કોડીન (આયુર્વિજ્ઞાન)

કોડીન (આયુર્વિજ્ઞાન) : અફીણાભ (opioid) જૂથનું ઔષધ. તે જૂથને નશાકારક પીડાનાશકો(narcotic analgesics)નું જૂથ પણ કહેવાય છે. તેનો મુખ્ય ઉપયોગ દુખાવો અને સતત રહેતી ઉધરસને કાબૂમાં લેવા માટે થાય છે. ઔષધરૂપે કોડીન સલ્ફેટ અને કોડીન ફૉસ્ફેટ એમ બે પ્રકારનાં રસાયણો 15થી 60 મિગ્રા.ની ગોળીઓ કે દ્રાવણરૂપે મળે છે, જે મુખમાર્ગે લઈ શકાય છે. તેનું ઇન્જેક્શન મૉર્ફિન જેવું જ કામ કરતું હોવાથી ઇન્જેક્શન દ્વારા અપાતું નથી; પરંતુ આંતરડામાં તેનું અવશોષણ મૉર્ફિન કરતાં વધુ (60 %) થાય છે અને તેથી તેનો મુખ્ય ઉપયોગ મુખમાર્ગી ઔષધરૂપે થાય છે. 30 મિગ્રા. કોડીન અને 325થી 600 મિગ્રા. ઍસ્પિરિન એકસરખો દુખાવો મટાડે છે. તે બંને સાથે આપવાથી પીડાનાશની માત્રામાં વધારો થાય છે. કૅન્સરના દુખાવાને રોકવા માટે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનિઝેશને કરેલાં સૂચનોમાં, કોડીનના ઉપયોગને બીજા તબક્કામાં આવરી લેવાયો છે. રોગને કારણે થતી ખાંસીને કોડીન રોકે છે. જેમ જેમ તેની માત્રા વધારાય છે તેમ તેમ તેની ખાંસી રોકવાની અસર પણ વધે છે. તેનું બંધાણ એટલે કે વ્યસનાસક્તિ (addiction) થાય છે. પરંતુ તેનું પ્રમાણ મૉર્ફિન કરતાં ઓછું છે. મૉર્ફિનની માફક તે પણ કબજિયાત કરે છે.

શિલીન નં. શુક્લ