કોયાજી, બાનુ જહાંગીર (જ. 7 સપ્ટેમ્બર 1917, મુંબઈ; અ. 15 જુલાઈ 2004, પુણે) : ‘પદ્મભૂષણ’ અને 1993ના વર્ષના રેમન મૅગ્સેસે પારિતોષિક-વિજેતા તબીબ, મહિલાઉત્કર્ષ, બાળવિકાસ અને જાહેરસેવાઓના ક્ષેત્રે મહારાષ્ટ્ર રાજ્યમાં અનન્ય પ્રદાન કરનાર પારસી મહિલા. તેમના દાદા ભરૂચની ગ્રામીણ શાળાના આચાર્ય. પિતા પેસ્તનજી કાપડિયા વ્યવસાયે સ્થપતિ અને માતા બાપઈમાઈ નસરવાનજી મિસ્ત્રી અંગ્રેજી પ્રાથમિક શાળાનાં શિક્ષિકા હતાં. આ દંપતીનું એકમાત્ર સંતાન બાનુ કાપડિયા, જહાંગીર કોયાજી સાથેના લગ્નથી બાનુ કોયાજી તરીકે ખૂબ જાણીતાં સન્માન્ય વ્યક્તિ બની રહ્યાં. તેમના સેવાભાવી કાર્યને અંજલિ રૂપે પુણે મહાનગરપાલિકાએ એક મુખ્ય માર્ગને ‘કોયાજી માર્ગ’ નામ આપી તેમની સ્મૃતિને ચિરંજીવ બનાવવાનો પ્રયાસ કર્યો છે.
પ્રારંભિક જીવન મુંબઈમાં અને શાળાકીય જીવન પુણે ખાતે મોસાળના સંયુક્ત કુટુંબમાં વિતાવ્યું. પારસી પરંપરાનું મળતાવડાપણું, કડક શિસ્ત અને ચુસ્ત કાર્યનિષ્ઠાના કૌટુંબિક આગ્રહોને કારણે ઘડતરકાળથી સહકાર, શિસ્ત અને રાષ્ટ્રપ્રેમસભર જીવનપ્રણાલી ઘડાઈ.
શાલેય અભ્યાસને અંતે કેમ્બ્રિજ સર્ટિફિકેટ પરીક્ષા પાંચ વિષયોમાં વિશેષ ગુણવત્તા સાથે પસાર કરી ત્યારે કુટુંબના તબીબ ડૉ. એદલ કોયાજીએ તેમને તબીબી અભ્યાસ માટે પ્રેર્યાં. પ્રારંભે મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં વિજ્ઞાનનો અને પછી ગ્રાંટ મેડિકલ કૉલેજમાં તબીબીનો અભ્યાસ કરી સ્નાતક થયાં. 1940માં પ્રસૂતિવિદ્યાના ક્ષેત્રે અનુસ્નાતક તબીબી પરીક્ષા પાસ કરી. ગ્રાંટ મેડિકલ કૉલેજ ખાતેના પ્રેરણાદાયી તબીબો, તેમનાં જીવન અને વ્યવસાય અંગેનાં ઊંચાં મૂલ્યો અને અભ્યાસને તેઓ ગૌરવપૂર્વક યાદ કરતાં. ડૉ. એદલ કોયાજી સાથેના અને જહાંગીર કોયાજી (એદલના નાનાભાઈ) વચ્ચેના સંબંધો પાંગર્યા. યુવક જહાંગીર કોયાજી અમેરિકાની પર્દૂ યુનિવર્સિટીમાંથી ઇજનેરીના સ્નાતક હતા. પછીનાં પાંચ વર્ષ સુધી બાનુના તબીબી અભ્યાસની સાથે તેમનો પ્રેમ પાંગરતો રહ્યો અને 24 ફેબ્રુઆરી, 1941ના રોજ તેઓ લગ્નગ્રંથિથી જોડાયાં. 1942માં પુત્ર કુરુસના જન્મથી તેમનું કુટુંબ વિસ્તર્યું. જહાંગીર કોયાજી પુણે ઇલેક્ટ્રિક સપ્લાય કંપનીમાં ઇજનેર હોવાથી પુણેને કાર્યક્ષેત્ર બનાવી આ કુટુંબે ત્યાં સ્થિર થવાનો નિર્ણય લીધો.
