કોડી : મૃદુકાય સમુદાય, ઉદરપાદ (gastropoda) વર્ગ, prosobranchia શ્રેણી, cyproeidae કુળની cypraea પ્રજાતિનું દરિયાનિવાસી પ્રાણી. જાડું, આકર્ષક બાંધો, વિવિધ રંગોવાળું અને સામાન્યપણે ટપકાં વડે અંકિત થયેલ આ પ્રાણીનું કવચ લીસું, લંબગોળ અને ઉપરથી ઊપસેલું હોય છે. વક્ષ બાજુએ આવેલાં તેનાં દ્વારની બંને બાજુએથી અંદર વળેલા (inrolled) હોઠ આવેલા હોય છે. મોટે ભાગે આ હોઠ દાંત જેવી ગડીઓ વડે સંધાયેલા હોય છે.
કોડી ઉષ્ણ કટિબંધ પ્રદેશમાં આવેલા હિંદી અને પ્રશાંત મહાસાગરના દરિયાકિનારે મળી આવે છે. ખડકાળ પ્રદેશમાં પથ્થરની નીચે અને પરવાળા પ્રદેશમાં તે મળી આવે છે. cypraea moneta જાતિની કોડીઓ કદમાં 2.5 સેમી. જેટલી નાની હોય છે, જ્યારે પ્રશાંત ટાપુઓના કિનારે મળતી સુવર્ણકોડી (C. aurantium) સૌથી મોટી એટલે કે 10.0 સેમી. લાંબી હોય છે. ભારતના દક્ષિણ કિનારે આવેલા મનાર અખાતમાં મળતી કેટલીક કોડીઓ 8.0 સેમી. જેટલી લાંબી હોય છે.
મૉનેટા કોડીનો ઉપયોગ આજે પણ આફ્રિકાના કેટલાક દેશોમાં નાણાં તરીકે થાય છે. ભારત સહિત કેટલાક દેશોમાં કોડીની માળા બનાવી તેને આભૂષણ તરીકે પહેરવામાં આવે છે. દુનિયાના ઘણા દેશોમાં પછાત વર્ગના લોકો લગ્ન જેવા પ્રસંગોમાં કોડીની બનાવેલી બુટ્ટી અને હાથપગનાં કડાં જેવાં ઘરેણાં પહેરી નૃત્ય કરતા હોય છે. બાળકો અને કિશોરો કોડીથી રમે છે. ચોપાટ રમવામાં કોડીનો ઉપયોગ થાય છે. ઘરની સજાવટ અને સુશોભનમાં પણ તેને ઉપયોગમાં લેવાય છે. અમુક જાતની કોડી શુકનવંતી ગણાય છે. તેની પૂજા થાય છે. ટિકિટસંગ્રહની જેમ કોડીનો સંગ્રહ કરવાનો કેટલાકને શોખ હોય છે. સુંદર કોડીઓ ભેટ અપાય છે.
આજ સુધી કોડીની બસોત્રીસથી વધારે જાતિઓ શોધાયેલી છે.
સિદ્ધાર્થ પટેલ