કૉનાક્રી

January, 2008

કૉનાક્રી : પશ્ચિમ આફ્રિકાના ગીની રાજ્યનું સૌથી મોટું શહેર, રાજધાની અને પ્રમુખ બંદર. ભૌગોલિક સ્થાન : 90o 31′ ઉ. અ. અને 13o 43′ પૂ.રે ક્ષેત્રફળ 308 ચોકિમી. ટૉમ્બો કે ટુમ્બે ટાપુ ઉપર આવેલું આ શહેર 300 મી. લાંબા પુલ દ્વારા મુખ્ય ભૂમિ સાથે જોડાયેલું છે.

આ પ્રદેશ વિષુવવૃત્ત નજીક હોવાથી (5o ઉ.અ.) આબોહવા બારે માસ ગરમ (26.6o સે. જેટલી) અને ભેજવાળી રહે છે અને શિયાળા અને ઉનાળાના તથા દિવસ અને રાત્રિના તાપમાનમાં થોડો તફાવત રહે છે. જાન્યુઆરીનું 26.7o સે. અને જુલાઈનું 23o સે. તાપમાન રહે છે. સમુદ્રનું સામીપ્ય પણ એક કારણ છે. પાંચ માસના ઉનાળા દરમિયાન 4,293 મિમી. જેટલો ભારે વરસાદ પડે છે. વિષુવવૃત્તીય પ્રદેશની આબોહવાના કારણે આ પ્રદેશમાં કાયમ લીલાં જંગલો છે. કિનારાના પ્રદેશમાં તાડ, નારિયેળી, રબર, કોકો, કૉફી, ડાંગર, ફળો તથા સખત કઠણ ઇમારતી લાકડું આપતાં મેહૉગની, અબનૂસ, રોઝવુડ જેવાં વૃક્ષો જોવા મળે છે. જંગલો કાપીને શેરડી, ડાંગર તથા ઉપર જણાવેલા પાકો લેવાય છે. ક્લૌસ દ્વીપકલ્પમાં લોખંડની અને લૉસ ટાપુઓમાં બૉક્સાઇટની ખાણો છે.

કૉનાક્રીમાં ફળો અને માછલી પૅક કરવાનો, ઍલ્યુમિના અને ઍલ્યુમિનિયમનાં વાસણો બનાવવાનો, પ્રિન્ટિંગ, ઑટોમોબાઇલ, પ્લાસ્ટિક, કાપડ, સિગારેટ તથા દીવાસળી બનાવવાના ઉદ્યોગો અસ્તિત્વમાં આવ્યા છે.

કૉનાક્રી વાહનવ્યવહાર અને વેપારનું અગત્યનું કેન્દ્ર છે. 12,875 કિમી. લાંબા માર્ગો તેને સેનેગલ અને આઇવરી કોસ્ટ સાથે જોડે છે. 661 કિમી. લાંબી રેલવે લાઇન પૂર્વ તરફ આવેલા કંકન શહેરને કૉનાક્રી સાથે જોડે છે. બીજો એક 75 કિમી. લાંબો ફાંટો ફ્રીઆના આંતરરાષ્ટ્રીય વિમાની મથક સાથે રાજધાનીને જોડે છે. લૉસ ટાપુઓથી અર્ધરક્ષિત કૉનાક્રીના બારામાં 11 મીટર ડ્રાફ્ટની સ્ટીમરો પ્રવેશે છે. તેનું ઊંડું બારું પરદેશ સાથે વેપાર માટે ઉપયોગી છે. કેળાં, નારંગી, કૉફી, પામઑઇલ, તાડની વસ્તુઓ, માછલી, બૉક્સાઇટ અને ઍલ્યુમિના નિકાસ થાય છે.

પૉલિટેકનિક, વોકેશનલ અને નર્સિંગ શાળાઓ, સાયન્સ અને ઇજનેરી કૉલેજ, લશ્કરી શાળા, અધ્યાપન મંદિર, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, પુસ્તકાલય વગેરે અનેકવિધ શૈક્ષણિક સંસ્થાઓ ત્યાં છે.

મૂળ સુસુ કે સૌસ્સૌ જાતિના લોકોનો અહીં વસવાટ હતો. 1884માં ફ્રેન્ચોએ તેની સ્થાપના કરી. 1893માં તે ‘રિવિયેર દ્યુ સુદ’ નામનું રક્ષિત રાજ્ય બન્યું. 1958માં ગીની દેશ આઝાદ થયો હતો. વસ્તી આશરે 19,91,000 (2021) છે.

શિવપ્રસાદ રાજગોર