કોટ્ઝી, જ્હૉન મૅક્સવેલ (જ. 9 ફેબ્રુઆરી 1940, કેપ ટાઉન, સાઉથ આફ્રિકા) : નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, અનુવાદક અને ભાષાશાસ્ત્રી. 2003ના સાહિત્ય માટેના નોબેલ પુરસ્કારથી વિભૂષિત. તેમના પર સેમ્યુઅલ બૅકેટ, ફૉર્ડ મેડૉક્સ ફૉર્ડ, ફ્યૉદૉર દૉસ્તૉયેવસ્કી, ડેનિયલ ડેફો, ફ્રાન્ક કાફ્કા અને ઝિગ્ન્યુ હર્બર્ટ જેવા સાહિત્યકારોની અસર સ્પષ્ટ વરતાય છે. પિતા વકીલ હતા. માતા શાળામાં શિક્ષિકા. તેમના પૂર્વજો ડચ વસાહતીઓ હતા. કોટ્ઝીના વડવાઓ પોલૅન્ડમાંથી આફ્રિકામાં આવેલા. તેમના દાદાના પિતા બાલ્ટાઝર (અથવા બલ્સર) ડુબિયલે પોલૅન્ડમાંથી સાઉથ આફ્રિકામાં પરદેશી વસાહતી તરીકે દેશાંતર કરેલું. શરૂઆતનાં વર્ષો કોટ્ઝીએ કેપ ટાઉનમાં અને વેસ્ટર્ન કેપ પ્રોવિન્સના વૉર્સેસ્ટરમાં વિતાવેલાં. ‘બૉયહૂડ’(1997)માં આ કાળનાં સંભારણાં તેમણે આપ્યાં છે. તેમણે સેંટ જૉસેફ કૉલેજમાં અને રોન્ડેલબૉશ્ચની એક કૅથલિક શાળામાં અભ્યાસ કરેલો. કેપ ટાઉન યુનિવર્સિટીમાંથી અંગ્રેજી અને ગણિતશાસ્ત્ર વિષયોમાં બી.એ. ઑનર્સની ઉપાધિઓ અનુક્રમે 1960 અને 1961માં મેળવેલી.
લંડનમાં આઈ.બી.એમ.માં કમ્પ્યૂટર-પ્રોગ્રામર તરીકે તેમની નિમણૂક થયેલી. યુસીટીમાંથી તેમણે 1963માં એમ.એ.ની ઉપાધિ મેળવેલી. ‘યૂથ’(2002)માં આ સમયના અનુભવો તેમણે ગ્રંથસ્થ કર્યા છે.
અમેરિકાની ઑસ્ટિનની ટૅક્સાસ યુનિવર્સિટીમાંથી કોટ્ઝીએ ભાષાશાસ્ત્રમાં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. આમાં સવિશેષ તેમણે સેમ્યુઅલ બૅકેટની શૈલીનું પૃથક્કરણ કરેલું. ત્યાર બાદ તેમણે સ્ટેટ યુનિવર્સિટી ઑવ્ ન્યૂયૉર્કમાં અંગ્રેજી ભાષા અને સાહિત્યના અધ્યાપક તરીકે કાર્ય કરેલું. તેમણે ગ્રીનકાર્ડ માટે યુનાઇટેડ કૉન્સ્યુલેટ જનરલ સમક્ષ માગણી કરેલી; પરંતુ વિયેતનામ વૉર વિરુદ્ધના તેમના વિચારોને લીધે તેમને યુ.એસ.ના કાયમી નિવાસી તરીકે નકારી કાઢવામાં આવ્યા હતા. એટલે તેઓ યુનિવર્સિટી ઑવ્ કેપ ટાઉન, આફ્રિકામાં અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે પરત આવ્યા. 2002માં તેઓ નિવૃત્ત થયા. કોટ્ઝી એડિલેડ ઑસ્ટ્રેલિયામાં ઑનરરી રિસર્ચ ફેલો તરીકે પસંદગી પામ્યા અને તેમણે અંગ્રેજી વિષયનું અધ્યાપન કર્યું છે. યુનિવર્સિટી ઑવ્ શિકાગોની ‘ધ કમિટી ઑન સોશિયલ થૉટ’માં તેમણે પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. તેમણે ડચ અને આફ્રિકન ભાષાઓમાંથી અનુવાદ પણ કર્યા છે.
