કોલોન (Cologne) : પશ્ચિમ જર્મનીના ઉત્તર રહાઇન-વેસ્ટફાલિયા રાજ્યનું પ્રમુખ શહેર અને બંદર. તે રહાઇન નદીના પશ્ચિમ કાંઠે 50°-56′ ઉ. અ. અને 6°-58′ પૂ. રે. ઉપર બૉનથી 34 કિમી. અને હેનોવરથી 240 કિમી. દૂર આવેલું છે. રોમન કાળની ‘કોલોનિયા અગ્રિયાના’ રાણીના નામ ઉપરથી તેનું કોલોન નામ પડ્યું છે. તેની આબોહવા સમધાત અને ભેજવાળી છે. રુહરનું ઔદ્યોગિક કેન્દ્ર ત્યાંથી 56 કિમી. દૂર છે.

મધ્યયુગથી બૅંકિંગ, વીમો, વેપાર અને ઉદ્યોગોનું તે મહત્ત્વનું કેન્દ્ર છે. અહીં ઇજનેરી, કાપડ, રંગ, દવા, રસાયણ, ધાતુકામ, પેટ્રોકેમિકલ્સ વગેરે ઉદ્યોગો વિકસ્યા છે. કોલનવૉટર, દારૂ, ચૉકલેટ, એન્જિનો વગેરેનું પણ ઉત્પાદન થાય છે. નજીકમાં કોલસાનું ક્ષેત્ર હોવાથી ઉદ્યોગો વિકસ્યા છે.

તે પૂર્વ-પશ્ચિમ તથા ઉત્તર-દક્ષિણ જતા ધોરી માર્ગોનું કેન્દ્ર છે. જર્મનીનાં મોટાં શહેરો સાથે તે જોડાયેલું છે. તે મહત્ત્વનું રેલવે જંક્શન છે. નદીના જળમાર્ગ દ્વારા કોલસા, દારૂ, અનાજ, સૌંદર્યપ્રસાધનો, દવા, ચામડાની બનાવટો, રંગ, ખનિજો વગેરેની હેરફેર થાય છે.

કોલોન કેથીડ્રલ

સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે તેની ઘણી અગત્ય છે. યુરોપનાં સૌથી મોટાં દેવળો પૈકી 1248માં બંધાયેલું કોલોન કેથીડ્રલ તથા અગિયારમીથી તેરમી સદી દરમિયાન બંધાયેલાં અન્ય દેવળો આવેલાં છે. ત્યાં યુનિવર્સિટીની 1388માં સ્થાપના થઈ હતી. આ સિવાય ઝૂલૉજિકલ અને બૉટનિકલ ગાર્ડન્સ, ત્રણેક સંગ્રહસ્થાનો, આર્ટ એકૅડેમી, ટૅક્નિકલ શાળાઓ, કૉલેજો વગેરે પણ આવેલાં છે. અહીં દર વર્ષે ફેબ્રુઆરીમાં ઉત્સવ યોજાય છે.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેના મધ્ય ભાગના 90 ટકા વિસ્તારને ખૂબ નુકસાન થયું હતું. જેમાં ટાઉનહૉલ, બૅંક્વેટ હૉલ વગેરેનો સમાવેશ થાય છે.

ઈ. સ. 50માં તે રોમન કિલ્લેબંધીવાળું સામ્રાજ્યની સરહદે આવેલું ગામ હતું. ફ્રેન્ક રાજાઓ, કોલોનના આર્ચ બિશપ (785-1288), હેન સિયાટિક લીગ વગેરેને તાબે હતું. 1794માં ફ્રાન્સે ક્રાન્તિ દરમિયાન તેને જીતી લીધું હતું. 1815થી તે પ્રશિયા અને જર્મનીના તાબામાં હતું.

વસ્તી : 10.9 લાખ (2019) 19મી સદી દરમિયાન રેલમાર્ગો તેમજ બંદરને કારણે તેનો ઔદ્યોગિક વિકાસ થયો છે. બીજા વિશ્વયુદ્ધ પછી તે બ્રિટિશ હસ્તક ગયું. આજે તે જર્મનીને હસ્તક છે.

વિમલા રંગાસ્વામી