કોડાગુ (Kodagu) : કર્ણાટક રાજ્યનો સૌથી નાનો જિલ્લો. તે રાજ્યની નૈર્ઋત્ય સીમા પર આવેલો છે અને 11o 56’થી 12o 52′ ઉ.અ. તેમજ 75o 22’થી 76o 12′ પૂ.રે. વચ્ચેનો 4,102 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હસન જિલ્લો, પૂર્વ તરફ મૈસૂર જિલ્લો, દક્ષિણ તરફ કેરળ રાજ્યનો કન્નુર જિલ્લો તથા પશ્ચિમ તરફ દક્ષિણ કન્નડ જિલ્લો આવેલા છે. ઉત્તર તરફ 20 કિમી. લંબાઈની અને 10 કિમી. પહોળાઈની સાંકડી ભૂમિપટ્ટી હસન જિલ્લામાં પ્રવેશેલો શિખાગ્રભાગ રચે છે. જિલ્લામથક મદિકેરી (Madikeri) જિલ્લાની મધ્યમાં આવેલું છે.

કોડાગુ જિલ્લો

ભૂપૃષ્ઠ : પહાડી આકારિકી ધરાવતા આ જિલ્લાના ભૂપૃષ્ઠમાં ખીણો, કોતરો, ઝડપી વહેણવાળી નદીઓ, ઉન્નત ગિરિશૃંગો અને ડુંગરધારોનો સમાવેશ થાય છે. જિલ્લાની કેરળ સાથેની પશ્ચિમ સીમા પર ટેકરીઓની અખંડિત શ્રેણી આવેલી છે. જિલ્લાનું સર્વોચ્ચ સ્થળ ટેડિયોન્ડામોલ સમુદ્રસપાટીથી 1908 મીટરની ઊંચાઈ ધરાવે છે. મધ્યમાં આવેલા મદિકેરીના પઠારપ્રદેશની સરેરાશ ઊંચાઈ 1166 મીટર જેટલી છે, તેનો ઢોળાવ ઘટતો જઈ કુશલનગર ખાતે 910 મીટર જેટલો બની રહે છે. આ ઉચ્ચપ્રદેશ પશ્ચિમ તરફ પશ્ચિમ ઘાટની સળંગ શ્રેણીથી બદ્ધ છે, ત્યાં વિશિષ્ટ આકારવાળી પુષ્પગિરિ ટેકરી(ઊંચાઈ 1879 મીટર)નાં બે શિખરો નજરે પડે છે.

જિલ્લામાં વિવિધ પ્રકારની જમીનો જોવા મળે છે, ઊંચાણ-નીચાણ ધરાવતું અસમતળ ભૂપૃષ્ઠ લૅટરાઇટ પ્રકારની સ્વસ્થાની પડખાઉ જમીનો ધરાવે છે, તે લૅટરાઇટીકરણના જુદા જુદા તબક્કા પણ દર્શાવે છે. ઢોળાવો અને ખીણોમાં ખેડાણયોગ્ય ફળદ્રૂપ ગોરાડુ પ્રકારની જમીનો જોવા મળે છે. જિલ્લાના પૂર્વ વિભાગમાં, ઘેરા રંગની માટીવાળી જમીનો આવેલી છે, ચોમાસામાં તેમાં પાણી ભરાય છે, અને ઉનાળામાં તે આતપતડો(suncracks)વાળી બની રહે છે. મધ્ય વિભાગમાં ગોરાડુ અને પશ્ચિમ વિભાગમાં પડખાઉ પ્રકારની જમીનો આવેલી છે. આ જિલ્લો તેની વનસ્પતિ અને પ્રાણીઓની વિપુલતા વિવિધતા માટે જાણીતો છે.

જળપરિવાહ : અહીંની જળપરિવાહ-રચના મુખ્યત્વે પૂર્વતરફી છે, જોકે કેટલાંક ઝરણાં પશ્ચિમ તરફ વધુ વેગવાળાં છે. કાવેરી અહીંની મુખ્ય અને મોટી નદી છે. ચોમાસામાં તે પાણીથી ભરપૂર રહે છે. ભારતની સાત પવિત્ર નદીઓ પૈકી તેની ગણના થાય છે. તેના મૂળ ખાતે સ્નાન કરવાનું ઘણું જ મહત્વ છે. તેના મૂળથી આ જિલ્લાની હદ છોડીને આગળ વધે છે ત્યાં સુધીનું તેનું અંતર આશરે 80 કિમી. જેટલું છે. ભગમંડળ નજીક તેને કણિક નામની સહાયક નદી મળે છે. તેની સાથે થતા સંગમસ્થળને પણ પવિત્ર માનવામાં આવે છે. હેમવતી નામની તેની બીજી એક સહાયક નદી જિલ્લાની કેટલાક ભાગની ઉત્તર સીમા રચે છે. આ જિલ્લામાં કોઈ જાણીતાં સરોવરો કે તળાવો નથી.

