કોલ, હેલ્મૂટ (જ. 3 એપ્રિલ 1930, લુડવિગશેફેનહ્રાઇન, જર્મની; અ. 16 જૂન 2017, લુડવિગશેફેનહ્રાઇન, જર્મની) : જર્મનીના અગ્રણી મુત્સદ્દી તથા પહેલાં પશ્ચિમ જર્મનીના (1982) તથા પૂર્વ અને પશ્ચિમ જર્મનીના એકીકરણ પછી સંયુક્ત જર્મનીના ચાન્સેલર (1990). ફ્રૅન્કફર્ટ તથા હાઇડલબર્ગ ખાતે ઇતિહાસ તથા કાયદાશાસ્ત્રનું શિક્ષણ લીધું. 1958માં હાઇડલબર્ગ યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્ર વિષયમાં પીએચ.ડી.ની પદવી મેળવી. થોડાક સમય માટે રસાયણ ઉદ્યોગ સાથે સંકળાયેલા રહ્યા. પછી વકીલાત કરી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લશ્કરમાં ભરતી થયા પરંતુ તાલીમ પૂરી થાય તે પહેલાં જ યુદ્ધ સમાપ્ત થયું.

હેલ્મૂટ કોલ

1947માં પોતાના વતન ખાતે ક્રિશ્ચયન ડેમોક્રૅટિક યુનિયન(CDU)ની યુવા શાખાની સ્થાપના કરી અને તે સાથે રાજકારણમાં પ્રવેશ કર્યો. 1959માં હ્રાઇનલૅન્ડ-પેલાટિનેટ રાજ્યની ધારાસભાના સભ્ય ચૂંટાયા. 1969માં રાજ્યના મિનિસ્ટર પ્રેસિડન્ટ (પ્રધાનમંત્રી) બન્યા અને 1976 સુધી તે પદ પર કામ કર્યું. 1966માં ક્રિશ્ચયન ડેમોક્રૅટિક યુનિયનની રાજ્યશાખાના અધ્યક્ષપદે ચૂંટાયા. 1969માં પક્ષના રાષ્ટ્રીય કક્ષાના ઉપાધ્યક્ષ તથા 1973માં અધ્યક્ષ ચૂંટાયા. 1976માં સમવાયતંત્રની સંસદ(Bundestrat)ના સભ્ય અને વિરોધપક્ષના નેતા બન્યા. 1980ની સામાન્ય ચૂંટણીમાં ક્રિશ્ચિયન સોશિયલ યુનિયન(CSU)ના નેતા ફ્રૅન્ઝ-જોસેફ સ્ટ્રૉસની તરફેણમાં ચાન્સેલરના પદની ઉમેદવારીમાંથી સ્વેચ્છાએ ખસી ગયા. તે ચૂંટણીમાં ક્રિશ્ચિયન ડેમોક્રૅટિક યુનિયન તથા ક્રિશ્ચિયન સોશિયલ યુનિયન(CDU-CSU)ના સંયુક્ત મોરચા સામેના પ્રતિસ્પર્ધી ઉમેદવાર હેલ્મૂટ શ્મિડ્ટ ચાન્સેલરની ચૂંટણીમાં વિજયી બન્યા, પરંતુ બે વર્ષમાં તેમના નેતૃત્વ હેઠળના મિશ્ર પ્રધાનમંડળમાં મતભેદ સર્જાતાં મોરચાના એક પક્ષ ફ્રી ડેમોક્રૅટિક પાર્ટી (FDP)એ કોલને ટેકો આપવાનું જાહેર કર્યું. સીડીયુ. સીએચયુ-એફડીપીના આ ત્રણ-પાંખિયા સંયુક્ત મોરચાએ ચાન્સેલર શ્મિડ્ટ સામે અવિશ્વાસનો ઠરાવ રજૂ કર્યો, જે સંસદમાં પસાર થતાં 1982માં કોલ વચગાળાના ચાન્સેલર બન્યા. 1983ની ચૂંટણીમાં કોલનો તથા તેમના નેતૃત્વ હેઠળના સંયુક્ત મોરચાનો વિજય થતાં તે પશ્ચિમ જર્મનીના વિધિસર ચાન્સેલર ચૂંટાયા. 1969 પછીના ગાળામાં ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયનનું પ્રતિનિધિત્વ ધરાવતા ચાન્સેલરપદે ચૂંટાયેલા તે પ્રથમ નેતા હતા, એટલું જ નહિ; પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કોઈ પણ પ્રકારની રાજકીય ભૂમિકા ન ભજવી હોવા છતાં ચાન્સેલરપદે ચૂંટાયા હોય તેવા તે સૌપ્રથમ નેતા ગણાય છે. 1987ની સામાન્ય ચૂંટણીમાં તેમના પક્ષે ફરી વિજય હાંસલ કર્યો હતો.

પૂર્વ તથા પશ્ચિમ જર્મનીના બીજા વિશ્વયુદ્ધ પછીના વિભાજિત ઘટકોનું 1990માં વિલીનીકરણ કરી સંયુક્ત જર્મન રાષ્ટ્રની રચના કરવાના જર્મન પ્રજાના સ્વપ્નને સાકાર બનાવવામાં હેલ્મૂટ કોલની વિચક્ષણ કુનેહ તથા રાજકીય મુત્સદ્દીગીરીએ ઐતિહાસિક ભૂમિકા ભજવી અને તેને લીધે જ વિલીનીકરણ પછી સંયુક્ત જર્મનીના ચાન્સેલરપદે ચૂંટાયા. પ્રખર રાષ્ટ્રવાદી હોવા છતાં તે મધ્યમમાર્ગી નીતિને અનુસરતા રહ્યા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે