કોડાક : ઈસ્ટમૅન કોડાક કંપની (સ્થાપના : 1901) : કૅમેરા અને ફોટોગ્રાફીનાં સાધનો બનાવનાર કંપની. 1888માં આ કંપનીના સ્થાપક જ્યૉર્જ ઈસ્ટમૅને તેના ફિલ્મપટ્ટીવાળા બૉક્સ કૅમેરાને ‘કોડાક’ નામ આપ્યું. તે પછી સ્થપાયેલી કંપની ઈસ્ટમૅન કોડાક કંપની તરીકે વિખ્યાત બની.

જ્યૉર્જ ઈસ્ટમૅન

જાણીતા કોડાક કૅમેરાના પ્રથમ ઉત્પાદક જ્યૉર્જ ઈસ્ટમૅને 1880માં ફોટોગ્રાફ લેવા માટેની પ્લેટનો વિકાસ કરીને તે બનાવવાનો ધંધો સ્થાપ્યો (1884). તે વ્યવસાયને 1901માં અમેરિકાના રોચેસ્ટર, ન્યૂયૉર્ક રાજ્યમાં ‘ઈસ્ટમૅન કોડાક કંપની’ નામે તેણે મોટા પાયે શરૂ કર્યો. એ નામની બૅંક પણ સ્થાપી. 1888માં પ્રથમ કોડાક કૅમેરા બજારમાં આવ્યો. તેમાં 100 ફોટા પડાય તેવી કાગળની પટ્ટીરૂપી પ્લેટ હતી. 1889માં ઈસ્ટમૅને પારદર્શક ફિલ્મ બનાવી. આઠ વર્ષ બાદ ઈસ્ટમૅને બાળકો માટે એક ડૉલરના ભાવનો ‘બ્રાઉની’ કૅમેરા બજારમાં મૂક્યો. 1927થી ઈસ્ટમૅન કોડાકને સમગ્ર યુ. એસ. અમેરિકામાં ફોટોગ્રાફીના ધંધાનો જાણે ઇજારો મળી ગયો અને અમેરિકામાં તે કંપની ફોટોગ્રાફીના ક્ષેત્રમાં સૌથી મોટી ગણાવા લાગી. 1924માં ઈસ્ટમૅને પોતાની અર્ધી મિલકતનું દાન કર્યું. તેમણે કુલ 7,50,00,000 ડૉલર રોચેસ્ટરની યુનિવર્સિટીને અને મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીને દાનમાં આપ્યા. પોતાની કંપનીમાં નોકરી કરનારાઓને નફામાં ભાગ આપનાર ઈસ્ટમૅન પ્રથમ કંપની-માલિક હતા. પોતાનું જીવનકાર્ય પૂરું થયું એવું લાગતાં તેમણે જાતે જીવનનો અંત આણ્યો. કોડાકની અન્ય દેશોમાં પણ ઉત્પાદનશાખાઓ છે. યુનાઇટેડ કિંગ્ડમમાં ‘કોડાક લિમિટેડ’, ફ્રાન્સમાં ‘કોડાક-પાર્થ એસ. એ.’, જર્મનીમાં ‘કોડાક એજી’, ઑસ્ટ્રેલિયામાં ‘કોડાક પીટીવાય’ વગેરે. કોડાક કંપનીના કૅમેરા તથા ફોટોગ્રાફીનાં સાધનો દુનિયાભરનાં બજારોમાં વેચાય છે. જૂન 2005માં કોડાક કંપનીએ જાહેર કર્યું છે કે તે શ્વેત-શ્યામ કૅમેરાનું ઉત્પાદન હવેથી કરશે નહીં.

કૃષ્ણવદન જેટલી