પ્રારંભે બાનુએ ડૉ. એદલ કોયાજી સાથે જનરલ પ્રૅક્ટિશનર તરીકે કામ કર્યું અને પિતાતુલ્ય ડૉ. એદલ કોયાજીની ઇચ્છાથી પુણેની કિંગ એડવર્ડ મેમૉરિયલ હૉસ્પિટલમાં જોડાવાનો નિર્ણય કર્યો. તે સમયે કે. ઈ. એમ. (કિંગ એડવર્ડ મેમૉરિયલ) હૉસ્પિટલમાં જોડાયાં ત્યારે 14 મે, 1944ના રોજ તે ફક્ત 40 પથારીની માત્ર ભોંયતળિયું ધરાવતી નાની અને વિશેષે તો પ્રસૂતિ માટેની હૉસ્પિટલ હતી. 2.52 મીટર (પાંચ ફૂટ) જેવું નાનું કદ ધરાવતી આ મહિલા સીઝેરિયન ઑપરેશન અને અન્ય સર્જરી ખાસ સ્ટૂલ પર ઊભાં રહીને કરતાં ત્યારે સર્જરીના તેમના પ્રચંડ સામર્થ્યનો પરિચય થતો. દર્દી તરીકે ત્યાં મુખ્યત્વે હિંદુ મહિલાઓ આવતી અને પ્રસૂતિનો કેસ બગડી ગયો હોય, દર્દી નિરાશાજનક સ્થિતિ પર હોય ત્યારે છેલ્લી હાલતમાં તેને ગાડું યા એવા અન્ય સાદા વાહનમાં આજુબાજુનાં ગામોમાંથી કે. ઈ. એમ.માં લાવતા. એકમાત્ર મહિલા તબીબ તરીકે તેમણે વારંવાર જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતાં આવે તોયે દર્દીઓ પાસે સતત હાજર રહેવું પડતું. દિવસના 18 કલાક્ધાી કામગીરી છતાં કામોનો અંત નહોતો આવતો.
આ સંદર્ભમાં તેમણે કુટુંબનિયોજનની ભારે આવશ્યકતા ભારતની આઝાદી પૂર્વે જોઈ અને પ્રમાણી. તેનો આરંભ તેમણે કે. ઈ. એમ.થી કર્યો. ક્રમશ: તેઓ આ કામમાં એટલાં તો ઊંડાં ઊતર્યાં કે તબીબી વ્યવસાય અને કે. ઈ. એમ હૉસ્પિટલને સમર્પિત બનીને જીવન વ્યતીત કરવાનો તેમણે નિશ્ચય કર્યો. 1950 પછીનાં વર્ષોમાં હૉસ્પિટલ વિસ્તરતી ગઈ અને તેમાં ક્રમશ: પુરુષોનો વિભાગ, સર્જરી વિભાગ, બાળઆરોગ્યવિભાગ – એમ નવા નવા ઘટકો વિકસતા ગયા. 20મી સદીના અંતે આ નાની-શી હૉસ્પિટલ 550 પથારીની વિશાળકાય, બહુઆયામી હૉસ્પિટલમાં રૂપાંતર પામી. નવા નવા વિભાગો ખોલાતાં નવી અને અદ્યતન તબીબી સાધનસામગ્રી ઉમેરાતાં તેમના જ શબ્દોમાં ‘એલિસ ઇન વન્ડરલૅન્ડ’ની જેમ હૉસ્પિટલ વિવિધ કેન્દ્રોમાં વિસ્તરતી ગઈ. તેમાં મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઉમેરાયું.