ખેતી : ડાંગર અહીંનો મુખ્ય કૃષિપાક છે. અહીં ઓછાવત્તા પ્રમાણમાં શેરડી, રાગી, ચણા, મગફળી વગેરે પણ થાય છે. કૉફી, નારંગી, મરી અને ઇલાયચી પણ અહીંના અગત્યના પાક ગણાય છે. ભારતમાં ઉત્પન્ન થતી કૉફીનો 33% હિસ્સો આ જિલ્લામાંથી મળે છે. અહીંની નારંગીઓ ‘કૂર્ગ નારંગી’ નામથી ઓળખાય છે. ઇલાયચીના ઉત્પાદનમાં કોડાગુ જિલ્લો રાજ્યમાં ત્રીજા ક્રમે આવે છે. મરીના ઉત્પાદનમાં પણ તે મોખરાનું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત અહીં રબર, સોપારી, નાળિયેર, કેળાં, પાઇનેપલ, લીંબુ તેમજ શાકભાજીનું ઉત્પાદન પણ લેવાય છે.

પશુપાલન : અહીંના ખેડૂતો ખેતી ઉપરાંત પશુપાલનનો વ્યવસાય પણ કરે છે. પશુઓમાં ગાય, ભેંસ, આખલા, પાડાનો સમાવેશ થાય છે. તેમની ઓલાદ ઊતરતી અને ઠીંગણી કક્ષાની છે. પશુ-દવાખાનાં, પશુચિકિત્સાલયો, કૃત્રિમ ગર્ભાધાન કેન્દ્રો ઊભાં કરવામાં આવેલાં છે. ઘેટાં-બકરાં તેમજ મરઘાં-બતકાંનો ઉછેર પણ થાય છે. મધમાખીઓનો ઉછેર કરીને મધ મેળવાય છે.

ઉદ્યોગવેપાર : આ જિલ્લામાં કોઈ મોટા પાયાના ઉદ્યોગો આવેલા નથી, માત્ર મધ્યમ કક્ષાના છ જેટલા ઉદ્યોગો છે. ઊર્જા, સારા સડક-માર્ગો-રેલમાર્ગો, વાહનવ્યવહારનાં સાધનો, સસ્તી મજૂરી, તેમજ અનુકૂળ આબોહવાની આ જિલ્લામાં ઊણપ હોવાથી ઉદ્યોગો વિકસી શક્યા નથી. અહીં માત્ર થોડી ચોખાની મિલો, લાતીઓ, ખાનગી તેમજ સરકારી મુદ્રણાલયો, ઇજનેરી તેમજ ઑટોમોબાઇલનાં સમારકામનાં થોડાં કારખાનાં આવેલાં છે. તાજેતરમાં ફળોનો રસ કાઢવાનું કારખાનું તથા ઇલેક્ટ્રિક મીટર ઍસેમ્બ્લી-એકમ ઊભાં થયાં છે. આ ઉપરાંત ગૃહઉદ્યોગો તરીકે માટીકામ, હાથસાળના વણાટનું કામ, ટોપલીઓ-સાદડીઓ બનાવવાનું કામ તથા સુથારી-લુહારી-દરજીકામ ચાલે છે. થોડાંક ચા, કૉફી અને રબરનાં કારખાનાં પણ છે.

વેપાર-વાણિજ્યની પ્રવૃત્તિઓ શહેરવિભાગ પૂરતી મર્યાદિત છે. કૉફી, ઇલાયચી, મરી, નારંગી, રબર, લાકડાં, મધની અહીંથી નિકાસ થાય છે. આ જિલ્લામાં ખરીદ-વેચાણનું કોઈ નિયમિત બજાર તો નથી, પરંતુ જિલ્લાના જુદા જુદા ભાગોમાં સહકારી માર્કેટિંગ મંડળીઓ કાર્યરત છે. આ જિલ્લામાં સડકમાર્ગો-રેલમાર્ગો વિકસેલા ન હોવાથી વેપાર-વિકાસ પૂરતા પ્રમાણમાં થયો નથી.

