કોડાઈકેનાલ : દક્ષિણ ભારતનું સુવિખ્યાત ગિરિમથક તથા પર્યટનસ્થળ. ભૌગોલિક સ્થાન : 10o 14′ ઉ.અ. અને 77o 29′ પૂ.રે.. તમિળનાડુ રાજ્યના મદુરાઈ જિલ્લામાં મદુરાઈથી 40 કિમી. અંતરે પાલની પર્વતમાળામાં સમુદ્રસપાટીથી 2,135 મીટર ઊંચાઈ પર તે આવેલું છે. કોડાઈકેનાલ રોડ રેલવે સ્ટેશનથી આ ગિરિમથક સુધી પહોંચવાનો 80 કિમી. જેટલો ડુંગરાળ મોટરવાહન માર્ગ અત્યંત રમણીય, વનશ્રીથી આચ્છાદિત, નીલગિરિ તથા ગુલાબની સુવાસથી ભરપૂર, સર્પાકાર માર્ગ છે. આ સ્થળ 1845માં ગિરિમથક તરીકે ભારતના બ્રિટિશ પ્રશાસકો તથા અમેરિકન ધર્મપ્રચારકો દ્વારા પસંદગી પામ્યું હતું. અમેરિકનોએ વિકસાવેલું આ એક માત્ર ગિરિમથક છે. ભારતમાં સૌથી વધુ સૂર્યપ્રકાશ મેળવનારું ગિરિમથક છે. તે પછી હવા ખાવાના સ્થળ ઉપરાંત પર્યટન કેન્દ્ર તરીકે તેનો ઝડપી વિકાસ થયો. ત્યાં 30 હેક્ટર વિસ્તારને આવરી લેતું સુંદર
સરોવર છે જેની આજુબાજુના 5 કિમી.નો રસ્તો પર્યટકો માટેનું મુખ્ય આકર્ષણ છે. આ સરોવરમાં પર્યટકો માટે નૌકાવિહારની સગવડ પણ છે. ઉપરાંત ત્યાંનાં આજુબાજુનાં આકર્ષણ-સ્થળોમાં કોકર્સવોક, કોડાઈલેક, પ્રૉસ્પેકટ, ડૉલ્ફિન્સ નોઝ, પિલર રૉક, પેરૂમલ શિખર, વબાડી શિખર તથા ગ્લેન, શોલા, ફેઅરી તથા સિલ્વર જળધોધ વિશેષ નોંધપાત્ર છે. આ ગિરિમથક હનીમૂન ડેસ્ટિનેશન તરીકે પણ ઓળખાય છે. આ ગિરિમથક પહાડોની રાણી, ધ સ્વીટર્ઝલેન્ડ ઓફ ઇસ્ટ વગેરે નામથી જાણીતું છે. 1899માં ત્યાં વેધશાળા સ્થાપવામાં આવી જ્યાં ખગોળશાસ્ત્રનું અધ્યયન તથા સંશોધન કરવામાં આવે છે. અહીં ભૂકંપશાસ્ત્ર માટેની સંશોધનસંસ્થા પણ છે. ફળ તથા શાકભાજીના વિતરણ કેન્દ્ર તરીકે પણ તે જાણીતું છે. ચટાઈ તથા દોરડાં બનાવવાનો, માટીકામનો તથા સૂતર કાંતવાનો ગૃહઉદ્યોગ છે. આ ગિરિમથકની વસ્તી 84,022 (2020) છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે