કોણાર્ક (1919) : ઊડિયા ભાષાની સાહિત્યકૃતિ. કૃપાસિંધુ મિશ્રનો રચેલો સાહિત્યિક ર્દષ્ટિએ મૂલ્યવાન એવો આ ઇતિહાસ વિશેનો નિબંધ છે. કોણાર્કના ઇતિહાસનું નિરૂપણ ક્યારેક વર્ણનશૈલીમાં તો ક્યારેક સંવાદશૈલીમાં તો ક્યારેક વાર્તાશૈલીમાં, એમ સાહિત્યિક સ્વાંગમાં કર્યું છે, એ એની વિશેષતા છે, એ કારણે એનું વાચન રસપ્રદ બને છે. એમાં કોણાર્કના સૂર્યમંદિરનો અથથી ઇતિ સુધીનો ઇતિહાસ તબક્કાવાર આપ્યો છે, અને કોણાર્કના મંદિરનું તથા આસપાસની પ્રાકૃતિક સુંદરતાનું કાવ્યમય વર્ણન છે. એમાં જે ઇતિહાસ આપ્યો છે તેમાં વિચારપ્રેરક ટીકાટિપ્પણીઓ પણ કરી છે.
જાનકીવલ્લભ મોહન્તી