પરિવહન : આ જિલ્લામાં રેલસુવિધા વિકસેલી નથી. મૈસૂર અહીંનું નજીકમાં નજીકનું રેલમથક છે. વીસમી સદીના છેલ્લા દાયકા દરમિયાન સડકમાર્ગો તૈયાર કરવામાં આવ્યા છે. જિલ્લામાંથી એક પણ રાષ્ટ્રીય ધોરી માર્ગ પસાર થતો નથી; માત્ર ત્રણ રાજ્ય ધોરી માર્ગો (કુલ લંબાઈ 165 કિમી.) અહીંથી પસાર થાય છે. જિલ્લાના સડકમાર્ગોની કુલ લંબાઈ આશરે 1400 કિમી.થી વધુ નથી. અહીંનાં બધાં જ નગરોને બસસેવાની સુવિધા ઉપલબ્ધ છે. આશરે 88 % ગામડાંઓને નજીકના માર્ગોની સગવડ મળે છે.

કૂર્ગમાં આવેલું ઓમકારેશ્વરનું મંદિર

પ્રવાસન : મદિકેરી : જિલ્લામથક. હાલેરી વંશના મુડ્ડુ રાજાએ તે 1681માં વસાવેલું. અહીંના જૂના રાજમહેલમાં હવે રાજ્યનાં સરકારી કાર્યાલયો બેસે છે. ઓમકારેશ્વર મંદિર તથા રાજાઓની સમાધિઓ જોવા લાયક છે. આ નગરથી આશરે 5 કિમી.ને અંતરે ઍબ્બી(જૂનું નામ જેસ્સી)નો જળધોધ આવેલો છે.

કુશલનગર : ટીપુ સુલતાનના જન્મના સમાચાર હૈદરઅલીને જ્યાં મળેલા તે સ્થળ તરીકે જાણીતું ઐતિહાસિક ગામ. બ્રિટિશ શાસનકાળ દરમિયાન કૂર્ગ(કોડાગુ)ના તત્કાલીન સર્વપ્રથમ મુખ્ય કમિશનર કર્નલ ફ્રેજરના નામ પરથી તેને ફ્રેજરપેટ નામ અપાયેલું. આજે તે કુશલનગર તરીકે ઓળખાય છે.

વારતહેવારે અહીં જુદા જુદા ઉત્સવો યોજાય છે. વસ્તી 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 5,74,762 જેટલી છે, તે પૈકી સ્ત્રી-પુરુષોની સંખ્યા સરખી છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું સંખ્યા-પ્રમાણ અનુક્રમે 80% અને 20% જેટલું છે. અહીં હિન્દુ-મુસ્લિમોની વસ્તી વિશેષ છે, જ્યારે ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ અને શીખોની વસ્તી અનુક્રમે ઊતરતા ક્રમમાં ઓછી છે. જિલ્લાના લોકો કન્નડ, હિન્દી, મરાઠી અને ઉર્દૂ ભાષાઓ બોલે છે. અહીં સાક્ષરતાનું પ્રમાણ આશરે 70% જેટલું છે. બધાં જ નગરોમાં પ્રાથમિક-માધ્યમિક શાળાઓ છે. જિલ્લામાં કુલ છ કૉલેજો આવેલી છે. મદિકેરી અને ગોનીકોપાલ શહેરોમાં સ્નાતક-કક્ષાની કૉલેજો તથા કુશલનગરમાં પૉલિટેક્નિક સંસ્થા આવેલાં છે. ઉચ્ચ, તકનીકી તેમજ તાલીમી શિક્ષણ માટે વિદ્યાર્થીઓને મૈસૂર અને હસન ખાતે જવું પડે છે. જિલ્લાનાં લગભગ બધાં જ નગરોમાં તબીબી સેવા ઉપલબ્ધ છે. મદિકેરી, વિરાજપેટ અને સોમવરપેટ ખાતે હૉસ્પિટલો અને ચિકિત્સાલયો આવેલાં છે. બીજાં કેટલાંક સ્થળો ખાતે પ્રાથમિક સ્વાસ્થ્યકેન્દ્રો ઊભાં કરાયેલાં છે. વહીવટી સરળતા માટે જિલ્લાને ત્રણ તાલુકાઓમાં વહેંચેલો છે. જિલ્લામાં નગરો અને ગામડાં આવેલાં છે. અહીંનાં મોટાભાગનાં ગામડાંઓમાં આવશ્યક જીવનજરૂરી ચીજવસ્તુઓ તેમજ અન્ય સેવાઓ ઉપલબ્ધ છે.

ગિરીશભાઈ પંડ્યા