કોમિલ્લા (Comilla) : બાંગલા દેશના ચટ્ટગાંવ વિભાગમાં આવેલું કોમિલા જિલ્લાનું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 23o 27′ ઉ. અ. અને 91o 12′ પૂ. રે.. મેઘના નદીની ઉપનદી ગોમતીની દક્ષિણે તે આવેલું છે તથા ઢાકા અને ચટ્ટગાંવ સાથે રેલ અને રસ્તા દ્વારા જોડાયેલું છે. વિસ્તાર : 6,713 ચો.કિમી. વસ્તી : નગરની 2.96 લાખ (2011). જિલ્લામાં 400 ઉપરાંત જળાશયો છે. જિલ્લાનો મોટાભાગનો પ્રદેશ કાંપવાળી સપાટ જમીનનો બનેલો છે, જેમાંથી નાની નદીઓ વહે છે. પૂર્વ દિશામાં નાની ટેકરીઓ જંગલથી ભરપૂર છે. ટેકરીઓના ઢાળ પર કપાસ તથા ચાનું તેમજ મેદાની પ્રદેશમાં શણ, ડાંગર, તેલીબિયાં, સોપારી, મરચાં તથા શાકભાજીનું વાવેતર થાય છે. ગૃહઉદ્યોગોમાં વાંસ તથા નેતરની ટોપલીઓ, માટીનાં વાસણો, ચટાઈ તથા હોડીઓ બનાવવામાં આવે છે. 1970ના અરસામાં બાખરાબાદમાં કુદરતી વાયુના ભંડાર મળી આવ્યા છે. ઉપરાંત, નગરમાં દીવાસળીનું કારખાનું, શણની મિલ તથા તાપ વિદ્યુતમથક આવેલાં છે.

ઇતિહાસ : 1733 સુધી તે દેશી રાજ્ય હતું. પછી મુગલોએ તેના પર શાસન કર્યું. 1765માં તેનો વહીવટ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સંભાળી લીધો. 1945-47 સુધી તે બંગાળ પ્રાંતનો જિલ્લો હતો. ભારતના ભાગલા પછી તે પૂર્વ પાકિસ્તાનનો જિલ્લો બન્યો. 1971માં સ્વતંત્ર બાંગલા દેશની સ્થાપના થતાં તે બાંગલા દેશનો ભાગ બન્યો છે. બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન નેતાજી સુભાષચંદ્ર બોઝના નેતૃત્વ હેઠળની આઝાદ હિંદ ફોજ (INA) કોમિલા સુધી આવી પહોંચી હતી; પરંતુ વિશ્વયુદ્ધમાં જર્મની અને જાપાનનો પરાજય થતાં આઝાદ હિંદ ફોજનું સ્વપ્ન અધૂરું રહ્યું હતું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે