કોલરિજ, સૅમ્યુઅલ ટેલર (જ. 21 ઑક્ટોબર 1772, ઓટરી, ડેવનશાયર; અ. 25 જુલાઈ 1834, હાઇગેટ, મિડલસેક્સ, ઇગ્લૅન્ડ) : સુપ્રસિદ્ધ અંગ્રેજ કવિ, વિવેચક અને ફિલસૂફ. પિતા દેવળના પાદરી. માતાપિતાનું તેરમું અને છેલ્લું સંતાન. પિતાના અવસાન બાદ લંડનની પ્રાથમિક શાળામાં અને ત્યાર પછી ‘ક્રાઇસ્ટ હૉસ્પિટલ’ની શાળામાં, ચાર્લ્સ લૅમ્બ અને લી હન્ટ સાથે અભ્યાસ કર્યો. પાદરી બનવાના ઉદ્દેશ સાથે તેઓ 1791માં કેમ્બ્રિજની જિસસ કૉલેજમાં દાખલ થયા. ફ્રાન્સની ક્રાન્તિની અસરથી તેમના વિચારો સુધારાવાદી હતા.
બચપણથી કોલરિજ સંવેદનશીલ પ્રકૃતિના હોવાથી ભાઈબહેનો સાથે પણ ભળી શકતા નહિ અને પોતાની જાતમાં ખોવાયેલા રહેતા. સદભાગ્યે પિતાના સમૃદ્ધ પુસ્તકાલયનો આશરો મળ્યો. કિશોરવયમાં વાંચેલી ‘ઍરેબિયન નાઇટ્સ’ની વાર્તાઓએ મન પર ઉપજાવેલી પ્રબળ અસર એમની રચનાઓ ‘ધી એન્શિયન્ટ મેરિનર’ અને ‘ક્રિસ્ટાબેલ’માં દેખાય છે. કવિને ઇવાન્સ કુટુંબનો પરિચય થયો અને તે કુટુંબની પુત્રી મેરી સાથેના પ્રથમ પ્રણયનું અંતિમ પરિણામ દુ:ખદ આવ્યું. કેમ્બ્રિજમાં તેમની કૃતિ ‘ગ્રીક ઓડ ઑન ધ અનહૅપી લૉટ ઑવ્ સ્લેવ્ઝ ઇન ધ વેસ્ટ ઇન્ડિઝ’ માટે તેમને બ્રાઉન ચંદ્રક એનાયત થયો. 1793માં કૉલેજ છોડ્યા બાદ આર્થિક વિટંબણાને કારણે બનાવટી નામે લશ્કરમાં જોડાયા પણ એ છેતરપિંડી લાંબી ન ચાલતાં 1794ની 10મી એપ્રિલે કેમ્બ્રિજ પાછા ફર્યા. ડિગ્રી મેળવ્યા વિના જ એમણે યુનિવર્સિટીનો ત્યાગ કર્યો. જૂન 1794માં ઑક્સફર્ડમાં રૉબર્ટ સધેને મળવાનું થયું. વિલિયમ ગૉડવિનના વિચારોનો આધાર લઈને બંનેએ ન્યૂ ઇંગ્લૅન્ડમાં એકતાની ભાવના સાથે હળીમળીને રહેવાના ઉદ્દેશ સાથે એક પરગણાની યોજના ઘડી. કોલરિજે એને નામ આપ્યું ‘પેન્ટિસોક્રસી’; પરંતુ એ યોજના મૂર્ત સ્વરૂપ પામી નહિ. આ દરમિયાન રૉબર્ટ સધેનાં સાળી સારા ફ્રિકર સાથે થયેલો પરિચય લગ્નમાં પરિણમ્યો. જોકે તે નિષ્ફળ જતાં બંનેને છૂટા થવું પડ્યું. નેધર સ્ટોએના વસવાટ દરમિયાન કોલરિજે શ્રેષ્ઠ સર્જનો આપ્યાં. વળી કવિ વર્ડ્ઝવર્થ અને તેમનાં ભગિની ડૉરોથી સાથે તેમનો પરિચય થયો. આ મિલનની ફલશ્રુતિરૂપે ‘લિરિકલ બૅલડ્ઝ’ (1798) પ્રસિદ્ધ થયું. વર્ડ્ઝવર્થ અને ડૉરોથી સાથે કોલરિજ અને રૉબર્ટ સધે ગ્રાસમિયર સરોવરને કિનારે સહકુટુંબ આવી વસ્યા. પત્નીથી છૂટા પડ્યા પછી નિર્વાહનો પ્રશ્ન ઊભો થતાં મિત્રોએ તેમને મદદ કરી. જીવનના તનાવને ઘટાડવા તેમણે અફીણનો આશ્રય લેવા માંડ્યો. તબિયત લથડતાં મિત્રોની સંભાળ અને સહાનુભૂતિથી તેમની આદત છૂટી અને પુન: તંદુરસ્તી પ્રાપ્ત થતાં તેમણે ‘ધ બાયોગ્રાફિયા લિટરારિયા’ (1817), ‘નોટ્સ ઑન શેક્સપિયર ઍન્ડ મિલ્ટન’ અને ‘ધ લે સર્મન’ લખ્યાં. આ અરસામાં તેમનાં વ્યાખ્યાનોની જાણીતા સાહિત્યકારોએ પણ કદર કરી. 