કોયના : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી નદી. ભૌગોલિક સ્થાન : 17o 25′ ઉ. અ. અને 73o.45′ પૂ. રે. તેના પર પશ્ચિમ મહારાષ્ટ્રમાં પ્રચંડ જળવિદ્યુત પ્રકલ્પ (project) ઊભો કરવામાં આવ્યો છે. એશિયા ખંડમાં આ એક અદ્વિતીય જળવિદ્યુત પ્રકલ્પ ગણવામાં આવે છે. કોયના નદીના કુલ વિસ્તારમાં વાર્ષિક વરસાદ આશરે 5,000 મિમી. પડે છે. નદીનું ઉદગમસ્થાન મહારાષ્ટ્રના મહાબળેશ્વરની નજીક આવેલું છે. તેની બાજુમાં જ કૃષ્ણા નદીનું ઉદગમસ્થાન છે. ઉદગમસ્થાનથી ઉત્તર-દક્ષિણ દિશામાં 64 કિમી. અંતર વટાવ્યા પછી તે પ્રતાપગઢની આસપાસ વહીને હેળવાક નજીક પૂર્વાભિમુખ થાય છે. ત્યાંથી 55 કિમી.ને અંતરે આવેલા કરાડનગર પાસે કોયના અને કૃષ્ણા નદીઓનો સંગમ થાય છે. સહ્યાદ્રિ પર્વતની પશ્ચિમ તરફની તળેટીથી કોયના નદીની ખીણ 427 મી. ઊંચાઈ પર છે. 1954ના જાન્યુઆરીમાં આ જ સ્થળે પ્રથમ પંચવર્ષીય યોજના દરમિયાન વિશ્વબૅંકની રૂ. 12 કરોડની લોનથી કોયના જળવિદ્યુત યોજનાનો પ્રારંભ થયો હતો. આ પ્રકલ્પ ત્રણ તબક્કામાં પૂરો કરવામાં આવ્યો છે. અને તેમાંથી ઉત્પન્ન કરવામા આવતી વીજળી મુંબઈ, પુણે તથા આજુબાજુના વિસ્તારમાં પૂરી પાડવામાં આવે છે. મહારાષ્ટ્ર રાજ્યના સાતારા જિલ્લાની 65,000 હેક્ટર કરતાં પણ વધારે જમીનને તે સિંચાઈ પૂરી પાડે છે. હેળવાક પાસે બંધથી સંગ્રહ કરવામાં આવતું પાણી ચિપળૂણ તાલુકાના પોફળી સ્થળે જાય છે જ્યાં વીજળી ઉત્પાદન મથક ઊભું કરવામાં આવ્યું છે. પાણીનો સમગ્ર પ્રવાહ પહાડી પ્રદેશમાંથી પસાર થાય છે, જેમાં ઘણાં બોગદાં આવેલાં છે.

કોયના

જૂના મુંબઈ પ્રાંતમાં સરકારી સેવા બજાવતા બિલ નામના એક સ્થાપત્યવિશારદે 1908-09ના અરસામાં આ યોજનાની ભલામણ કરી હતી. મુળશી જળવિદ્યુત યોજના પૂરી થયા પછી (1920-1925) કોયના પ્રકલ્પ હાથ ધરવાનો સંકલ્પ જમશેદજી તાતાએ જાહેર કર્યો હતો. પરંતુ પ્રખર રાષ્ટ્રવાદી ક્રાન્તિકારી સેનાપતિ બાપટની સખત વિરોધી ઝુંબેશને કારણે તે સ્થગિત કરવામાં આવ્યો હતો.

ડિસેમ્બર 1967માં કોયના પ્રકલ્પના વિસ્તારમાં ભયંકર ભૂકંપ સર્જાયો હતો, પરંતુ થોડાક જ દિવસ પછી પ્રકલ્પનું કામકાજ પૂર્વવત્ ચાલ્યું હતું. ક્યારેક ત્યાં ભૂકંપના આંચકા પણ આવે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે