કોડીનાર

January, 2008

કોડીનાર : સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લામાં આવેલો તે જ નામ ધરાવતો તાલુકો અને તાલુકામથક. તાલુકાની વસ્તી : 2,28,809 (2024) જેટલી છે. જ્યારે મ્યુનિસિપાલિટીની વસ્તી 56 હજાર (2024) જેટલી છે.

કોડીનાર તાલુકાનું ક્ષેત્રફળ 324.3 કિમી. છે. બાબરિયાવાડથી માંગરોળ સુધીના ‘લીલી નાઘેર’ તરીકે ઓળખાતા લીલાછમ પ્રદેશમાં આ તાલુકો આવેલો છે. સમુદ્રકિનારો નજીક હોઈ ઉનાળામાં તાપમાન 37o સે. તથા શિયાળામાં 19o સે. રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 714 મિમી. પડે છે. ગીરનો પ્રદેશ નજીક છે અને આસપાસમાં જંગલ આવેલું છે. અહીં બાજરી, જુવાર, શેરડી, મગફળી, ઘઉં, કઠોળ, કેરી થાય છે. આઝાદી પૂર્વે કોડીનાર ગોળ અને વાલ માટે જાણીતું હતું. અહીં દરિયાકિનારાના વિસ્તારમાં મિલિયોલાઇટ પ્રકારના કેમિકલ ગ્રેડના ચૂનાના પથ્થરો વિપુલ પ્રમાણમાં મળે છે. અહીં જગતિયા ગામ પાસે કુદરતી વાયુ નીકળે છે. કૅલ્સાઇટનું ખનિજ પણ મળે છે. તાલુકાના લોકોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે. અહીં ગીર ઓલાદની ગાય અને જાફરાબાદી ભેંસ પશુપાલકો રાખે છે. ઘાંટવડ પાસે શિંગોડા નદી ઉપર સિંચાઈ માટે બંધ બંધાયો છે. કાંઠાના વિસ્તારમાં મત્સ્ય ઉદ્યોગનો થોડો વિકાસ થયો છે. ભૂતકાળમાં કોડીનાર અને વેલણ બંદરો હતાં. વેલણ ગાયકવાડના નૌકાસૈન્યનું મથક હતું.

કોડીનારમાં આવેલી સિમેન્ટની ફૅક્ટરી

કોડીનાર શહેર 20o 47′ ઉ. અ. અને 70o 41′ પૂ. રે. ઉપર આવેલું છે. પ્રાચી-કોડીનાર રેલવેનું તે અંતિમ સ્ટેશન છે. શહેરથી સમુદ્ર 10 કિમી. દૂર છે. મૂળ દ્વારકાનું પ્રાચીન સ્થળ શહેરથી 10 કિમી. દૂર છે. અહીંથી વેરાવળ 40 કિમી. અને અમરેલી 117 કિમી. છે. કોડીનાર પાકી સડક દ્વારા ભાવનગર, અમરેલી, વેરાવળ, ઊના, દીવ અને જૂનાગઢ સાથે જોડાયેલું છે. અહીં તેલની મિલો ઉપરાંત સહકારી ક્ષેત્રમાં ‘શ્રી બિલેશ્વર ખાંડ-ઉદ્યોગ ખેડૂત સહકારી મંડળી’ દ્વારા સ્થપાયેલું ખાંડ ઉત્પન્ન કરતું કારખાનું છે. આ સિવાય સિમેન્ટ ઉત્પાદન કરતું અંબુજા સિમેન્ટનું કારખાનું છે. કોડીનારમાં હિંદુઓ ઉપરાંત મુસલમાન કોમની વસ્તી વિશેષ છે.

અહીં કોટેશ્વર, બાપેશ્વર, ભૈરવનાથ અને સોમનાથનાં શંકરનાં મંદિરો આવેલાં છે. ભૈરવનાથનું મંદિર ભૂગર્ભમાં છે. સોમનાથનો વિશાળકાય નંદી પ્રાચીન છે. મૂળ દ્વારકાનું પ્રાચીન મંદિર ભગ્નાવસ્થામાં છે.

શિવપ્રસાદ રાજગોર