1819માં પુત્ર હાર્ટલેના અસંયમી વર્તનને કારણે ઑક્સફર્ડ ફેલોશિપમાંથી બાકાત રખાતાં આઘાત પામેલા કવિએ પુન: અફીણનો આશરો લીધો. નિરાશ જીવનનાં છેલ્લાં વર્ષોમાં ‘ક્રિસ્ટાબેલ’, ‘કુબ્લાખાન’, ‘ઝેપોલ્યા’, ‘સિબીલિન લીવ્ઝ’ અને છેલ્લા કાવ્યસંગ્રહ ‘ધ ફ્રેન્ડ’ની સુધારેલી આવૃત્તિ પ્રગટ કરીને અંગ્રેજી સાહિત્યને સમૃદ્ધ કર્યું. વર્ડ્ઝવર્થ અને કોલરિજના કવિતા વિશેના વિચારોનો વિવાદ જાણીતો છે. કોલરિજના મતે કવિ વાસ્તવિક ભાષા(real language)નો હિમાયતી ન હોઈ શકે, જ્યારે વર્ડ્ઝવર્થ માનવીની મૂળ નૈસર્ગિક ભાષાનું અનુકરણ કરવાનું જણાવે છે. કોલરિજના મતે સામાન્ય બોલચાલની અને લેખનની ભાષામાં તફાવત છે. કવિની જવાબદારી શબ્દોની પસંદગી અને તેની યોગ્ય ગોઠવણમાં રહેલી છે. કવિતાની વ્યાખ્યા કરતાં કોલરિજ કહે છે કે કવિતા એટલે ઉત્તમ શબ્દોની ઉત્તમ ગોઠવણી (best words in best order). તેનું ઉત્તમ ઉદાહરણ તેમણે ‘ધી એન્શિયન્ટ મેરિનર’માં પૂરું પાડ્યું છે. ઉત્તમ અસર ઉત્પન્ન કરવા માટે કવિતામાં, ચિંતન અને છંદ ઉપર તે ભાર મૂકે છે. ‘કુબ્લાખાન’ તેનું વિશિષ્ટ દૃષ્ટાન્ત છે. સર્જનપ્રક્રિયામાં કલ્પનાનું પ્રવર્તન થાય છે તે કોલરિજને મતે દ્વૈતીયીક કલ્પના (esemplastic imagination) છે.
કોલરિજે પ્રકૃતિનાં વિવિધ તત્ત્વોને રહસ્યમય મૂર્ત સ્વરૂપ આપ્યું છે. આ રહસ્યમય સૃષ્ટિના સર્જનમાં તેમની તીવ્ર કલ્પનાશક્તિની મદદથી તેઓ અપ્રતીતિકર પરત્વે બૌદ્ધિક અપ્રત્યયનું ઐચ્છિક વિલંબન કરે તેવી પ્રતીતિજન્ય તિલસ્માતી દુનિયા ઊભી કરે છે. અતીન્દ્રિય તત્ત્વના નિરૂપણમાં તેમણે ભૂતપ્રેતની વાતોને ભયાનક રૂપે રજૂ ન કરતાં એક પ્રકારનો જુદો માનસશાસ્ત્રીય વળાંક આપ્યો છે. અતીન્દ્રિય વાતાવરણ ઊભું કરવા માટે તે મધ્યકાલીન યુગની ચમત્કારિક વાર્તાઓનો આશ્રય લે છે, જે ‘ક્રિસ્ટાબેલ’માં જોઈ શકાય છે. આ કાવ્યમાં તેમની સ્વપ્નસેવી મનોદશાનાં દર્શન થાય છે. પ્રકૃતિના કવિ તરીકે તે સર્વેશ્વરવાદી હતા. પરંતુ પાછળથી દૃષ્ટિકોણ બદલાતાં તે કહે છે કે પ્રકૃતિને વાસ્તવમાં આનંદ કે શોક જેવું કશું છે જ નહિ પણ આપણા માનસિક ભાવોનું આપણે તેમાં આરોપણ કરીએ છીએ. અંગ્રેજ કવિઓમાં કોલરિજ સૌથી વધુ લયલુબ્ધ કવિ છે. વર્ણાનુપ્રાસ, યમક અને લયથી તેમણે ‘કુબ્લાખાન’ને ઝંકૃત કર્યું છે. એકશ્રુતિ શબ્દો ‘અલોન, અલોન, ઑલ, ઑલ, અલોન’, દ્વારા તેમણે ‘એન્શિયન્ટ મેરિનર’માં મનુષ્યની એકલતા અને ભયનું આબેહૂબ ચિત્ર ખડું કર્યું છે. કોલરિજ આમ ઇંગ્લૅન્ડના ઉત્તમ કવિઓમાં સ્થાન પામ્યા છે.
કમલા પરીખ