આ પ્રવૃત્તિઓના વ્યાપ વચ્ચે 1960ના દસકામાં તેઓ વિશેષ વિચાર કરવા રોકાયા, દર્દીઓ અને તેમનાં થાકેલાં, દોડતાં અને રઘવાયાં બનેલાં કુટુંબીજનોનાં ર્દશ્યો તેમને માનસિક રીતે પરેશાન કરતાં. ઋજુ હૃદયી સંવેદનશીલ આ નારીએ બે નિર્ણયો કર્યા : એક, પોતાના તબીબી કાર્યનું કોઈ પણ વેતન નહિ લેવું અને બીજો કે. ઈ. એમ. હૉસ્પિટલની સેવાઓને ગ્રામીણ વિસ્તારોમાં લઈ જવી. આ કામનો આરંભ પુણેથી 40 કિમી. દૂર વડુ ખાતે એક સેવાકેન્દ્ર 1972થી તેમણે શરૂ કર્યું. તેમાં તેમને મહાન શિક્ષણકાર જે. પી. નાઇક જેવાની પ્રેરણા અને સહાય મળ્યાં હતાં. પ્રારંભિક કામગીરી બાદ આ ‘સૂકા અને અછતવાળા’ વિસ્તારની સમગ્ર આરોગ્ય-વ્યવસ્થા કે.ઈ.એમ.ના કાર્યકરોને સોંપી દેવાની સાહસિક દરખાસ્ત તેમણે રાજ્ય સરકારના આરોગ્યવિભાગને કરી. આથી સરકારની આ કાર્યમાંની દરમિયાનગીરી ઘણી ઘટી. વડુ ખાતે ‘કામ સારું ચાલતું પણ તેનો ઊંડો પ્રભાવ પેદા થયો નહોતો’ તેમ સ્વયં બાનુને લાગતું હોવાથી કામ કરવાની શૈલી અને પ્રવૃત્તિઓમાં બદલાવ લાવવાનું નક્કી થયું. આથી 1977માં નવા અભિગમ અનુસાર ગ્રામવાસીઓને આ કામમાં સામેલ કરવાનો પ્રયોગ થયો; જેમાં સૌપ્રથમ આરોગ્યવિષયક પ્રવૃત્તિઓની જાણકારી આપી ‘રોગ પૂર્વેની માવજત’(preventive care)ના પ્રયાસો હાથ ધરાયા અને લોકોને બાળઆરોગ્ય, કુદરતી હાજતોની સગવડો, પીવાનું સ્વચ્છ પાણી વગેરે અંગે જાણકારી આપવામાં આવી. એ માટે કેટલીક તાલીમ પણ આપવામાં આવી અને ત્યારબાદ ‘આરોગ્ય-સેવકો તૈયાર કરવાનું નક્કી કર્યું. આ માટે 600 કિશોરીઓની તાલીમબદ્ધ ટીમ તેમણે ઊભી કરી, જે ગ્રામીણ વિસ્તારોની મુલાકાત લઈ ત્યાં તાલીમ અને તબીબી રાહત અંગેનું આ સ્વાસ્થ્ય-કાર્ય શીખવતી. તેમનું આ મૉડલ વિકસતા દેશોના તબીબી કાર્યક્રમના પ્રસારમાં આદર્શરૂપ હતું. આરોગ્યસેવકો, સ્થાનિક એકમ અને કે. ઈ. એમ.નો એક પિરામિડ રચાયો. આરોગ્ય, માહિતી, તકલીફો અને લોકસેવાની બાબતે જરૂરી આદાનપ્રદાન સતત ચાલુ રહેતાં વડુ ખાતેનું આરોગ્યકેન્દ્ર વિકસવા લાગ્યું. આ પ્રવૃત્તિ પછીથી વિવિધ કક્ષાએ અને સ્થળોએ વિકસી. વડુ ખાતે 30 પથારીઓની નાની હૉસ્પિટલનો પ્રારંભ થયો. થોડાં વર્ષોના સફળ પ્રયોગ પછી ફૉર્ડ ફાઉન્ડેશનનો આર્થિક સહયોગ મળતાં આ સેવાપ્રવૃત્તિ કુલ 19 ગામોમાં ફેલાઈ. પછીથી બીજાં કેન્દુર અને નવ્હરા ગામો ઉમેરાયાં. કામ ધાર્યું હતું તેટલું સરળ નહોતું, વિઘ્નો આવતાં અને ઉકેલાતાં. છ વર્ષના લાંબા ધૈર્ય પછી આ ગ્રામીણ કેન્દ્રો વ્યવસ્થિત ઢબે કામ કરતાં થયાં. પ્રવૃત્તિની સફળતાની સાથે સાથે સરકારી કર્મચારીઓ તેમાં રાજીખુશીથી જોડાયા. વડુનું આરોગ્યકેન્દ્ર આદર્શ તરીકે એ પંથકમાં નમૂનારૂપ લેખાવા લાગ્યું.
