કોટા : રાજસ્થાનના અગ્નિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 25o 00′ ઉ.અ. અને 76o 30′ પૂ.રે.ની આજુબાજુનો 5481 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં સવાઈ માધોપુર, ટૉન્ક અને બુંદી જિલ્લા; પૂર્વ તરફ મધ્યપ્રદેશની સીમા અને બરન જિલ્લો; અગ્નિ તરફ ઝાલાવાડ; દક્ષિણ તરફ ઝાલાવાડ જિલ્લો અને મધ્યપ્રદેશની સીમા તથા પશ્ચિમ તરફ ભીલવાડા જિલ્લો આવેલા છે. જિલ્લામથક કોટા જિલ્લાના પશ્ચિમ ભાગમાં આવેલું છે.
ભૂપૃષ્ઠ–જળપરિવાહ–ખનિજસંપત્તિ–જંગલો : વિંધ્ય ટેકરીઓથી બનેલી મુકંદરા હારમાળા આ જિલ્લામાં આવેલી છે. ટેકરીઓ જિલ્લાના ઉત્તર અને દક્ષિણ ભાગમાં જોવા મળે છે. ભૂપૃષ્ઠનો ઢોળાવ દક્ષિણથી ઉત્તર તરફનો છે. ચંબલ અને તેની સહાયક નદીઓ – કાલી સિંધ, પાર્વતી અને અંધેરી – આ જિલ્લામાં થઈને વહે છે.
આ જિલ્લામાંથી બૉક્સાઇટ, રેતીખડક, ચૂનાખડક (કોટાસ્ટોન), કાચ-રેતી તેમજ થોડા પ્રમાણમાં લોહઅયસ્ક અને ગેરુ મળે છે. જિલ્લામાં ગીચ જંગલો પણ આવેલાં છે. જંગલપેદાશોમાં ઇમારતી તથા ઇંધન માટેનાં લાકડાં, ગુંદર, રાળ, મધ, મીણ તથા તેન્દુ પાંદડાંનો સમાવેશ થાય છે.
ખેતી–પશુપાલન : કોટા જિલ્લો રાજસ્થાનમાં હરિયાળો ગણાય છે. ખેતીની ર્દષ્ટિએ તે સમૃદ્ધ છે. અહીં જુવાર, અળસી, ઘઉં અને કઠોળના પાક લેવાય છે. નહેરો, સાદા કૂવા અને પાતાળકૂવાથી સિંચાઈ થાય છે.
ગાય, ભેંસ, ઘેટાં, ડુક્કર, ઊંટ, ઘોડા અને ટટ્ટુ અહીંનાં મુખ્ય પશુઓ છે. રાજ્યના જુદા જુદા ભાગોમાં પશુ-ચિકિત્સાલયો, કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો તથા ગૌશાળાની સગવડો પણ છે.
ઉદ્યોગ–વેપાર : જળપુરવઠો, રેલસુવિધા અને સસ્તી વીજળીને કારણે આ જિલ્લો દિલ્હી અને મુંબઈ સાથે જોડાયેલો છે; આ કારણે ઉદ્યોગો સારી રીતે વિકસ્યા છે. અહીં નાના ઉદ્યોગો, કારખાનાં તથા અન્ય સહાયક એકમો પણ ઊભાં થયાં છે. ધાન્ય, કઠોળ, તેલીબિયાં, કપાસ અને ચામડાંની અહીંથી નિકાસ થાય છે; જ્યારે મીઠું; રેસા, ચોખા, ખાંડ, ગોળ, લોખંડ તથા અન્ય ધાતુઓની આયાત થાય છે. કોટા, રામગંજ, મંડી અને સુમેરગંજ અહીંનાં મહત્વનાં વેપારી મથકો છે. વેપારની સુવિધા માટે અહીં રાષ્ટ્રીયકૃત તથા સહકારી બકો ઊભી કરવામાં આવેલી છે.
પરિવહન : કોટા શહેર રેલમાર્ગો દ્વારા જયપુર, સવાઈ માધોપુર, ભરતપુર, આગ્રા, દિલ્હી અને મુંબઈ સાથે સંકળાયેલું છે. રાજ્યમાર્ગો દ્વારા તે દિલ્હી, જયપુર અને ઉદયપુર સાથે જોડાયેલું છે. બધાં જ તાલુકામથકો જિલ્લામથક તેમજ વેપારીમથકો સાથે માર્ગોથી સંકળાયેલાં રહે છે. રાજ્ય પરિવહનની બસોની સુવિધા મળી રહે છે.
પ્રવાસન : જિલ્લામાં દારાહ ગેમ્સ સેંક્યુરી, ઇન્દરગઢ અને કોટા જોવાલાયક સ્થળો છે. વારતહેવારે જુદી જુદી જગાએ મેળા ભરાય છે તથા કેટલાક ઉત્સવો પણ યોજાય છે.
વસ્તી : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી આશરે 24.64 લાખ (2024) જ્યારે શહેરની વસ્તી આશરે 14,22,000 (2024) જેટલી છે. સ્ત્રી-પુરુષોની સંખ્યા લગભગ સરખી છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ 70-30% મુજબનું છે. જિલ્લામાં હિન્દુ, મુસ્લિમ અને શીખ લોકોની સંખ્યા વધુ છે; જ્યારે ખ્રિસ્તી, બૌદ્ધ અને જૈનોની સંખ્યા ઓછી છે. જિલ્લામાં હિન્દી, રાજસ્થાની, સિંધી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ 50% જેટલું છે. શાળાઓનું પ્રમાણ મધ્યમસરનું છે. કોટા ખાતે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓવું પ્રમાણ અધિક છે. વહીવટી સરળતા માટે જિલ્લાને પાંચ તાલુકાઓ અને પાંચ સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં નગરો અને ગામડાં આવેલાં છે.
હેમન્તકુમાર શાહ
ગિરીશભાઈ પંડ્યા