કોડિયાં

January, 2008

કોડિયાં (1934) : ગુજરાતી કવિ કૃષ્ણલાલ શ્રીધરાણી(1911-1960)નો પ્રથમ કાવ્યસંગ્રહ. એમાં ગીતો, સૉનેટ અને કથામૂલક દીર્ઘ રચનાઓ છે. આ સંગ્રહ દ્વારા એક અત્યંત આશાસ્પદ ઊર્મિકવિ તરીકે શ્રીધરાણી બહાર આવ્યા. એમની કવિતાની સૌંદર્યાભિમુખતાએ વિવેચકો અને કાવ્યરસિકોનું ધ્યાન ખેંચ્યું. એમની ગણના ગાંધીવિચારધારાના સુન્દરમ્, ઉમાશંકર જોશી અને ‘સ્નેહરશ્મિ’ વગેરે કવિઓની સાથે થવા લાગી. એ સાથે જ રવીન્દ્રનાથ ઠાકુરની કાવ્યશૈલીનો પ્રભાવ પણ તેમની કવિતાની સંરચના અને છંદોલય પર વરતાયો હતો. ભાષાની તાજગી, કલ્પન અને પ્રતીકોનો વિનિયોગ, ઊર્મિસ્પન્દન અને સૌથી વિશેષ એ કવિતાની પાછળ એક સંવેદનશીલ કવિ-વ્યક્તિત્વની પ્રતીતિ થઈ. પછી આગળ અભ્યાસ અર્થે તે અમેરિકા ગયા. બારેક વર્ષ અમેરિકા રહ્યા અને ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી માસ્ટર ઑવ્ આર્ટ્સ, કોલંબિયા યુનિવર્સિટીમાંથી માસ્ટર ઑવ્ સાયન્સ અને ડૉક્ટર ઑવ્ ફિલૉસૉફીની પદવીઓ મેળવી, 1946માં સ્વદેશ પાછા ફર્યા. અમેરિકાના વસવાટ દરમિયાન તેમણે અંગ્રેજીમાં પુસ્તકો લખ્યાં અને ભારતની સ્વતંત્રતા માટે પ્રચાર કર્યો. ભારત પાછા આવ્યા બાદ તેઓ દિલ્હીમાં મિનિસ્ટ્રી ઑવ્ એક્સટર્નલ અફૅર્સમાં ઑફિસર ઑન સ્પેશિયલ ડ્યૂટી તરીકે જોડાયા. થોડો સમય આ સ્થાને કામ કર્યું. ગુજરાતીમાં લખવાનું શરૂ કર્યું. પત્રકારત્વમાં કામ કરવા માંડ્યું. ‘અમૃત બઝાર પત્રિકા’ના ખબરપત્રી તરીકે તે અવારનવાર વિદેશ જતા. 1960માં તેમનું અવસાન થયું.

1957માં ઉમાશંકર જોશીના સંપાદન હેઠળ ‘કોડિયાં’ની સંવર્ધિત અને સંસ્કારેલી બૃહદ્ આવૃત્તિ પ્રગટ થઈ. એ પ્રગટ કરતાં સંપાદકે કહ્યું હતું તેમ ‘કોડિયાં’ની 1934ની આવૃત્તિનું આ પુનર્મુદ્રણ માત્ર નથી. 1927થી 1934ની એ કૃતિઓમાંથી જૂજ રદ કરીને બાકીનીને નવા ક્રમમાં અહીં રજૂ કરી છે એટલું જ નહિ, કર્તાના અમેરિકા-નિવાસનાં બાર વરસો સમેત કુલ ચૌદ મૌન-વરસો પછીનાં 1948થી 1956 સુધીનાં નવીન કાવ્યોનો પણ આ નવી આવૃત્તિમાં સમાવેશ થયો છે.’’ આ પ્રકારનાં કાવ્યોમાં ‘આઠમું દિલ્હી’, ‘મેઘાણી’, ‘રાતના અવાજો’ વગેરે ઉલ્લેખનીય છે. ‘મીણબત્તી’ કાવ્ય પણ રચનારીતિની ર્દષ્ટિએ નોંધપાત્ર થયું છે. ‘આઠમું દિલ્હી’માં સ્વાતંત્ર્યોત્તર કાળની વાસ્તવિકતા તીક્ષ્ણ કટાક્ષ દ્વારા અસરકારક રીતે અભિવ્યક્તિ પામી છે : ‘‘સર્વવ્યાપ્ત સરકાર બિરાજે, કવિને કરતી ભાટ / જંગલ છોડી દિલ્હી-કાંઠે યોગી માંડે હાટ.’’ અગાઉની આવૃત્તિનાં ‘શુક્ર’, ‘ભરતી’, ‘પાળી’, ‘પાનખર’, ‘ઝંઝાવાત’, ‘આ જ મારો અપરાધ છે, રાજા !’, ‘ભથવારીનું ગીત’, ‘ગાંધીજીને’, ‘મારી બા’ જેવાં કાવ્યોમાં શ્રીધરાણીની કવિત્વશક્તિની લાક્ષણિકતા જોવા મળે છે. સમગ્રતયા કૃષ્ણલાલ શ્રીધરાણીની કવિતાનાં ત્રણ લક્ષણો ઉમાશંકર જોશીએ નિર્દેશ્યા પ્રમાણે ‘‘કમનીય રસોજ્જ્વલ પદાવલિ (diction), બલકે કાવ્યદેહની કીટ્સની યાદ આપે એવી ઇન્દ્રિયગ્રાહ્યતા (sensuousness); બીજું, બુલંદ ભાવનામયતા; અને ત્રીજું, જીવનના વાસ્તવની સહજ પકડ. આ તત્વો વડે શ્રીધરાણીનો કાવ્યપિંડ આગવી રીતે જ ઘડાયો છે અને અનોખું સૌંદર્ય સિદ્ધ કરી શક્યો છે.’’

રમણલાલ જોશી