કોષ-પૃથક્કારક

January, 2008

કોષ-પૃથક્કારક (cell separator) : લોહીના કોષોને અલગ પાડતું યંત્ર. લોહીના કોષોને તથા પ્રવાહીના ઘટકોને અલગ પાડવાની પ્રક્રિયાને પૃથગ્ભવન (apheresis) કહે છે. તેની મદદથી સારવાર માટે લોહીના અલગ અલગ ઘટકોને જુદા પાડી શકાય છે. તેથી લોહીનો વિશિષ્ટ અને જરૂરી ઘટક આપવાની વ્યવસ્થા થઈ શકે છે. જ્યારે નસમાંથી સીધેસીધું અથવા કોષ-પૃથક્કારકની મદદથી લોહી લેવામાં આવે ત્યારે તેને રુધિર-પૃથગ્ભવન(haemapheresis) કહે છે. પરંતુ જો લોહીનો કોઈ એક ઘટક લેવામાં આવે તો તે ઘટકના નામને પૂર્વગ તરીકે વાપરીને જે-તે પ્રક્રિયાને ઓળખવામાં આવે છે. દા.ત., જ્યારે ફક્ત રુધિરજલ (plasma) અલગ પડતો હોય ત્યારે તેને રુધિરજલ-પૃથક્ભવન (plasmapheresis) કહે છે અને શ્વેતકોષો અલગ પાડવામાં આવતા હોય ત્યારે તેને શ્વેતકોષ-પૃથગ્ભવન (leukapheresis) કહે છે.

કોષ-પૃથક્કારકની શોધને કારણે રુધિર-પૃથગ્ભવનની પ્રક્રિયાને બળ મળ્યું છે. આ યંત્રની મદદથી વ્યક્તિના શરીરમાંથી મેળવેલા લોહીનું કેન્દ્રગામીકરણ (centrifugation) કરવામાં આવે છે, જેથી લોહીના વિવિધ ઘટકો અલગ પડી શકે. કેન્દ્રગામીકરણ માટે લોહીને ગોળ ગોળ ફેરવવામાં આવે છે, જેથી તેના ભારે ઘટકો (દા.ત. કોષો) વચ્ચે એકઠા થઈ જાય. કોષ-પૃથક્કારકની મદદથી આવી રીતે છૂટા પાડેલા ઘટકોમાંથી જેની જરૂર ન હોય તેને દાતા(donor)ના શરીરમાં પાછા આપી શકાય છે અને જેની જરૂર હોય એ જ ઘટકને અલગ પાડીને દર્દીને અપાય છે. આવી રીતે દર્દીના શરીર માટે જોખમી હોય તેવાં દ્રવ્યોને પણ દૂર કરી શકાય છે.

કોષ-પૃથક્કારકની મદદથી લોહીના કણિકાકોષો(granuloc-ytes)ને અલગ કરીને દર્દીને આપી શકાય છે. તે ઘણી વખત જીવનરક્ષક સારવાર થઈ પડે છે. દર્દીના શરીરમાં દાનરૂપે આપેલા કણિકાકોષોનો અર્ધજીવનકાળ (half life) 4 થી 8 કલાકનો જ છે. તેથી તેને તે વારંવાર આપવા પડે છે. દાતાના શરીરમાંથી કણિકાકોષરૂપે શ્વેતકોષોને લઈ લીધા પછી બાકીનું લોહી શરીરમાં પાછું આપી શકાતું હોવાથી એક જ દાતામાંથી વારંવાર કણિકાકોષો લઈ શકાય છે. આ પ્રક્રિયા સતત અથવા વારંવાર કરી શકાય છે. દરેક ક્રિયાચક્ર વખતે 2 × 1016 કણિકાકોષો મેળવી શકાય છે. આ પ્રકારની સારવારની મદદથી જ્યારે લોહીમાં શ્વેતકોષો ઘટી ગયા હોય ત્યારે જિંદગી બચાવી શકાય છે. પૃથગ્ભવનની પ્રક્રિયાના અન્ય ઉપયોગો સારણીમાં દર્શાવ્યા છે.

સારણી : પૃથગ્ભવનની પ્રક્રિયાના કેટલાક ઉપયોગો

  1. એકકોષગોત્રીય પ્રોટીન(monoclonal proteins )ને દૂર કરવાં
  2. સ્વકોષઘ્ની પ્રતિદ્રવ્યો(autoantibodies)ને દૂર કરવાં
  3. અન્યજનીનીય પ્રતિદ્રવ્યો(alloantibodies)ને દૂર કરવાં
  4. દવાઓ અને ઝેરને દૂર કરવાં
  5. લોહીના પ્લાઝમાના કોઈ ઘટકને દૂર કરવા કે ઉમેરવા
  6. અન્ય પદાર્થોને લોહીમાંથી દૂર કરવા
  7. રક્તકોષવિનિમય (red cell exchange)
  8. શ્વેતકોષ-પૃથગ્ભવન દ્વારા શ્વેતકોષનું દર્દીને દાન
  9. ગઠનકોષ (platelet) પૃથગ્ભવન વડે લોહી વહેવાની તકલીફની સારવાર

શિલીન નં. શુક્લ

શાંતિ પટેલ