6 માર્ચ 2006ના રોજ કોટ્ઝીને ઑસ્ટ્રેલિયન સરકારે નાગરિક તરીકે સ્વીકાર્યા છે. કોટ્ઝીને ઑસ્ટ્રેલિયાના લોકો, તે પ્રદેશનું પ્રાકૃતિક સૌંદર્ય અને એડિલેડ નગરની ગરિમા ખૂબ ગમે છે. ઑસ્ટ્રેલિયાને તેઓ પોતાના ઘર તરીકે ઓળખાવતાં ગૌરવની લાગણી અનુભવે છે.
કોટ્ઝીને એનાયત થયેલા બે બુકર પ્રાઇઝ લેવા તેઓ પોતે ઇંગ્લૅન્ડ ગયા નહોતા. આમાંનું એક પ્રાઇઝ તેમને ‘લાઇફ ઍન્ડ ટાઇમ્સ ઑવ્ માઇકલ કે’ માટે 1983માં અને બીજું બુકર પ્રાઇઝ ‘ડિસ્ગ્રેસ’ માટે 1999માં આપવાનું જાહેર થયેલું.
1963માં તેમના લગ્ન થયાં અને 1980માં લગ્નવિચ્છેદ. તેમને એક પુત્રી અને એક પુત્ર છે. જોકે 23 વર્ષના તેમના પુત્રનું એક અકસ્માતમાં અકાળે અવસાન થયેલું. ‘ધ માસ્ટર ઑવ્ પીટર્સબર્ગ’ નવલકથામાં આ બનાવનો નિર્દેશ છે.
રિયાન માલન નામના વિવેચક તો કોટ્ઝીને કોઈ ધર્મપુરુષ જેવા સ્વયંશિસ્તના માણસ તરીકે ઓળખાવે છે. કોટ્ઝીએ શરાબ ચાખ્યો નથી, ધૂમ્રપાન કર્યું નથી કે માંસાહાર પણ કર્યો નથી. લાંબાં અંતરો માટે પણ તેઓ બાઇસિકલનો ઉપયોગ કરે છે. દર સવારે એક કલાક અચૂક લખવામાં ગાળે છે. અઠવાડિયાના સાતેય દિવસ તેઓ કાર્ય કરે છે. તેમની સાથે લગભગ એક દશકાથી કામ કરનાર સહકાર્યકરે તેમને માત્ર એક વખત જ હસતા જોયા છે. ડિનર પાર્ટીમાં પણ તેઓ ભાગ્યે જ બોલે છે.
જોકે તેમની સહી કરેલી કૃતિઓની માગ તેમના પ્રશંસકો કરે છે. ઑક ટ્રી પ્રેસીસ ફર્સ્ટ ચૅપ્ટર સિરીઝની કેટલીક ચોપડીઓમાં તેઓ સહી કરે છે અને તેની આવક યાતના, મૃત્યુ કે ત્રાસ પામેલાં અને અનાથ બાળકોના લાભાર્થે દાન તરીકે અર્પણ કરી દે છે.
કોટ્ઝીએે અનેક ઍવૉર્ડ મેળવેલ છે. ‘વેઇટિંગ ફૉર ધ બાર્બેરિયન્સ’ માટે તેમને જેમ્સ ટેટ બ્લૅક મેમોરિયલ પ્રાઇઝ 1980માં એનાયત થયેલું. સીએનએ પ્રાઇઝના તેઓ ત્રણ વખત વિજેતા જાહેર થયા છે. ‘પ્રાઇઝ ઑવ્ આયર્ન’ ને સન્ડે એક્સપ્રેસ બુક ઑવ્ ધ યર ઍવૉર્ડ એનાયત કરવામાં આવેલો. ‘ધ માસ્ટર ઑવ્ પીટર્સબર્ગ’ને આઇરિશ ટાઇમ્સ ઇન્ટરનૅશનલ ફિક્શન પ્રાઇઝ 1995માં આપવામાં આવેલું. તેઓ ફ્રેન્ચ ફેમિના પ્રાઇઝ, ધ ફેબર મેમોરિયલ ઍવૉર્ડ, દ કૉમનવેલ્થ લિટરરી ઍવૉર્ડ અને 1987માં જેરૂસલેમ પ્રાઇઝ ફૉર લિટરેચર ઑન ફ્રીડ્ઝ ઑવ્ ધી ઇન્ડિવિડ્યુઅલ ઇન સોસાયટીના વિજેતા જાહેર થયા હતા.
