કોયલ : વસંત ઋતુમાં કર્ણપ્રિય મધુર સ્વરમાં સંગીત રેલાવતું સૌનું માનીતું પક્ષી. માર્ચ-એપ્રિલથી જુલાઈ-ઑગસ્ટ દરમિયાન આમ્રકુંજની ઝાડીમાં કુહુઉઉ કુહુઉઉનો અત્યંત મધુર ટહુકાર કરનાર પક્ષી તે નર કોયલ હોય છે. માદા કોયલ એક વૃક્ષથી બીજા વૃક્ષ ઉપર ઊડતાં પિક, પિક-પિક એવા સૂર કાઢે છે. કોયલ કદમાં કાગડા કરતાં સહેજ નાનું, પાતળા બાંધાનું અને લાંબી પૂંછડી ધરાવતું, પરંતુ કાગડા કરતાં ભિન્ન શ્રેણીનું પક્ષી છે. કાગડો કાબર, બુલબુલ, ચકલી વગેરે પેસેરિફૉર્મિસ શ્રેણીનાં પક્ષીઓ છે; જ્યારે કોયલ કુકુલિફૉર્મિસ શ્રેણીનું પક્ષી છે. કોયલની એક ખાસિયત એ છે કે તે માળો બાંધતી નથી. માદા કોયલ કાગડાના માળામાં ઈંડાં મૂકે છે. પોતાનાં ઈંડાં માટે માળામાં જગ્યા કરવા ક્યારેક કાગડાનાં એકાદ-બે ઈંડાં માળામાંથી નાંખી દે છે. કોયલનાં ઈંડાં કાગડાનાં ઈંડાંને મળતાં આવે છે; પરંતુ તે સહેજ નાનાં હોય છે અને રંગે લીલાશ પડતી છાંટવાળાં પથ્થરિયા રંગનાં હોય છે. ક્યારેક કાગડાના એક જ માળામાં 13 જેટલાં ઈંડાં જોવા મળે છે. ઈંડાંનું સેવન અને બચ્ચાંનો પૂરો ઉછેર કાગડા જ કરે છે. બચ્ચું મોટું થતાં, તેનો મૂળ અવાજ નીકળતાં તે કાગડાના માળામાંથી ઊડી જાય છે.
કોયલમાં નર અને માદાનો ભેદ સ્પષ્ટ હોય છે. નર કોયલનો રંગ કાગડાના જેવો કાળો પણ ચાંચ લીલાશ પડતી પીળી અને આંખો રતાશ પડતી હોય છે. માદા કોયલનો રંગ ભૂખરો બદામી અને તેની ઉપર સફેદ ટપકાં અને પટ્ટાઓ હોય છે. કોયલ ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા અને મ્યાનમાર વગેરે દેશોમાં જોવા મળતું સ્થાયી પક્ષી છે. ક્યારેક તે ઋતુ પ્રમાણે સ્થાનિક રીતે સ્થળાંતર કરે છે. કોયલની બે પેટાજાતિઓ જોવા મળે છે : આસામ અને મ્યાનમારમાં Eudynamys Malayan છે અને ભારત, શ્રીલંકામાં Eudynamys Scolopocea (Linnaeus) છે. આસામ-મ્યાનમારની પેટાજાતિ ભારતની પેટાજાતિ કરતાં મોટી છે.
કોયલ વૃક્ષારોહી પક્ષી છે અને ઉનાળાની પરોઢથી તેનો ટહુકાર સાંભળવા મળે છે. શિયાળાની ઋતુમાં મોટેભાગે તે ઝાડીમાં ભરાઈ રહેવાથી બહાર ક્વચિત જ દેખાય છે. કોયલનો મુખ્ય ખોરાક ફળો, ટેટા, કાતરા, કીટકો અને ગોકળગાય છે.
દિલીપ શુક્લ