ગ્રામીણ વિસ્તારોમાં તબીબી સેવાઓના આ વ્યાપ સાથે કે. ઈ. એમ. હૉસ્પિટલ ખાતે સંશોધન માટેની એક સોસાયટી વિકસાવવામાં આવી. તેમાં બાનુને આ ક્ષેત્રના નિષ્ણાત વી. એન. રાવની સેવાઓ સાંપડી. સંશોધન માટેના દાતાઓને સરકારે 135 ટકા કરરાહત આપવાનું જાહેર કર્યું, પરિણામે દાનનો પ્રવાહ વહેવા લાગ્યો અને 1972ના અરસામાં હૉસ્પિટલને દાન પેટે મળેલો રાશિ કુલ એક કરોડ રૂપિયાનો હતો. તે પછી આ કાર્યની ખ્યાતિ વિદેશોમાં વિસ્તરતાં બ્રિટનની લેઇસ્ટર યુનિવર્સિટી આ કામમાં જોડાયાં. ત્યારબાદ ઇન્ડિયન કાઉન્સિલ ફૉર મેડિકલ રિસર્ચ અને યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફૉર ઇન્ટરનૅશનલ ડેવલપમેન્ટ (USAID) જોડાઈ. સંશોધન નવજાત શિશુ, બાળ-આરોગ્ય અને બાળ-મૃત્યુની દિશામાં આગળ વધતાં વિશ્વઆરોગ્ય સંસ્થા (WHO) પણ તેમાં જોડાઈ. આમ બાનુ કોયાજીનું કાર્યક્ષેત્ર ગ્રામાભિમુખ હતું તે હવે વિસ્તરીને આંતરરાષ્ટ્રીય સ્તરનું બન્યું. તેમાં અન્ય વિકસતા દેશો સામેલ થતાં બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટી અને અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી પણ જોડાઈ. આ પ્રસ્તાર છતાં બાનુ કોયાજી અને તેમની ટીમ મૂળ દિશાથી ચ્યુત થયાં નહિ. અહીં ગ્રામીણ ક્ષેત્રોમાં સઘન કામગીરી તેમણે ચાલુ જ રાખી.
જોકે આરોગ્યની આ ગ્રામીણ સેવાઓ વિવિધ કારણોસર તેમને અધૂરી અને અપૂરતી લાગતાં બાનુએ કાર્યોના વ્યાપ છતાં તેમાં મહિલા સાક્ષરતા અભિયાનનો ઉમેરો કર્યો. મહિલા અને તે પણ વળી શિક્ષિત હોય ત્યારે બાળક અને કુટુંબની વધુ સૂક્ષ્મ કાળજી લઈ શકે એવું સાદું ગણિત આ વિચાર પાછળ હતું. આ માટે તેમણે જે.પી. નાઇક સ્થાપિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એજ્યુકેશનનો સાથ લીધો. આરોગ્યસેવાઓ સાથે શિક્ષણની પ્રવૃત્તિઓ જોડાતાં આદાનપ્રદાનનું કાર્ય આદર્શ રીતે થવા લાગ્યું. તેમાંથી થોડાં વર્ષો બાદ મહિલામંડળો અને નાના ઉદ્યોગો વિકસ્યાં. કિશોરીઓમાં આરોગ્ય-સભાનતા અને જાતીય જીવનની સમજ વિકસાવવા કિશોરી-મંડળો ઊભાં કરાયાં અને પરિપૂર્ણ કુટુંબવ્યવસ્થાની દિશામાં આ પ્રવૃત્તિ ઉત્તેજન પામી. મહિલાવિકાસનું આ ક્ષેત્ર આરોગ્યને પૂરક એવી અનન્ય પ્રવૃત્તિ તરીકે પાંગરતું રહ્યું.
નાના અને ગૃહઉદ્યોગોના ક્ષેત્રે ઇન્ડિયન એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ફાઉન્ડેશનના મણિભાઈના સહકારથી તેમણે ગ્રામીણ ઉદ્યોગો, ફળપેદાશો, રેશમના કીડાનો ઉછેર વગેરે પ્રવૃત્તિઓ વિકસાવી. 1980માં સમાજવિજ્ઞાની અદી પટેલ અને પી. સી. પરમારના સહકારથી યુનાઇટેડ સોશિયો-ઇકૉનૉમિક ડેવલપમેન્ટ ઍન્ડ રિસર્ચ પ્રોગ્રામ(UNDARP)ની રચના થઈ. તેમાં બિયારણ, આર્થિક લોન, ટૅકનિકલ મદદ વગેરેના ક્ષેત્રે સહાય વિસ્તારવામાં આવી. પ્રવૃત્તિઓના આ સમગ્ર વ્યાપને કારણે ગ્રામવાસીઓને બાનુ કોયાજી અને તેમની ટીમમાં ‘ઉદ્ધારક’નાં દર્શન થતાં. આરોગ્યસેવાની તેમની નાનકડી પ્રવૃત્તિ વિકસતાં વિકસતાં વટવૃક્ષ બનીને ફાલતી રહી. 1993માં તેમની આ કામગીરીએ તેમને મૅગ્સેસે પારિતોષિકવિજેતાઓમાં સ્થાન અપાવ્યું. મહિલા-ઉત્કર્ષ, બાળ અને જાહેરઆરોગ્યના ક્ષેત્રે કરેલા પ્રદાન બદલ આ પારિતોષિક માટે તેમની પસંદગી થઈ હતી.
