કોહલી, વિરાટ

March, 2023

કોહલી, વિરાટ (જ. 5 નવેમ્બર 1988, દિલ્હી) : ભારતીય ક્રિકેટના સર્વશ્રેષ્ઠ સુકાની.

પિતાનું નામ પ્રેમ કોહલી, માતાનું નામ સરોજ કોહલી અને પત્નીનું નામ અનુષ્કા શર્મા  (હિંદી ફિલ્મની હીરોઇન.)

વિરાટ કોહલી શરૂઆતથી જ ક્રિકેટમાં રુચિ ધરાવતા હતા. આ બાબત તેના પિતાને ખબર પડતા માત્ર 9 વર્ષની વયે જ પશ્ચિમ દિલ્હીની ક્રિકેટ એકૅડેમીમાં તેને દાખલ કર્યા. અહીં કોહલીની પ્રતિભા સ્થાનિક પ્રશાસનની દોરવણી હેઠળ ખૂબ જ વિકસી અને તેને 19 વર્ષથી નાની વયની ક્રિકેટ ટીમમાં રમવા મળ્યું. વર્ષ 2008માં કોઆલમપુરમાં રમાયેલ 19 વર્ષથી નાની વયની વિશ્વ કપ ટીમના સુકાની બન્યા અને ભારત માટે વિશ્વકપ પણ જીત્યો.

ભારતીય ટીમ તરફથી સૌપ્રથમ વન ડે ક્રિકેટમાં પ્રવેશ મેળવ્યો. 18 ઑગસ્ટ, 2008માં પ્રથમ વન ડે શ્રીલંકા સામે રમ્યા. ભારતના નિયમિત ઓપનિંગ ખેલાડી સચિન અને સેહવાગની ગેરહાજરીના કારણે કોહલીને ઓપનિંગ ખેલાડી તરીકે રમવા મળ્યું. અહીં તેનો દેખાવ સારો રહ્યો પરંતુ તેને થોડો સમય ટીમની બહાર રહેવું પડ્યું.

દિલ્હી તરફથી ઘરેલું ક્રિકેટમાં તેના દેખાવના કારણે પસંદગી સમિતિએ તેને 2011ના વિશ્વકપમાં સ્થાન આપ્યું. શ્રીલંકા સામેની ફાઇનલ મૅચમાં ભારતના ઓપનિંગ ખેલાડીના જલદી આઉટ થયા પછી તેના જ દિલ્હીના સાથીદાર ગૌતમ ગંભીર સાથે 83 રનની ભાગીદારી નોંધાવી. કટોકટીના સમયે વિકેટ ઉપર ઊભા રહી સુકાની મહેન્દ્રસિંહ ધોનીના અણનમ 91 રનની મદદથી ભારત 28 વર્ષ પછી બીજી વખત વિશ્વકપ વિજેતા બન્યું.

વન ડે ક્રિકેટમાં સતત પ્રભાવશાળી દેખાવ પછી ભારતના વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ સમયે તેની પસંદગી કરવામાં આવી અને 20 જૂન, 2011ના રોજ સબિનાપાર્ક ખાતે પ્રથમ ટેસ્ટ રમવા મળી. અગિયાર વર્ષની તેની ટેસ્ટ- કારકિર્દીમાં તેણે 100થી વધુ ટેસ્ટ અને 8 હજારથી વધુ રન 27 સદીની મદદથી અને 50 રનની સરેરાશથી કરનાર કોહલીએ વન ડે ક્રિકેટમાં પણ 250થી વધુ મૅચ અને 12,000થી વધુ રન કર્યા છે. એટલું જ નહીં સચિન તેંડુલકરની 49 સદી પછી વન ડેમાં સૌથી વધુ 43 સદી પણ તે નોંધાવી ચૂક્યો છે. અને અહીં પણ તેની સરેરાશ 58 રનની છે.

ફટાફટ ક્રિકેટ તરીકે જાણીતી બનેલ ટી-20 સ્પર્ધામાં પણ કોહલીનો દેખાવ એટલો જ પ્રભાવશાળી છે જેટલો ટેસ્ટ અને વન ડેમાં છે. અહીં પણ તે પચાસથી વધુ રનની સરેરાશ મેળવી શક્યો છે.

