાશ પામે છે. તેને લીધે બનતું દ્રવ્ય પરુ કહેવાય છે. પરુમાં પણ પ્રોટીનલયી તથા કોષકેન્દ્રલયી ઉત્સેચકો હોય છે, જે મૃત પેશીને ઓગાળી નાખીને તે સ્થળેથી દૂર કરવામાં સહાયભૂત થાય છે. મૃતજીવાણુ અને મૃતપેશીને દૂર કરવાની પ્રક્રિયા કોષભક્ષિતાનો ત્રીજો અને છેલ્લો તબક્કો ગણાય છે.

કોષભક્ષિતા : (અ) રાસાયણિક કર્ષણને કારણે ચેપગ્રસ્ત વિસ્તારમાં પહોંચતા ભક્ષી કોષો, (આ) કોષની અંદર જીવાણુનું પચન, (ઇ) ભક્ષી કોષમાં જીવાણુ પ્રવેશે તે પછી ઉદભવતી સ્થિતિઓ. (અ-1) કેશવાહિનીમાંથી બહાર નીકળતા કોષો, (અ-2) રાસાયણિક કર્ષણથી ચેપગ્રસ્ત વિસ્તારમાં પહોંચતા કોષો, (અ-3) ચેપજન્ય શોથ.
(આ-1) જીવાણુના સંસર્ગમાં તટસ્થ શ્વેતકોષ, (આ-2) જીવાણુને ઘેરી વળતા પાદાભ, (આ-3) કોષોની અંદર રિક્તાવકાશ(vaculoe)માં જીવાણુ, (ઇ-1) પચાવી નાખેલો જીવાણુવાળો કોષ, (ઇ-2) ભક્ષીકોષનો જીવાણુ દ્વારા નાશ (પરુ), (ઇ-3) કોષની અંદર જીવાણુની સંખ્યાવૃદ્ધિ.

એકકેન્દ્રી કોષો (monocytes), પેશીકોષો (histiocytes) વગેરે કોષો પેશીની અંદર સ્થાયીરૂપે હોય છે અને તે બાહ્ય પદાર્થોને ગળી જઈને તથા પચાવી દઈને તે સ્થળની સફાઈ કરે છે તેથી તેમને સફાઈકોષો (scavengers) પણ કહે છે. ઉગ્રશોથના શરૂઆતના તબક્કામાં તટસ્થ શ્વેતકોષો કાર્યરત હોય છે જ્યારે મહાભક્ષી કોષો પાછળથી તેમાં જોડાય છે. તે પણ વિવિધ ઉત્સેચકો ઉત્પન્ન કરે છે. મોટા ભાગના જીવાણુઓને આ મહાભક્ષી કોષો ગળી જઈને પચાવી નાખે છે. પરંતુ કેટલાક જીવાણુઓ (દા.ત., ક્ષયના જીવાણુ, ટાઇફૉઇડના જીવાણુ વગેરે) મહાભક્ષી કોષોની અંદર પણ જીવે છે અને સંખ્યાવૃદ્ધિ પણ કરે છે.

ઘણી વખત ભક્ષી કોષો જીવાણુને ગળી જઈને પચાવી શકે તે માટે સૌપ્રથમ જીવાણુ સાથે પ્રતિદ્રવ્યો (antibodies) જોડાઈને પ્રતિરક્ષાલક્ષી સંકુલ (immune complex) બનાવે છે. આવી રીતે કોષીય અને રાસાયણિક (humoral) પ્રતિરક્ષા પ્રણાલી (immune systems) સાથે સાથે કામ કરે છે. ક્યારેક પ્રતિદ્રવ્યોની ગેરહાજરીમાં પણ ભક્ષી કોષોની બાહ્ય સપાટી પર જે કોઈ જીવાણુઓ હોય તેને તેઓ ગળી જઈ શકે છે. આ પ્રક્રિયાને બાહ્યસ્તરીય અથવા સપાટીસ્થિત કોષભક્ષિતા (surface phagocytosis) કહે છે. આવા સંજોગોમાં ભક્ષી કોષો તથા જીવાણુઓ ચોંટી રહે એવી સ્થિતિ ત્રણ જુદી જુદી રીતે થાય છે – (અ) વાહિનીઓની અંદર ફાઇબ્રિન તંતુઓ જમા થતા હોય, (આ) લસિકાગ્રંથિના વિવરાભ(sinusoid)માં ભક્ષી કોષો જમા થયા હોય, અથવા (ઇ) ભક્ષી કોષો કેશવાહિનીની દીવાલને ચોંટ્યા હોય.

શિલીન નં. શુક્લ