કોર્ટ ફીનો કાયદો : 1870નો કેન્દ્રનો કાયદો. રાજ્યના લાભ માટે રાજ્ય કર ઉઘરાવવાનો હેતુ ધરાવે છે. આઝાદી બાદ ભારતના બંધારણ મુજબ કોર્ટ ફી રાજ્યનો વિષય છે. પરંતુ સર્વોચ્ચ અદાલતમાં લેવાતી કોર્ટ ફી કેન્દ્રનો વિષય છે. તેથી રાજ્યોએ પોતાના કોર્ટ ફીના કાયદા ઘડ્યા છે. ગુજરાતે મુંબઈનો 1959નો કોર્ટ ફીનો કાયદો અપનાવ્યો છે અને તેમાં 1962, 1965 અને 1977માં સુધારા કર્યા છે. આ કાયદો દીવાની અને ફોજદારી અદાલતો અને જાહેર કચેરીઓમાં લેવાની ફીને લગતો છે. કાયદાનાં પરિશિષ્ટોમાં આપેલા કોઠા મુજબ કોર્ટ ફી લેવાય છે. આ કાયદાના અમલ માટે મુખ્ય મહેસૂલ નિયામક અધિકારીની નિમણૂક રાજ્ય કરે છે.
કોર્ટની ફીની રકમ ટિકિટો ચોડીને અથવા તેટલી કિંમતના સરકારી કાગળથી વસૂલ કરાય છે. કોર્ટ ફી ભર્યા વગરનો કોઈ દસ્તાવેજ કે અરજી કોર્ટ સમક્ષ રજૂ થઈ શકે નહિ કે નોંધમાં લેવાય નહિ, આવો દસ્તાવેજ પુરાવા તરીકે ગ્રાહ્ય રાખી શકાય છે. કોર્ટ ફી બાબતમાં કોઈ તકરાર હોય તો વરિષ્ઠ અદાલતમાં ટૅક્સિંગ ઑફિસર અને સિટી સિવિલ અદાલતમાં રજિસ્ટ્રાર તેનો નિકાલ કરે છે. બીજી અદાલતોમાં ન્યાયાધીશ જાતે તેનો નિર્ણય કરી શકે છે. દાવામાં પ્રતિવાદીએ પ્રતિવળતર (set off) કે પ્રતિહક (counter-claim) માગેલ હોય તો તેના પર કોર્ટ ફી લાગે. સરકારને પણ કોર્ટ ફી ભરવી પડે છે; પરંતુ જ્યારે સરકારને અપીલ થઈ હોય અને તેને માટે વરિષ્ઠ અદાલતમાં માર્ગદર્શનની અરજી (reference) કરાય તો તેને માટે સરકારને કોર્ટ ફી ભરવી પડતી નથી.
પ્રજાને ન્યાય આપવાનું સરકારનું કર્તવ્ય હોવાથી અને સૌને સહેલાઈથી ન્યાય મળે તે માટે ભારતમાં ગવર્નર-જનરલ કૉર્નવૉલિસે 1793માં કોર્ટ ફી રદ કરી હતી. પરંતુ અદાલતોમાં કેસોનો ભરાવો થવાથી શોરે 1795માં કોર્ટ ફી લેવાનું ચાલુ કર્યું હતું.
છોટાલાલ છગનલાલ ત્રિવેદી