કોલેસ્ટેરૉલ (પ્રાણીશાસ્ત્ર) : પૃષ્ઠવંશી પ્રાણીઓના શરીરમાં રહેલા સ્ટેરૉલ(લિપિડ આલ્કોહૉલ સમૂહ)નો વધુ જાણીતો ઘટક. C27H46O સમગ્ર પ્રાણીસૃષ્ટિમાં કોલેસ્ટેરૉલ અન્ય સ્ટેરૉલની સાથે મળી આવે છે. ઉચ્ચતર વનસ્પતિ વિવિધ સ્ટેરૉલ (ફાયટોસ્ટેરૉલ) ધરાવતી હોવા છતાં તેઓ કોલેસ્ટેરૉલ જવલ્લે જ ધરાવે છે. વિકાસની શરૂઆતની અવસ્થામાં શરીરના લગભગ બધા કોષો તેને ઉત્પન્ન કરે છે. જ્યારે પુખ્તાવસ્થામાં તેનું સંકેન્દ્રણ મુખ્યત્વે આંતરડાં, યકૃત અને ત્વચામાં થતું જોવા મળે છે :
કોલેસ્ટેરૉલ (chole = bile = પિત્ત) સૌપ્રથમ 1788માં ગૉલ-સ્ટોનમાંથી પ્રાપ્ત થયેલો. 1932માં તેનું બંધારણ નક્કી થયું જે મુજબ તે સાઇક્લો પરહાઇડ્રોફિનેન્થ્રીન મુદ્રિકા ધરાવે છે. તે એક l સ્ટેરૉઇડ છે. સ્ટેરૉલ તરીકે કોલેસ્ટેરૉલમાં ત્રીજા કાર્બન સાથે એક -OH મૂલક જોડાયેલો છે. તેનું બંધારણીય સૂત્ર નીચે પ્રમાણે છે :
શુદ્ધ સ્વરૂપે તે સફેદ, સ્ફટિકીય, ગંધહીન અને સ્વાદહીન પદાર્થ છે. વિકસિત પ્રાણીઓના કોષની ત્વચાના એક ઘટક તરીકે તે લગભગ બધા કોષોમાં હોય છે. શરીરમાં તે પેશીઓમાં તેમજ શરીર-રસો(body fluids)માં લાઇપોપ્રોટીનો સાથે સંકળાયેલો મળી આવે છે. અન્ય લિપિડોની સરખામણીમાં ત્વચામાંના કોલેસ્ટેરૉલનું પ્રમાણ પેશી અને ત્વચા પ્રમાણે બદલાય છે. કોલેસ્ટેરૉલ અને ધ્રુવીય લિપિડનો (ફૉસ્ફોલિપિડ અને ગ્લાયકોલિપિડનો) ગુણોત્તર ત્વચાની સ્થિરતા, પારગમ્યતા અને પ્રોટીન ચલાયમાનતા(mobility)ને અસર કરે છે. આવો ઉચ્ચ ગુણોત્તર ધરાવતું અને કોષ તથા કેન્દ્રીય ચેતાતંત્રના આવરણ તરીકે વર્તતું મજ્જાપડ (myelinmembrane) ઊંચી સ્થિરતા અને નીચી પારગમ્યતા ધરાવે છે. તેનું મુખ્ય કાર્ય રક્ષણાત્મક અંતરાય તરીકેનું છે. મોટા ભાગના કોષોની બાહ્ય ત્વચામાં કોલેસ્ટેરૉલ ધ્રુવીય લિપિડ ગુણોત્તર મધ્યમ હોય છે અને તે રક્ષણાત્મક તેમજ ચયાપચયી વહન(metabolite transport)નાં કાર્યો કરે છે.
માનવીના લોહીના રક્તકણો પ્રતિ 100 મિલિ. દાબેલા (packed) કોષો દીઠ લગભગ 100 મિગ્રા. કોલેસ્ટેરૉલ ધરાવે છે. શરીરમાંના પિત્ત(bile)માં તે 2 %થી 4.5 %; લોહી, મગજના સ્નાયુઓ, કરોડરજ્જુ તથા અધિવૃક્કગ્રંથિમાં 0.1 %થી 0.7 % અને ગૉલસ્ટોનમાં 98 % હોય છે. અધિવૃક્કગ્રંથિ, શુક્રપિંડ, અંડગ્રંથિ વગેરેમાં કોલેસ્ટેરૉલ ચરબીજ ઍસિડ એસ્ટર તરીકે સંગ્રહાયેલો હોય છે અને જરૂર મુજબ સ્ટીરૉઇડ હૉર્મોનમાં તેનું રૂપાંતર થતું જાય છે. આવા હૉર્મોનમાં ઍન્ડ્રોજન તથા ઍસ્ટ્રોન (જાતીય હૉર્મોન) અને કૉર્ટિસોલ, કૉર્ટિકોસ્ટેરોન, આલ્ડોસ્ટેરૉલ જેવા અધિવૃક્ક કૉર્ટિકોઇડનો સમાવેશ થાય છે. યકૃતમાં કોલેસ્ટેરૉલ પિત્તામ્લ(bile acid)ના અગ્રદૂત તરીકે હોય છે.
ખોરાક દ્વારા શરીરમાં જતા તેમજ શરીરમાં જીવસંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થતા એમ બાહ્ય અને આંતરિક બંને પ્રકારના સ્રોતો દ્વારા મળતા કોલેસ્ટેરૉલનો કુલ જથ્થો શરીરમાં અચળ રહે છે. જો ખોરાકમાંથી કોલેસ્ટેરૉલ ઓછો મળે તો યકૃતમાં તેનું સંશ્લેષણ ઝડપી બને છે. આમ તો પિત્તના રૂપમાં તેને બહાર કાઢવામાં આવે છે અને આંતરડાંમાંના બૅક્ટેરિયા પણ તેનું વિઘટન કરે છે. છતાં જો શરીરમાં કોલેસ્ટેરૉલનું પ્રમાણ વધી જાય તો રક્તદાબ અને હૃદયરોગ થવાની શક્યતા વધી જાય છે.
જ. પો. ત્રિવેદી
બળદેવભાઈ પટેલ