કૉર્ક : યુરોપનું શ્રેષ્ઠ કુદરતી બંદર. ભૌગોલિક સ્થાન 51° 54′ ઉ. અ. અને 8°. 28′ પ. રે. આયર્લૅન્ડનું આટલાન્ટિક મહાસાગરને કિનારે લી નદીના મુખપ્રદેશ પર આવેલું બંદર, દેશનું બીજા ક્રમે સૌથી મોટું શહેર, કૉર્ક પરગણાનું વડું મથક અને મન્સ્ટર પ્રાન્તમાં આવેલું દેશનું સૌથી મોટું પરગણું. પરગણાનો વિસ્તાર 7,460 ચોકિમી. વસ્તી : કાઉન્ટી – 5,81,231,(2022); શહેર – 2,22,526 (2022) મેટ્રો 3,05,222 (2022). છઠ્ઠી કે સાતમી સદીમાં સ્થપાયેલું. પરગણાની ત્રીજા ભાગ ઉપરાંતની વસ્તી કૉર્ક શહેર અને તેના પરાવિસ્તારોમાં રહે છે. આયર્લૅન્ડની સ્વાતંત્ર્યની ચળવળમાં આ શહેરે મહત્વની ભૂમિકા ભજવતાં ઓગણીસમી સદીમાં તે ‘બળવાખોર કૉર્ક’ તરીકે જાણીતું થયું હતું. કૉર્ક શહેરનું માખણ સત્તરમી સદીથી પ્રખ્યાત છે. યુરોપની સૌપ્રથમ ક્લબોમાંથી 1720માં અહીં નૌકાવિહાર ક્લબની સ્થાપના થઈ હતી. પ્રસિદ્ધ બ્લૉર્ની કિલ્લો કૉર્કમાં આવેલો છે. પશુપાલન, મત્સ્યોદ્યોગ અને પ્રવાસન આ પરગણાની મુખ્ય આર્થિક પ્રવૃત્તિઓ છે.

હેમન્તકુમાર શાહ