વર્ષ 2014-15ના ભારતના ઑસ્ટ્રેલિયા પ્રવાસની પ્રથમ ટેસ્ટમાં નિયમિત સુકાની મહેન્દ્રસિંહ ધોનીની ગેરહાજરીના લીધે વિરાટ કોહલીને 9 ડિસેમ્બર, 2014ના રોજ એડેલેઇડના મેદાન ઉપર શરૂ થયેલ શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં જ સુકાનીપદ સંભાળવા મળ્યું. સુકાની તરીકેની પ્રથમ ટેસ્ટમાં જ કોહલી બંને દાવમાં સદી નોંધાવનાર વિશ્વનો સૌપ્રથમ સુકાની બન્યો. મેલબૉર્નમાં રમાયેલ ત્રીજી ટેસ્ટમાં પણ તેણે પ્રથમ દાવમાં 169 રન કર્યા. શ્રેણીની સિડનીમાં રમાયેલ અંતિમ ટેસ્ટ અગાઉ સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ અચાનક ટેસ્ટમાંથી નિવૃત્તિ જાહેર કરતાં કોહલીને ભારતીય ટીમનો નિયમિત સુકાની બનાવ્યો. આ ટેસ્ટમાં પણ તેણે પ્રથમ દાવમાં સદી કરી. આમ ઑસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટમાં તેણે 86.5 રનની સરેરાશથી 692 રન કર્યા.

નિયમિત સુકાની બનેલ કોહલીએ આક્રમક અભિગમ દાખવતાં ભારત માટે સૌથી વધુ વિજય અપાવ્યા છે. જેની શરૂઆત તેણે 24 ઑગસ્ટ, 2015ના રોજ શ્રીલંકાને તેની જ ધરતી ઉપર 278 રનથી હરાવીને કરી. પોતાની સુકાની તરીકેની પ્રથમ ચાર ટેસ્ટમાં ચાર સદી કરનાર ભારતનો સુનીલ ગાવાસ્કર પછી બીજો અને વિશ્વનો માત્ર ત્રીજો ખેલાડી બન્યો. સુકાની તરીકે નિવૃત્ત થયો ત્યારે કોહલી ભારતનો સૌથી સફળ સુકાની બની ગયો હતો. તેણે સુકાની તરીકે રમેલ 68 ટેસ્ટમાં 40માં વિજય 17માં પરાજય અને 11 ટેસ્ટ ડ્રૉ થઈ.

ટેસ્ટની જેમ વન ડેમાં પણ કોહલીએ અનેક વિક્રમો પોતાના નામે કર્યા. સૌથી મહત્વનો વિક્રમ વન ડેમાં સૌથી ઝડપી દસ હજાર રનનો છે. જે તેણે 24 ઑક્ટોબર, 2018ના રોજ વેસ્ટ ઇન્ડીઝ સામે રમતાં મેળવ્યો. માત્ર 205 દાવમાં દસ હજાર રન પૂરા કરી સચિન તેંડુલકરના 259 દાવમાં દસ હજાર રનનો વિક્રમ પોતાના નામે કર્યો. વન ડેમાં દસ હજાર રન કરનાર તે વિશ્વનો 14મો અને ભારતનો પાંચમો ખેલાડી બન્યો. પોતાની વન ડે કારકિર્દીમાં તેણે 260 મૅચમાં 58.07 રનની સરેરાશથી 12,311 રન કર્યા છે. જેમાં 43 સદી અને 64 અડધી સદીનો સમાવેશ થાય છે.

ટેસ્ટ અને વન ડેની જેમ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ કોહલીની સફળતા સૌથી શ્રેષ્ઠ છે. ટી-20ની 97 મૅચમાં તેણે 51.50 રનની સરેરાશથી 3296 રન કર્યા છે. જેમાં તેણે સૌથી વધુ 30 અડધી સદી પણ નોંધાવી છે. ટી-20 ક્રિકેટમાં તેની 51.50 રનની સરેરાશ પણ સૌથી શ્રેષ્ઠ સરેરાશ છે. સુકાની તરીકે પણ કોહલી સૌથી સફળ સુકાની છે. તેની આગેવાની હેઠળ ભારતે રમેલ 50 મૅચમાંથી 32માં વિજય મેળવ્યો છે. ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો તેની 64 ટકા સફળતા 50 કે તેથી વધુ મૅચમાં સુકાની પદ સંભાળનારમાં શ્રેષ્ઠ છે. પોતાની 97 મૅચની કારકિર્દીમાં 12 વખત મૅન ઑફ ધ મૅચ (વિશ્વ વિક્રમ 13 મૅન ઑફ  ધ મૅચ) જ્યારે મૅન ઑફ ધ સિરીઝ સાત વખત બન્યો છે જે એક વિશ્વવિક્રમ છે.

