કોળી : પછાત ગણાતી જાતિઓ પૈકી એક. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં તેમની વસ્તી છે. તેમના મૂળ વતન સિંધમાંથી આવીને તેઓ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મેદાનમાં તથા સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે સાગરકાંઠે વસ્યા.
ડૉ. વિલ્સન કોળીઓને ગુજરાતના મૂળ આદિવાસી માને છે. ટેલર તેમને ડાંગવાળા (clubman) કે પશુપાલન અને વહાણવટાના ધંધા સાથે સંકળાયેલા માને છે. બૉમ્બે ગેઝેટિયર વૉ. 8ના લેખક તેમને વર્ણસંકર જાતિના (half-caste) હોવાનું જણાવે છે. બિશપ હેબર તેમને સુધરેલા ભીલ માને છે. કોળીઓ અને રજપૂતો એક જ જથ્થાના હોવાનું પણ એક મંતવ્ય છે. પૂર્વ ગુજરાતના ભીલો અને કોળીઓ રજપૂતો જેટલા ખડતલ અને બળવાન છે. નૃવંશવિશારદ વિલોબી બારૈયાનો મૂળ પુરુષ ભીલ હતો એમ માને છે. મેલવિલ અમદાવાદ જિલ્લાના પૂર્વભાગના લોકો કોળી હોવાનું જણાવે છે. વૉટસને બૉમ્બે ગેઝેટિયર વૉ. 8(કાઠિયાવાડ)માં નોંધ્યું છે કે કોળી અને રજપૂતો વચ્ચે કોઈ ખાસ તફાવત જણાતો નથી. પ્રાંતિજના કોળીઓમાં એવી વાત પ્રચલિત છે કે તેમનો મૂળ પુરુષ રજપૂત હતો પણ ભીલ સ્ત્રીના હાથનું પાણી પીવાથી તે જ્ઞાતિ બહાર મુકાયેલ. કોલ જાતિના વંશજો કોળી કહેવાયા એવું પણ મંતવ્ય છે.
કોળી ગુજરાતમાં છઠ્ઠી કે સાતમી સદીમાં આવ્યા હોવાનું એક મંતવ્ય છે. મિહિર કે મેર અને ગુર્જરો પશ્ચિમ, વાયવ્ય અને ઈશાન ખૂણેથી ગુજરાતમાં આવ્યા ત્યારે અહીં મેદાનોમાં ભીલો વસતા હતા. મધ્ય ગુજરાતમાં આવનાર આ લોકોનું ઘણું જોર હતું, પણ પૂર્વ ગુજરાતમાં તેમની વસ્તી ઓછી હતી; તેથી તે સ્થાનિક ભીલ કન્યાઓને પરણ્યા. આ આગંતુકો એ જ કોળીઓ. ભીલ ક્ધયા સાથેના લગ્નથી તે અર્ધમિશ્રિત જાતિના કે વર્ણસંકર કહેવાયા. બૉમ્બે ગેઝેટિયર પ્રમાણે મેર કે મેડ અને કોળીઓ એક જ હતા અને સિંધમાંથી તે તેમના મુખી સોનેગ મેર સાથે આવ્યા.
ચૌદમી સદી દરમિયાન મુસ્લિમ આક્રમણને કારણે રજપૂતો વેરવિખેર થઈ ગયા અને મધ્યમ અને ઉચ્ચ વર્ણના ક્ષત્રિયોએ કોળીઓવાળાં ગામોમાં આશ્રય મેળવ્યો અને તેમની સાથે લગ્નવ્યવહાર પણ અપનાવ્યો. તેમના વંશજો કોળી ગણાવા લાગ્યા પણ તેમની મૂળ અટક ચાલુ રહી હતી.
