કોમ (Qom) : ઈરાનના પાટનગર તહેરાનથી દક્ષિણે 147 કિમી. દૂર, રૂડ-ઇ-કોમ નદીના બંને કાંઠા ઉપર વસેલું શિયા સંપ્રદાયના મુસ્લિમોનું પ્રમુખ તીર્થસ્થાન અને વેપારી કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 34o 39′ ઉ. અ. અને 50o 54′ પૂ. રે. પાકા રસ્તા દ્વારા તે તહેરાન, યઝ્દ વગેરે શહેરો સાથે તથા ટ્રાન્સઈરાનિયન રેલ દ્વારા રાજ્યના અન્ય ભાગો સાથે જોડાયેલું છે. રૂડ-ઇ-કોમ નદીના ઉપરના બંધની સિંચાઈથી ઘઉં, જવ, તેલીબિયાં, કપાસ વગેરે પાકે છે. નજીકમાં સારાજેહનું તેલક્ષેત્ર છે. તેની પાઇપલાઇન કોમ થઈને અબાદાન જાય છે. તેલની રિફાઇનરી, તેલ અને ગૅસનું વિતરણકેન્દ્ર. સિમેન્ટ, કાપડ, ચર્મઉદ્યોગ વગેરે અહીં વિકસ્યાં છે.
ઇમામ અલીની બહેન ફાતિમાની સુવર્ણથી મઢેલા ઘુમ્મટવાળી નવમી સદીની કબર, ચૌદમી સદીના પાંચ સંતોની ભવ્ય કબરો, દશ રાજા અને 400 સંતોની કબરો તથા શાહ અબ્બાસ બીજાનો 1666માં બંધાયેલ રોજો વગેરે જોવાલાયક સ્થળો છે. ભારતમાંથી વહોરા, ખોજા વગેરે શિયાપંથીઓ આ સ્થળની યાત્રાએ આવે છે.
નવમી સદીમાં સ્થપાયેલ આ સ્થળનો 1380માં તૈમૂરે અને 1722માં અફઘાનોએ નાશ કર્યો હતો. સોળમી સદીમાં સફવિદ સુલતાનોના સમયમાં આ સ્થળ આબાદ થયું હતું. 1979માં થયેલી ઇસ્લામી ક્રાંતિના પ્રણેતા આયાતોલ્લાહ રૂહોલ્લાહ ખોમેનીનું આ સ્થળ વતન છે.
2016 મુજબ કોમની વસ્તી યુનો દ્વારા દર્શાવેલ મુજબ 12 લાખ હતી.
શિવપ્રસાદ રાજગોર