વિશેષ નોંધપાત્ર બાબત એ હતી કે તેઓ પુણેથી પ્રકાશિત થતા મરાઠી ભાષાના દૈનિક સમાચારપત્ર ‘સકાળ’ સાથે સંકળાયેલાં હતાં અને પછીથી તેના સંચાલક મંડળનાં અધ્યક્ષ બનેલાં. 1975ની ઇન્દિરા ગાંધીએ જાહેર કરેલી કટોકટીનો આ પત્રે વિરોધ કરેલો અને સેન્સરશિપના અધિકારીઓ તેના પર ભારે ખફા હતા. આ કટોકટીમાં કુટુંબનિયોજન-ક્ષેત્રે થયેલા અતિરેકોનો બાનુ કોયાજીએ વિરોધ કરેલો. આ બંને કારણોસર સરકારી તંત્ર તેમની ધરપકડ કરવા ઇચ્છતું હતું, પણ લોકોના ઊહાપોહના ડરથી તેમ કરી શકતું નહોતું; પરિણામે ત્યારનાં વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીને આ અંગે વાકેફ કરાતાં તેમણે બાનુને મળવા બોલાવ્યાં. બંને વચ્ચેની રૂબરૂ મુલાકાતમાં તેમણે નિર્ભીક રજૂઆત કરી એક મહિલા તબીબ તરીકે કુટુંબનિયોજનના અતિરેકનાં માઠાં પરિણામોથી વડાંપ્રધાનને વાકેફ કર્યાં. આ ક્ષેત્રના વ્યાપક અનુભવના આધારે ઘણાં નવાં સૂચનો પણ તેમણે કર્યાં તેમજ મહિલા વિકાસના ક્ષેત્રે ભારતે શું શું કરવું જોઈએ તે અંગેના વિચારો શ્રીમતી ગાંધીના ગળે ઉતાર્યા. પરિણામ તદ્દન આશ્ચર્યજનક હતું. ‘સકાળ’ સરકારી અધિકારીઓની ખફા નજરથી તો બચ્યું જ; પરંતુ આ બંને મહિલાઓ વચ્ચે વિશ્વાસ અને મિત્રાચારીભર્યા સંબંધો વિકસ્યા. આ સંબંધો એટલા તો વિશ્વાસસભર હતા કે તે પછી સરકારને મહિલા-તબીબના અભિપ્રાયની જરૂર ઊભી થાય ત્યારે શ્રીમતી ગાંધી આરોગ્ય મંત્રાલયને બાનુ કોયાજીનો અભિપ્રાય મેળવી લેવાની સૂચના આપતાં. તેઓ કેન્દ્ર-સરકારનાં કુટુંબનિયોજન અને વસ્તીનિયંત્રણ ક્ષેત્રોમાં સલાહકાર, ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ મેડિકલ રિસર્ચનાં સભ્ય અને પુણે યુનિવર્સિટીનાં સેનેટ સભ્ય હતાં. વળી WHO, વિશ્વબૅંક અને યુનોમાં પણ વિશેષ કામગીરીની સેવા તેઓ પૂરી પાડતાં હતાં. પુણે યુનિવર્સિટી અને શ્રીમતી નાથીબાઈ દામોદરદાસ ઠાકરસી યુનિવર્સિટીઓ દ્વારા તેમને માનાર્હ ડી.લિટ.ની પદવીઓ એનાયત થઈ હતી.
‘સકાળ’ની જવાબદારીઓના વહન છતાં 76 વર્ષે પણ કે. ઈ. એમ. હૉસ્પિટલનું કામ તેઓ ચૂક્યાં નહોતાં. નિતાંત પરિપૂર્ણ કામના આગ્રહને કારણે મારી સાથે કામ કરવાનું અન્યો માટે સહેલું નહોતું જ’’ એમ તેઓ ઘણી વાર કહેતાં હતાં. તેમનો સેવાનો આ વારસો તેમનો સુપુત્ર ડૉ. કુરુસ કોયાજી અને તેમના પ્રપૌત્ર શ્રદ્ધેય રીતે નિભાવી રહ્યા છે.
રક્ષા મ. વ્યાસ