આ કોમના રિવાજ અન્ય હિંદુ જ્ઞાતિ મુજબના છે. તે શંકર, હનુમાન, ખોડિયાર, હિંગળાજ, મેલડી, બહુચરા, કાલિકા વગેરે દેવદેવીઓને પૂજે છે. સૂરત અને વલસાડ જિલ્લાના કોળીઓ ખેતી ઉપરાંત મચ્છીમારીમાં પ્રવૃત્ત છે. ખારવા પણ છે. રમૂજીલાલજી મહારાજની અસર નીચે વૈષ્ણવ ધર્મની અસર ઝીલીને ઘણા લોકો માંસ, મચ્છી, દારૂ વગેરે છોડી દઈને સાદું શુદ્ધ જીવન ગાળે છે. સ્વામિનારાયણ સંપ્રદાયની પણ તેમના ઉપર અસર થઈ છે. શક્તિ સંપ્રદાયની પણ થોડી અસર છે.
અન્ય કોળીઓ : મહારાષ્ટ્રમાં સોન, મલ્હાર, મહાદેવ કોળી વગેરે કોળીઓની જ્ઞાતિ છે. સોન કોળી સાંસ્કૃતિક તથા આર્થિક ર્દષ્ટિએ બધા કરતાં ઊંચા છે. મહાદેવ અને મલ્હાર કોળીઓનો અનુસૂચિત જાતિમાં સમાવેશ કરાયો છે. મહારાષ્ટ્રમાં કોળી અને કુનબી (કણબી) અનેક રીતે સામ્ય ધરાવે છે. સોન કોળી મચ્છીમારીનો ધંધો કરે છે અને કેટલાક પરદેશ પણ ગયા છે. કોળીઓ પૈકી ઢોર કોળી બધામાં નીચા ગણાય છે. મહાદેવ કોળી સહ્યાદ્રિથી પુણે નજીકના મૂળશી પર્વત સુધી અને પુણેથી ત્ર્યંબક સુધી ફેલાયેલા છે. થાણા જિલ્લામાં આવેલ જવાહર નામના ભૂતપૂર્વ દેશી રાજ્યમાં પણ તેમની વસ્તી છે. મહાદેવ અને મલ્હાર કોળીઓ પૈકી પાનભરે કોળીઓ કિલ્લાના સંરક્ષક તરીકે કામ કરતા હતા તેથી તે ગડકરી તરીકે ઓળખાય છે. બધા કોળીનાં કુળદેવી તરીકે ખંડોબા અને એકવીરા દેવી તેમના દેવતા છે. પણ મલ્હાર કોળીઓની વરસુબાઈ વિશેષ દેવી છે, જેની રોગના નાશ માટે તેઓ આરાધના કરે છે. આ સિવાય વાઘદેવ, હનુમાન, શિવ, રામ, કૃષ્ણ વગેરે દેવોને પણ તેઓ માને છે. દશેરા, અક્ષયતૃતીયા, દિવાળી વગેરે તેમના મુખ્ય તહેવારો છે. તેઓ મંત્રતંત્ર વગેરેમાં વધારે શ્રદ્ધા રાખે છે. ખેતી તથા જંગલની ઊપજ એકઠી કરવાનો તેમનો વ્યવસાય છે.
મધ્યપ્રદેશના કોળીઓ અને ભીલો વચ્ચે અનેક બાબતમાં સામ્ય છે એવું રસેલ અને હીરાલાલનું માનવું છે. તેમની વસ્તી વિદર્ભ અને ખાનદેશમાં છે. ભીલની માફક કોળીઓને ગુનેગાર જાતિના ગણવામાં આવતા હતા. ભૂતકાળમાં તેઓ લૂંટફાટ તથા ધાડ પાડવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલા. નિમાડ જિલ્લામાં તેમની વસ્તી ઘણી છે. મધ્યપ્રદેશમાં તેમના સૂર્યવંશી, મલ્હાર, ભિલાવફોડ, શિંગાડે અને મુસલમાન એવા વિભાગો છે. મુસલમાન થયેલ કોળીનો જુદો વિભાગ જણાય છે.
શિવપ્રસાદ રાજગોર