2 ઑક્ટોબર 2003ના રોજ તેમને સાહિત્યનો નોબેલ પુરસ્કાર આપવાનું જાહેર થયું ત્યારે આફ્રિકામાં આ પ્રકારનો પુરસ્કાર મેળવનાર તેઓ ચોથા લેખક છે. નોબેલ પુરસ્કાર માટેનો ઉત્સવ 10 ડિસેમ્બર 2003ના રોજ સ્ટૉકહૉમમાં ઊજવાયેલો.
27 સપ્ટેમ્બર, 2005ના રોજ સાઉથ આફ્રિકન ગવર્નમેન્ટે તેમને ‘ઑર્ડર ઑવ્ માપુનગુબ્વે’ના ઇલકાબથી ગૌરવાન્વિત કરેલા. આ રીતે આફ્રિકન સરકારે પોતાની ભાષાના સાહિત્યને દુનિયાના સાહિત્યના નકશા ઉપર મૂકનાર પોતાના સાહિત્યકારનું બહુમાન કરેલું.
કોટ્ઝીએ લખેલાં નોંધપાત્ર પુસ્તકોમાં ‘ડસ્કલૅન્ડ્ઝ’ (1974), ‘ઇન ધ હાર્ટ ઑવ્ ધ કન્ટ્રી’ (1977), ‘વેઇટિંગ ફૉર ધ બાર્બેરિયન્સ’ (1980), ‘લાઇફ ઍન્ડ ટાઇમ્સ ઑવ્ માઇકલ કે’ (1983), ‘ફો’ (1986), ‘એજ ઑવ્ આયરન’ (1990), ‘ધ માસ્ટર ઑવ્ પીટર્સબર્ગ’ (1994), ‘ધ લાઇવ્ઝ ઑવ્ એનિમલ્સ’ (1999), ‘ડિસ્ગ્રેસ’ (1999), ‘એલિઝાબેથ કોસ્ટેલો’ (2003), ‘સ્લો મૅન’ (2005) અને ‘ડાયરી ઑવ્ એ બૅડ યર’(2007)નો સમાવેશ થાય છે.
‘વ્હાઇટ રાઇટિંગ : ઑન ધ કલ્ચર ઑવ્ લેટર્સ ઇન સાઉથ આફ્રિકા’ (1988), ‘ડબલિંગ ધ પૉઇન્ટ : એસેઝ ઍન્ડ ઇન્ટરવ્યૂઝ’ (1992), ‘ગિવિંગ ઑફેન્સ : એસેઝ ઑન સેન્સરશિપ’ (1996), ‘સ્ટ્રેન્જર શોર્સ : લિટરરી એસેઝ’ (1996–99 અને 2002), ‘ઇનર વર્કિંગ્ઝ : લિટરરી એસેઝ’ (2000–2005 અને 2007) વગેરે તેમના નવલકથા સિવાયના અન્ય ગદ્યગ્રંથો છે.
આ ઉપરાંત તેમણે અનુવાદનું કામ પણ કર્યું છે. ‘લૅન્ડસ્કેપ વિથ રૉવર્સ : પોયેટ્રી ફ્રૉમ ધ નેધરલૅન્ડ્ઝ ટ્રાન્સલેટેડ ઍન્ડ ઇન્ટ્રોડ્યૂસ્ડ બાય જે. એમ. કોટ્ઝી’ (2004), ‘ઇન્ટ્રોડક્શન ટુ રૉબિન્સન ક્રુઝો બાય ડેનિયલ ડેફો’, ‘ઇન્ટ્રોડક્શન ટુ બ્રાયટન રૉક બાય ગ્રેહામ ગ્રીન’, ‘ઇન્ટ્રોડક્શન ટુ ડેન્ગલિંગ મૅન બાય સૉલ બેલો’ વગેરે પુસ્તકો કાં તો અનુવાદ છે અથવા પુસ્તકોની પ્રસ્તાવનાઓ છે.
વિ. પ્ર. ત્રિવેદી