કોલંબિયા યુનિવર્સિટી : ન્યૂયૉર્ક શહેરમાં આવેલી યુનિવર્સિટી. તેની સ્થાપના કિંગ્ઝ કૉલેજ તરીકે 1754માં પ્રૉટેસ્ટન્ટ એપિસ્કોપલ ચર્ચ તરફથી થઈ હતી. અમેરિકન આંતરવિગ્રહ દરમિયાન થોડા સમય માટે બંધ રહ્યા પછી 1784માં તે ફરી ચાલુ થઈ ત્યારે તેનું નામ કોલંબિયા કૉલેજ પડ્યું. ઓગણીસમી સદી દરમિયાન તેમાં અનુસ્નાતક અને વ્યાવસાયિક કૉલેજોનો ઉમેરો થતો ગયો અને ઈ. સ. 1912માં તેણે કોલંબિયા યુનિવર્સિટીનું સ્વરૂપ ધારણ કર્યું. હાલ કોલંબિયા કૉલેજ પુરુષો માટે પૂર્વસ્નાતક વિનયન કૉલેજ તરીકે તથા 1889માં સ્થપાયેલી બર્નાર્ડ કૉલેજ સ્ત્રીઓ માટેની વિનયન કૉલેજ તરીકે અસ્તિત્વમાં છે. કોલંબિયા યુનિવર્સિટીમાં બર્નાર્ડ કૉલેજ અને ટીચર્સ કૉલેજ જેવી કેટલીક સંપૂર્ણ સ્વાયત્ત કૉલેજોનો પણ સમાવેશ થાય છે. તેમને ચલાવનારાં ટ્રસ્ટ, અલગ અલગ છે. પરીક્ષાનું કામ પણ કૉલેજ પોતે જ કરે છે, પણ છેવટે ડિગ્રી કોલંબિયા યુનિવર્સિટી એનાયત કરે છે. બીજી કેટલીક કૉલેજો યુનિવર્સિટીના જ વિભાગો છે. તેમનું ટ્રસ્ટ તથા પ્રેસિડન્ટ કોલંબિયા યુનિવર્સિટીના જ છે. સંગીત, ગણિતશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને ધર્મ જેવી વિદ્યાશાખાઓ યુનિવર્સિટી પોતે ચલાવે છે.
ફાર્માસ્યુટિકલ કૉલેજ, પ્રેસ્બિટેરિયન હૉસ્પિટલ સાથેની ફિઝિશિયન અને સર્જ્યનોની કૉલેજ તથા અન્ય એવા પ્રકારની કૉલેજો મળીને એક મોટું સ્વાયત્ત આરોગ્ય કેન્દ્ર કોલંબિયા યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. એવી જ રીતે કોલંબિયા યુનિવર્સિટી સાથે સંલગ્ન અમેરિકન પ્રેસ ઇન્સ્ટિટ્યૂટ દર વર્ષે પત્રકારત્વના વ્યવસાયના દરેક સ્તર માટે ચર્ચાસભાઓ યોજે છે.
આ ઉપરાંત રશિયન, પૂર્વ એશિયાના દેશો, નજીકના તથા મધ્યપૂર્વના દેશો, પૂર્વ યુરોપના દેશો તથા ઇઝરાયલ અને યહૂદી લોકો અંગેના અભ્યાસો માટેની પ્રાદેશિક સંસ્થાઓ પણ કોલંબિયા યુનિવર્સિટીમાં છે.
તેના કૅમ્પસથી દૂર અન્ય સ્થળોએ આવેલી કેટલીક વિશિષ્ટ સંસ્થાઓ તથા સંગ્રહાલયો, બગીચાઓ, પ્રયોગશાળાઓ, વેધશાળાઓ વગેરે સાથે પણ કોલંબિયા યુનિવર્સિટી વિશિષ્ટ પ્રકારનો સંબંધ ધરાવે છે. અમેરિકન ઍસેમ્બ્લી (રાજનીતિશાસ્ત્ર), અમેરિકન મ્યુઝિયમ ઑવ્ નેચરલ હિસ્ટરી (નૈસર્ગિક ઇતિહાસ), ન્યૂયૉર્ક બૉટેનિકલ ગાર્ડન (વનસ્પતિશાસ્ત્ર), ન્યૂયૉર્ક ઝૂઑલૉજિકલ સોસાયટી (પ્રાણીશાસ્ત્ર), મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑવ્ આર્ટ (ચિત્રકળા), મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટ (આધુનિક ચિત્રકળા), લે મોન્ટ – ડોહર્ટી જિયૉલૉજિકલ ઑબ્ઝર્વેટરી (ભૂસ્તરશાસ્ત્રની વેધશાળા), મૅસેચ્યૂસેટ્સ રાજ્યમાં આવેલી બાયૉલૉજિકલ લૅબોરેટરી (દરિયાઈ જૈવિક વિજ્ઞાનની પ્રયોગશાળા), લૉંગ આયલૅન્ડ બાયૉલૉજિકલ લૅબોરેટરી (જૈવિક વિજ્ઞાનની પ્રયોગશાળા), આર્જેન્ટિનામાં આવેલી યેલ-કોલંબિયા સધર્ન લૅબોરેટરી, ઇર્વિંગ્ટનમાંના નેવિસ એસ્ટેટ સ્થિત સાઇક્લોટ્રૉન (પરમાણુ વિભાજન યંત્ર) વગેરેનો તેમાં સમાવેશ થાય છે.
1980ના દશકાની શરૂઆતમાં કોલંબિયા યુનિવર્સિટીમાં અનુસ્નાતક અને વ્યાવસાયિક વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ સત્તર હજાર જેટલી હતી.
ડ્વાઇટ આઇઝનહાવર અમેરિકાના પ્રમુખ બન્યા તે પહેલાં આ યુનિવર્સિટીના પ્રમુખ હતા. એ પ્રમાણે ઘણા ખ્યાતનામ મહાનુભાવોએ આ યુનિવર્સિટીનું પ્રમુખપદ શોભાવ્યું છે. અમેરિકામાં ફૂટબૉલની રમતની શરૂઆતના ઇતિહાસને તથા પરમાણુવિભાજનનાં સંશોધનોને આ યુનિવર્સિટી સાથે વિશિષ્ટ સંબંધ રહ્યો છે. રાજનીતિશાસ્ત્રના અનુસ્નાતક અભ્યાસો તથા અન્ય રાષ્ટ્રો અને વિવિધ પ્રદેશોના અભ્યાસો આ યુનિવર્સિટીમાં થાય છે. આ યુનિવર્સિટીના પ્રાધ્યાપકોમાંના કેટલાકને નોબેલ પારિતોષિક એનાયત થયાં છે. કોલંબિયા યુનિવર્સિટી સાથે સંલગ્ન ટીચર્સ કૉલેજ દુનિયાની શિક્ષકોની તાલીમી કૉલેજોમાં મોખરાનું સ્થાન ધરાવે છે અને તેમાં ભારત સહિત ઘણા દેશોના ખ્યાતનામ શિક્ષણશાસ્ત્રીઓએ તાલીમ લીધી હતી. જ્હૉન ડ્યૂઈ ક્લિપૅટ્રિક અને થૉર્નડાઇક જેવા વિશ્વવિખ્યાત પ્રાધ્યાપકોએ તેમાં સેવા આપી છે.
કૃષ્ણકાંત ગો. દેસાઈ