કોડીન : અફીણમાંનું એક પ્રકારનું આલ્કેલૉઇડ. પાપાવર સોમ્નીફેરમ નામના છોડનાં કાચાં ફળોમાંથી નીકળતા સૂકવેલા રસને અફીણ કહેવાય છે. અફીણમાં જુદાં જુદાં 24 આલ્કેલૉઇડ હોય છે. પોપીના છોડવા એશિયા માઇનોરમાં ઊગે છે (ખાસ કરીને તુર્કી, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભારત, નેપાળ વગેરેમાં તે ગેરકાયદે ઉગાડવામાં આવે છે). અફીણમાંનાં આલ્કેલૉઇડ મુખ્યત્વે બે પ્રકારના સમૂહ ધરાવે છે. (1) બેન્ઝાઇલ આઇસોક્વીનોલીન સમૂહ; જેમાં પાપાવરીન, નાર્કોટીન તથા લૉડનાઇન હોય છે. (2) ફિનાન્થ્રીન સમૂહ; જેમાં મૉર્ફિન, કોડીન અને થીબેઈનનો સમાવેશ થાય છે.

મૉર્ફિનનું બંધારણ :

3 – OHને બદલે 3 – OCH3 કોડીન

3, 6 – di OHને બદલે 3, 6 – di – OCH3 થીબેઇન

3, 6 – di OHને બદલે 3, 6 – di – OCOCH3 હેરોઇન

મૉર્ફિનના બે હાઇડ્રૉક્સિલ સમૂહમાંનો 3-ફિનોલિક સમૂહ છે તેનું મિથિલેશન કરવાથી મિથાઇલ ઈથર બને તેને કોડીન કહે છે. મૉર્ફિનનું ઍસિટિલેશન કરતાં જે ડાઇ-ઍસિટાઇલ વ્યુત્પન્ન બને તેને હેરોઇન કહે છે.

મૉર્ફિન શોધાયા બાદ તેનું સાચું બંધારણ લગભગ 120 વર્ષ બાદ સન 1925માં ગુલેન્ડ તથા રૉબિન્સન દ્વારા શોધાયું. તેની સંકીર્ણ વલયપ્રણાલી તથા તેમાંના ચાર અસમ કાર્બનને કારણે તેના બંધારણની પૂર્ણ માહિતી મેળવવી મુશ્કેલ હતી. સન 1952માં યુનિવર્સિટી ઑવ્ રોચેસ્ટરના પ્રો. ગેઇટ્સે તેનું સંપૂર્ણ સંશ્લેષણ કરી બતાવ્યું. મૉર્ફિનની આડઅસરો તથા વિષાળુતા(toxicity)ને ઓછી કરવાના પ્રયાસમાં જણાયું કે કોડીન મૉર્ફિન કરતાં 1/7 ગણું ઓછું વિષાળુ છે. મૉર્ફિનનો મોટો હિસ્સો કોડીન બનાવવામાં જ વપરાય છે. કોડીનની ખાસ આડઅસરો નથી. કોડીન દર્દશામક તરીકે તેમજ કાસરોધી (ઉધરસ અટકાવનાર – antitussive) ઔષધ તરીકે મુખ્યત્વે વપરાય છે.

જ. પો. ત્રિવેદી