કોટવાળ, અરદેશર (જ. 29 જૂન 1797; અ. 1856) : સૂરત શહેરના રક્ષક અને પ્રજાસેવક. પિતા ધનજી શાહ બરજોરજી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પોલિટિકલ એજન્ટ. તે વ્યાયામના શોખીન, બહાદુર અને સાહસિક હતા. ત્રેવીસ વરસની ઉંમરે તેમણે સૂરતની અદાલતના કારકુન તરીકે નોકરીનો આરંભ કર્યો. થોડા માસ પછી પરાના કોટવાળ અને બીજે જ વરસે સૂરત શહેરના કોટવાળ તરીકે તેમની નિમણૂક થઈ. સિપાઈઓ સાથે આખી રાત રોન ફરી ચોર-લૂંટારાને તેમણે જેર કર્યા હતા. ગરીબ માણસો લૂંટફાટ ન કરે તે માટે તેમણે પોતાના ખર્ચે ખીચડીનાં રસોડાં શરૂ કરાવ્યાં હતાં. જેલ-સુધારણાનો પ્રારંભ તેમણે કરેલો અને છૂપી પોલીસનું તંત્ર પણ ઊભું કર્યું હતું. કોટવાળ તરીકે 35 વર્ષ સુધી તેમણે સૂરતની સેવા કરી હતી. 1822ની રેલ વખતે અને 1837ની મોટી આગ વેળા તેમણે લોકોને બચાવવાની કામગીરી કરી હતી. પ્રજા સમય જાણી શકે તે માટે બપોરે બાર વાગ્યે તોપ ફોડવાની તેમણે વ્યવસ્થા કરી હતી. 1838માં જાફરઅલીખાનના સહકારથી વલંદાવાડમાં શહેરનું પહેલું પુસ્તકાલય શરૂ કરાવ્યું હતું. તે નેટિવ એજન્ટ સદર અમીન અને છેવટે મુખ્ય અમીન બન્યા હતા. સુધરાઈના તે ઉપપ્રમુખ પણ હતા. 1826ના દરબારમાં સૂરતના કલેક્ટરે સરકાર તરફથી તેમને ભેટ આપી હતી. 1829માં સરકારે ‘બહાદુર’નો ખિતાબ આપવા દરબાર ભરી, ચાર ગામ અને તરવારની નવાજેશ કરી તેમનું સન્માન કર્યું હતું. નિવૃત્તિકાળ દરમિયાન 1848ની આગમાં અને 1849ની રેલમાં બેજનજી કોટવાળની સાથે રહી સેવા કરી હતી.

સ્વામિનારાયણ પંથના સ્થાપક સહજાનંદ સ્વામીના પરિચય બાદ ધર્મના પ્રચાર માટે કરેલા કાર્ય બદલ સહજાનંદ સ્વામીએ તેમને પાઘડી ભેટ આપી હતી. દર ભાઈબીજે આ પાઘડીનાં દર્શન કરાવાય છે. સૂરત સુધરાઈએ એક રસ્તા સાથે તેમનું નામ જોડીને અરદેશર કોટવાળની કદર કરી છે.

શિવપ્રસાદ રાજગોર