કોશી : પૂર્વ નેપાળમાંથી નીકળી બિહારમાં થઈને ગંગાને મળતી ઉત્તર ભારતની નદી. તેની લંબાઈ 590 કિમી. છે. માઉન્ટ એવરેસ્ટ સહિતના નેપાળનો ત્રીજો ભાગ અને તિબેટનો કેટલોક વિસ્તાર તેના વહનક્ષેત્રમાં છે. ઇન્ડો-નેપાળ સરહદથી 30 કિમી. ઉત્તરે તેને કેટલીક નદીઓ મળે છે અને શિવાલિક ગિરિમાળાને દક્ષિણ બાજુએ ભેદીને તે વહે છે. આ નદીની સાત શાખાઓ છે. તેથી તે ‘સપ્તકોશી’ કહેવાય છે. મુખ્ય પ્રવાહ ‘સુન કોશી’ તરીકે ઓળખાય છે. ઉત્તર તરફથી અરુણ અને પૂર્વ તરફથી તાંબર નદી મળ્યા બાદ તે દક્ષિણાભિમુખ બને છે. આ સિવાય તિલજુગા, બાટી, ધીમરા, તલાબી, પ્રવણ, ધુસાન, ચલૌસી, લોરન, કટના, ધઉસ અને ચગરી નદીઓ પણ તેને મળે છે. છતરા પાસે તે ખડકાળ પટમાં વહે છે. ઉનાળામાં હિમજથ્થો પીગળતાં તેનો પ્રવાહ વધે છે. 200 વર્ષ પૂર્વે તે પૂર્ણિયા પાસે ગંગાને મળતી હતી. પણ 1920ના દાયકા દરમિયાન તેનો પ્રવાહ 115 કિમી. પશ્ચિમ તરફ ખસ્યો છે. તેનાં પાણી ક્યારેક ચોવીસ કલાકમાં 10 મીટર જેટલાં વધી જાય છે અને દરભંગા, સહરસા અને પૂર્ણિયાના ઉત્તર બિહારના જિલ્લાઓમાં વિનાશ વેરે છે. આથી તે બિહારની ‘દિલગીરી’ તરીકે ઓળખાય છે. તેના કાંઠા બાંધી લેવાયા છે. તેના ઉપર નેપાળમાં એક બંધ વરાહક્ષેત્ર પાસે બાંધવામાં આવેલો છે. વરાહક્ષેત્ર પાસેના ચત્રગૉર્જ ઉપરનો બંધ 228.5 મી. ઊંચો છે. આની દ્વારા બિહાર અને નેપાળની લાખો હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળે છે અને જળવિદ્યુત પણ ઉત્પન્ન થાય છે. બંધને કારણે પૂરની ભીષણતામાં ઘટાડો થયો છે. નેપાળ અને ભારતની આ સહિયારી નદી જેના ઉપર નેપાળમાં સાપતારી અને સુતસારી જિલ્લામાં સપ્તકોશી હાઈડેન પ્રોજેક્ટ નિર્માણ પામ્યો છે. 2008ના 18 ઑગસ્ટના રોજ અતિવૃષ્ટિને કારણે આ ડેમમાં ભંગાણ થયું હતું. વિનાશક પુર આવવાને કારણે ભારતના બિહાર રાજ્યના આશરે 23 લાખ લોકોને માઠી અસર પહોંચી હતી. 2017માં નેપાળમાં અતિવૃષ્ટિ થઈ હતી પરંતુ સેટેલાઈટ દ્વારા અગાઉથી જાણકાર મળી હોવાથી નુકશાન પ્રમાણમાં ઓછું થયું હતું.
શિવપ્રસાદ રાજગોર