કોડાલી, ઝોલ્ટન (જ. 16 ડિસેમ્બર 1882, કેસ્કેમેન, હંગેરી; અ. 6 માર્ચ 1967, બુડાપેસ્ટ, હંગેરી) : સમર્થ હંગેરિયન સ્વર-રચનાકાર અને સંગીતશાસ્ત્રજ્ઞ.
ઝોલ્ટન કોડાલીએ પ્રથમ અભ્યાસ નેગીઝોમ્બતમાં કર્યો. 1900માં તે હંગેરીના પાટનગર બુડાપેસ્ટમાં ‘અકાદમી ઑવ્ મ્યુઝિક’માં જાનોસ કૉસ્લરના શિષ્ય બન્યા અને સંગીત ઉપરાંત ‘ડૉક્ટર ઑવ્ ફિલૉસૉફી’ની ઉપાધિ પ્રાપ્ત કરી (1906). તેમણે 1905માં લોકસંગીતનો સંગ્રહ કરવા પ્રવાસ શરૂ કર્યો અને તેમાં 1906માં સંગીતકાર બેલા બાર્ટોક જોડાયા. 1907થી 1941 સુધી તે ‘બુડાપેસ્ટ અકાદમી ઑવ્ મ્યુઝિક’માં અધ્યાપક હતા.
1946-49માં ‘હંગેરિયન અકાદમી ઑવ્ સાયન્સીઝ’ના પ્રમુખ હતા અને 1963થી મૃત્યુ સુધી ‘ઇન્ટરનેશનલ સોસાયટી ફૉર મ્યુઝિકલ એજ્યુકેશન’(ISME)ના પ્રમુખ હતા. તેમને ત્રણ વખત ‘કોસુથ પારિતોષિક’ એનાયત થયું હતું. 1960માં ઑક્સફર્ડ યુનિવર્સિટીએ તેમને માનાર્હ ‘ડૉક્ટર ઑવ્ મ્યુઝિક’ની પદવી એનાયત કરેલી.
તેમણે બુડા અને પેસ્ટ શહેરના સંયોજનની પચાસમા વર્ષની જયંતી પ્રસંગે ‘સામસ હંગેરિકસ’ની સંગીતરચના દ્વારા ખ્યાતિ પ્રાપ્ત કરી. 1926માં તેમણે ‘હેરી-જાનોસ’ નામક હાસ્યપ્રધાન સંગીત-નાટક માટે નૃત્યની બે સંગીતમાલાઓ રચી. તે ઉપરાંત તેમણે ‘મારોઝેક ડાન્સિસ’ (1930), ‘ડાન્સિસ ઑવ્ ગલાન્ટા’ (1933), ‘તે દેઝિમ’ – કૉન્સર્ટો (1941), સંગીત-નાટક ‘મિસ્સા બ્રેવિસ’ (1942) વગેરે અનેક સંગીતરચનાના ગ્રંથો લખ્યા અને પ્રગટ કર્યા છે.
તેમની વિદ્વત્તાપૂર્ણ કૃતિ ‘ફોક મ્યુઝિક ઑવ્ હંગેરી’ (1962) છે. તેમણે પોતે અનેક સંગીતશિક્ષકો તૈયાર કરી સંગીતશિક્ષણનો હંગેરીમાં ખૂબ વ્યાપક પ્રચાર કર્યો. તેમની સંગીતશૈલી આગવી છે. તેમાં રંગદર્શિતા સાથે ફ્રેંચ સંગીત અને ઇટાલિયન ધાર્મિક સંગીતનો સુમેળ છે. 1951થી 1956માં તેમણે ‘એ મગ્યાર નિપ્ઝેને તારા’ નામના ચાર ગ્રંથોમાં હંગેરિયન લોકસંગીત-રચનાઓનો સંગ્રહ પ્રગટ કર્યો હતો. હંગેરીના લોકસંગીત વિશે તે પ્રમાણભૂત લેખક અને વક્તા ગણાય છે.
કૃષ્ણવદન જેટલી