કોમિસરિયેત, એમ. એસ. (જ. 11 ડિસેમ્બર 1881, મુંબઈ; અ. 25 મે 1972, મુંબઈ) : ગુજરાતના ઉત્તમ કોટિના ઇતિહાસવિદ. આખું નામ માણેકશાહ સોરાબશાહ કોમિસરિયેત. તે ગુજરાતના સલ્તનત, મુગલ અને મરાઠા સમયના ઇતિહાસના પ્રખર અભ્યાસી અને સંશોધક હતા. તેમની વિદ્વત્તા અને સેવાઓની કદર કરીને સરકારે તેમને ‘ખાનબહાદુર’નો ખિતાબ આપ્યો હતો. જન્મ પારસી કુટુંબમાં. કૉલેજનું શિક્ષણ મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં મેળવ્યું અને મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષા 1903માં પ્રથમ વર્ગમાં અને એમ.એ.ની પરીક્ષા 1905માં પસાર કરી. તેમણે બી.એ.માં પ્રથમ વર્ગ મેળવ્યો હોવાથી તેમને સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ‘ફૅલોશિપ’ મળી હતી. એમ.એ. થયા પછી તરત જ તેમને ગુજરાત કૉલેજમાં ‘પ્રોફેસર ઑવ્ હિસ્ટરી ઍન્ડ પોલિટિકલ ઇકૉનૉમી’ તરીકે નીમવામાં આવ્યા. તેમણે રાજ્યશાસ્ત્ર વિષયમાં પણ અધ્યાપનકાર્ય કર્યું તેમજ એમ.એ.ના વિદ્યાર્થીઓને માર્ગદર્શક વ્યાખ્યાનો આપ્યાં. થોડા સમય માટે ગુજરાત કૉલેજના આચાર્ય તરીકે પણ સેવાઓ આપી હતી. 1935માં સરકારી સેવામાંથી નિવૃત્ત થયા બાદ પોતાના ભાઈ જહાંગીર જેઓ પોતે પણ અંગ્રેજી અને ફ્રેંચ ભાષાના અધ્યાપક હતા, તેમની સાથે મુંબઈમાં કાયમી વસવાટ કર્યો. તે અપરિણીત હતા. પ્રોફેસર કોમિસરિયેતે પોતાની અધ્યાપક તરીકેની કારકિર્દી દરમિયાન અધ્યાપનની સાથે સાથે ગુજરાતના મધ્યકાલીન સમયને લગતી સંશોધન-કામગીરી લગભગ 1918થી શરૂ કરી હતી, જે તેમણે નિવૃત્તિ પછી પણ ચાલુ રાખી હતી. તે ઇતિહાસ અને સંસ્કૃતિને લગતાં વિવિધ મંડળો તથા સંસ્થાઓ સાથે સંલગ્ન હતા – તેઓ ‘ઇન્ડિયન હિસ્ટોરિકલ રેકોર્ડ્ઝ કમિશન’ તથા ‘બૉમ્બે હિસ્ટરી કૉંગ્રેસ’ના સક્રિય સભ્ય હતા. 1931માં અલ્લાહાબાદમાં યોજાયેલા ‘ઇન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસ’ના અધિવેશનમાં વિભાગીય પ્રમુખ તરીકે પણ તેઓ રહ્યા હતા.
ગુજરાતના રાજપૂત સમય પછીના મધ્યકાલના ઊંડા અભ્યાસ અને મૌલિક સંશોધનના પરિપાક રૂપે પ્રોફેસર કોમિસરિયેતે જે ઇતિહાસલેખન કર્યું તેમાં ‘મેન્ડેલ્સ્લોસ ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા’ (ઑક્સફર્ડ યુનિ. પ્રેસ, લંડન, 1931), ‘સ્ટડીઝ ઇન ધ હિસ્ટરી ઑવ્ ગુજરાત’ (મુંબઈ યુનિ.ની ઠક્કર માધવજી વસનજી વ્યાખ્યાનમાળા હેઠળ આપેલાં વ્યાખ્યાનો : લૉન્ગમૅન્સ ગ્રીન ઍન્ડ કંપની, લંડન, 1935), ‘હિસ્ટરી ઑવ્ ગુજરાત : વૉ. 1 : ધ મુસ્લિમ પિરિયડ : ઈ. સ. 1296-1573’ (લૉન્ગમૅન્સ ગ્રીન ઍન્ડ કંપની, મુંબઈ, 1938), ‘ઇમ્પીરિયલ મુઘલ ફરમાન્સ ઇન ગુજરાત’ (સંશોધનપત્ર, જર્નલ ઑવ્ ધ બૉમ્બે બ્રાન્ચ ઑવ્ રૉયલ એશિયાટિક સોસાયટી, વૉ. 1, નં. 10, જૂન-જુલાઈ 1940, મુંબઈ), ‘હિસ્ટરી ઑવ્ ગુજરાત : વૉ. 2 : ધ મુઘલ પિરિયડ : ઈ. સ. 1573-1758’ (ઓરિયેન્ટ લાગમૅન્સ પ્રા. લિ., મુંબઈ, 1957) અને ‘હિસ્ટરી ઑવ્ ગુજરાત : વૉ. 3 : ધ મરાઠા પિરિયડ : ઈ. સ. 1758-1818’ (ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, 1980)નો સમાવેશ થાય છે.
કોમિસરિયેતે તેમના ઇતિહાસલેખનમાં રાજકીય બાબતો અને ઐતિહાસિક ઘટનાઓનું જેટલા પ્રમાણમાં આલેખન કર્યું છે તેટલું તત્કાલીન સામાજિક, આર્થિક અને ધાર્મિક ઇત્યાદિ સ્થિતિનું કર્યું નથી.
કોમિસરિયેતે પોતાની 30 વર્ષની અધ્યાપક તરીકેની કારર્કિદી દરમિયાન અને નિવૃત્તિનાં 37 વર્ષોમાં પણ સક્રિય રહી અવિરત અને અથાગ પરિશ્રમ વેઠી મૌલિક સંશોધન પર આધારિત ગુજરાતના ઇતિહાસના મધ્યકાલીન સમયને લગતા ત્રણ મહત્વના ગ્રંથો લખીને ગુજરાતના ઇતિહાસલેખનમાં અમૂલ્ય ફાળો આપ્યો છે.
રમેશકાન્ત ગો. પરીખ