કોમ્ત, ઑગસ્ત (જ. 19 જાન્યુઆરી 1798, મૉંત પેલિયર, દ. ફ્રાન્સ; અ. 5 સપ્ટેમ્બર 1857, પૅરિસ) : સમાજશાસ્ત્રના જન્મદાતા અને તેનો વ્યાપક ફેલાવો કરનાર ફ્રાન્સના પ્રસિદ્ધ વિચારક. આખું નામ કોન્ત ઈઝીદોર ઑગસ્ત મારિયા ફ્રાંસિસ ઝેવિયર્સ. ‘સમાજશાસ્ત્ર’ શબ્દ તથા તે વિજ્ઞાનનાં વિષયવસ્તુ અને પદ્ધતિની સર્વપ્રથમ ચર્ચા તેમણે કરી. તેથી તેમને ‘સમાજશાસ્ત્રના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે. ફ્રેંચ ક્રાંતિ બાદની અરાજકતાભરી સ્થિતિમાં ચુસ્ત કૅથલિક અને રાજ્યને પૂર્ણ વફાદાર અને સામાન્ય સરકારી અધિકારીને ઘેર કોન્તનો જન્મ થયો હતો. તેમના વિદ્યાર્થીજીવનને ઉચ્છૃંખલતા અને ફિતૂરીમાંથી હોશિયાર અને વિદ્યાવ્યાસંગી બનાવવામાં ડૅનિયલ એન્કોન્ત્રે નામના ભૂતપૂર્વ પ્રૉટેસ્ટન્ટ પાદરી શિક્ષકનો ફાળો હતો. તેમના બૌદ્ધિક જીવન પર સેન્ટ સીમોં નામના સર્જનાત્મક, અવ્યવસ્થિત અને તેજાબી ભેજાવાળા વિચારકની સૌથી વધુ અસર પડી. તેમના જીવનનાં પાછલાં વર્ષો ક્લોથીલ્ડે દ વૉક્સ નામની ત્યક્તાના પ્રેમમાં પસાર થયાં. આ ઉપરાંત ફ્રેન્ચ ક્રાંતિ બાદની અરાજકતામાંથી વ્યવસ્થાની પુન: સ્થાપનાના ધ્યેયની અસર પણ તેમના કર્તૃત્વ પર પડી છે.
સમાજશાસ્ત્ર નામનું વિજ્ઞાન પ્રત્યક્ષવાદી પદ્ધતિથી ઊભું થઈ શકે તેમ કહી, અંધાધૂંધી ભરેલા ફ્રેંચ સમાજમાં વ્યવસ્થા સ્થાપવાના અને તેની પ્રગતિનું સંચાલન કરવાના નિયમો ધરાવતા સમાજશાસ્ત્રની તેમણે સ્થાપના કરી. તેમના મતે વિજ્ઞાનોના કોટિક્રમમાં સમાજશાસ્ત્ર ટોચ પર હતું. સામાજિક પ્રગતિની વાત કરતાં તેમણે ત્રણ તબક્કાનો સિદ્ધાંત આપ્યો.
શરૂઆતમાં વિજ્ઞાની રહેલ કોન્ત પાછળથી સમાજસુધારક બની સામાજિક પુનર્નિર્માણની અને માનવતાવાદી ધર્મની વાત કરે છે.
કોન્તની પ્રત્યક્ષવાદી પદ્ધતિ, સમાજનો દેહવાદી સિદ્ધાંત, બુદ્ધિવાદીઓએ પ્રખ્યાત કરેલા સામાજિક કરાર સામે સમાજના ઐતિહાસિક અને ક્રમિક વિકાસનો ખ્યાલ, સામાજિક નિયંત્રણ માટે વ્યાપક સામાજિક અને પારકાનૂની પદ્ધતિઓનું મહત્વ, સૈન્યઆધારિત રાજ્ય અને ઉદ્યોગઆધારિત રાજ્ય અને સમાજની વાત વગેરે તેમનાં મહત્વનાં પ્રદાન ગણી શકાય.
આદર્શ સમાજની યોજનાના તેમના સિદ્ધાંતો ધ્યાનાર્હ છે. ‘કોર્સ ઑવ્ પૉઝિટિવ ફિલૉસૉફી’ના છ ગ્રંથ અને ‘સિસ્ટમ ઑવ્ પૉઝિટિવ પૉલિટી’ના ચાર ગ્રંથો તેમના ચિંતનના કાર્યક્ષેત્ર અને પરિમાણને ચીંધે છે.
વિદ્યુત જોશી
રસેશ જમીનદાર