કોનારકનું મંદિર

કોનારકનું મંદિર : ઇજિપ્તનું પ્રાચીન સમયનું મંદિર. સ્થાપત્યની આ ભવ્ય ઇમારત ઇજિપ્તની સંસ્કૃતિના સામ્રાજ્ય યુગ(ઈ. પૂર્વે 1580થી 1150)નાં મહાન સમ્રાજ્ઞી હેટશેપસુટ(ઈ. પૂર્વે 1500થી 1479)ના સમય દરમિયાન થીબ્ઝ નગર પાસે બંધાઈ હતી. આ મંદિર બાંધતાં ઘણાં વર્ષો લાગ્યાં હતાં. છતાં મુખ્ય બાંધકામ રાણી હેટશેપસુટ અને થુતમોસ ત્રીજાના શાસન દરમિયાન થયું હતું. ઇજિપ્તની સ્થાપત્યકલાનો આ અજોડ નમૂનો આજે એનું મૂળ સ્વરૂપ સાચવી શક્યો નથી. છતાં મંદિરના અનેક નાનામોટા ખંડો અને સ્તંભોની હારમાળા એની ભવ્યતાની યાદ કરાવે છે. કોનારક મંદિરનો મુખ્ય ખંડ 110 મીટર લાંબો અને 60 મીટર પહોળો છે. આ ખંડમાં 16 હરોળમાં કુલ 136 સ્તંભ છે, જેમાંના મુખ્ય 12 સ્તંભમાંનો દરેક સ્તંભ 26 મીટર ઊંચો છે. બધા સ્તંભ અલંકૃત છે. કોનારક મંદિરની સામે રાણી હેટશેપસુટની કીર્તિગાથાને અભિવ્યક્ત કરતા તથા રાજ્યની મહત્વની ઘટનાઓને સાચવી રાખતા બે વિશાળ સ્તંભો છે, જેની ઊંચાઈ 33 મીટરની છે અને સળંગ એક જ પથ્થરમાંથી બનાવેલા છે.

રસેશ જમીનદાર