વર્તમાન સમયના ક્રિકેટના ત્રણેય વિભાગ – ટેસ્ટ, વન ડે અને 20-20ના શ્રેષ્ઠ ખેલાડી અને સુકાની વિરાટ કોહલીના કેટલાક વિક્રમો આ પ્રમાણે છે :

  • ટેસ્ટમાં 7 બેવડી સદી નોંધાવનાર ભારતનો એક માત્ર ખેલાડી. (2) સુકાની તરીકે છ બેવડી સદી કરનાર વિશ્વનો એક માત્ર ખેલાડી. (3) બે દેશ વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકા સામે સતત ત્રણ સદી કરનાર વિશ્વનો એક માત્ર ખેલાડી. (4) ભારત તરફથી વન ડેમાં સૌથી ઝડપી 1,000, 5,000, 6,000, 7,000, 8,000, 9,000 અને 10,000 રન કરનાર ખેલાડી. (5) ભારત તરફથી વનડેમાં સતત ત્રણ સદી કરનાર એક માત્ર ક્રિકેટર. (6) એક જ કૅલેન્ડર વર્ષમાં હજાર રનની સિદ્ધિ સાત વખત મેળવી છે. (7) સુકાની તરીકે લગભગ 76 ટકા સફળતા મેળવનાર ભારતનો સૌથી વધુ સફળ સુકાની. (8) સૌથી ઓછા સમયમાં દસ હજાર રન પૂરા કરનાર ભારતીય ખેલાડી (10 વર્ષ, 68 દિવસ) (9) ક્રિકેટના ત્રણેય વિભાગમાં 50થી વધુ વિજયોમાં ભાગીદાર એક માત્ર ખેલાડી. (10) ટી-20 ક્રિકેટમાં 500થી વધુ રન કરનાર સુકાનીઓમાં શ્રેષ્ઠ સરેરાશ6 ટકા. (11) સૌથી વધુ 10 ટી-20માં સતત વિજય મેળવનાર એક માત્ર સુકાની. (12) વન ડેમાં 43 સદી કરનાર વિશ્વનો માત્ર બીજા નંબરનો ખેલાડી. પ્રથમ ક્રમ સચિન તેંડુલકર 49 સદી.

કોહલીને મળેલ કેટલાક ઍવૉર્ડ

  • સર ગારફિલ્ડ સોબર્સ ટ્રૉફી વર્ષના શ્રેષ્ઠ ક્રિકેટર તરીકે 2017માં
  • વન ડેમાં વર્ષનો શ્રેષ્ઠ ખેલાડી 2012 અને 2017
  • ટેસ્ટ ટીમના શ્રેષ્ઠ સુકાની 2017
  • ભારત સરકાર તરફથી પદ્મશ્રી – 2017
  • અર્જુન ઍવૉર્ડ – 2013
  • રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર – 2018
  • દસકાના શ્રેષ્ઠ ખેલાડી તરીકે સર ગારફીલ્ડ સોબર્સ ઍવૉર્ડ (2010-2020). ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધુ (68) વખત સુકાની અને સુકાની તરીકે સૌથી વધુ (5864) રન.
  • આંતરરાષ્ટ્રીય મૅચોમાં 50 કે તેથી વધુ રનની સરેરાશથી 20 હજારથી વધુ રન કરનાર એકમાત્ર ખેલાડી.
  • આંતરરાષ્ટ્રીય મૅચમાં સૌથી ઓછા (462) દાવમાં 22,000 રન પૂરા કરનાર. અગાઉ આ વિક્રમ સચિન તેંડુલકરના નામે (493 દાવનો) હતો.

જગદીશ શાહ