કોકોસ : વર્ગ એકદલા, કુળ એરિકેસીની એક પ્રજાતિ. આ પ્રજાતિમાં C. nucifera, Linn ઉપરાંત 30 જેટલી જાતિઓનો સમાવેશ પહેલાં કરવામાં આવ્યો હતો; જે મધ્ય અને દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે. પરંતુ હવે, આ પ્રજાતિ ફક્ત એક જ જાતિ C. nucifera જ ધરાવે છે. બાકીની જાતિઓ કેટલીક નવી પ્રજાતિઓ Arecastrum, Butia અને Syagrusમાં સમાવવામાં આવી છે.

કોકોસ

ગુ. નારિયેળી, સં. नारिकेल, હિં. नारियल, અં. coconut. C. nucifera. ઉષ્ણ પ્રદેશનો એક અત્યંત મહત્વનો પાક છે. તેનું પ્રકાંડ પાતળું, ઢળતું અને ગોળ હોય છે અને ફૂલેલા તલસ્થ ભાગેથી 25 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. પ્રકાંડના અગ્રભાગે સુંદર મોટો પીંછા જેવો પર્ણમુકુટ જોવા મળે છે. તેમાં પાંચમા વર્ષેથી પુષ્પનિર્માણની ક્રિયાનો પ્રારંભ થાય છે. ફળ પાકવાને એક વર્ષ લાગે છે. પ્રત્યેક વૃક્ષ પર 100 જેટલાં ફળો ઉત્પન્ન થાય છે, પરંતુ 50નો બેસારો ઉત્તમ ગણાય છે. પરિપક્વ ફળો અંડાકાર કે દીર્ઘ લંબગોળ હોય છે અને 30થી 45 સેમી.ની લંબાઈ અને 15થી 20 સેમી.નો વ્યાસ ધરાવે છે. તે જાડું, સુવિકસિત રેસામય મધ્યફલાવરણ ધરાવે છે. અંત:ફલાવરણ કાષ્ઠમય હોય છે અને તે એક મોટું બીજ ધરાવે છે, જેમાં આવેલ ભ્રૂણપોષ પ્રવાહીવાળું તેમજ કોષીય હોય છે અને પુષ્કળ જથ્થામાં હોય છે. તેનો ભ્રૂણ નાનો હોય છે.

તેનો ઉદભવ ઇન્ડો-મલાયાની આસપાસ થયેલ છે. યુરોપિયનોમાં માર્કો પોલોએ તેનું સર્વપ્રથમ વર્ણન કર્યું છે.

તે દરિયાની નજીકના નીચાણવાળા પ્રદેશમાં પાણીથી થોડાક સેમી. ઊંચે, જ્યાં વહેતું ભૂમિ-જલ (ground water) હોય ત્યાં અને પુષ્કળ વરસાદ પડતો હોય ત્યાં સૌથી વધારે પ્રમાણમાં ઊગે છે. તેનું વાવેતર છોતરાં વિનાના પાકા ફળને માટી વડે ઢાંકીને કરવામાં આવે છે. 4થી 10 માસના બીજાંકુરને ખેતરમાં 8થી 10 મીટરના અંતરે વાવવામાં આવે છે. તે 5થી 6 વર્ષમાં ફળ આપે છે, તે 15 વર્ષમાં વધારે ઉત્પાદન આપે છે અને 50 વર્ષ સુધી લાભદાયી ઉત્પાદન આપે છે.

નારિયેળીમાંથી કોપરું મેળવવામાં આવે છે જેમાંથી કોપરેલ પ્રાપ્ત થાય છે. લીલા નારિયેળનું પાણી પીણા તરીકે વપરાય છે. ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને પૅસિફિક મહાસાગરના દક્ષિણ-પૂર્વ કિનારાના દેશો કોપરાના ઉત્પાદનમાં અગ્રગણ્ય છે. વિશ્વબજારમાં 1960ના દશકામાં પ્રતિવર્ષ 4,40,000 ટન કોપરેલ આવતું હતું. કોપરેલ સાબુ, શૅમ્પૂ, ડિટરજન્ટ, ખાદ્યતેલ, માર્ગરીન, કૃત્રિમ રબર, ગ્લિસરીન, હાઇડ્રોલિક-બ્રેકફ્લ્યુઇડ વગેરે બનાવવામાં ઉપયોગી છે. કોપરાનું ખાણ પશુના ખોરાક માટે અને ખાતર બનાવવામાં ઉપયોગી છે.

નારિયેળીમાંથી બનાવાયેલ તાડી તાજું ઉત્સેચન પામેલું કે નિસ્યંદિત પીણું છે, જે વિકસતા પુષ્પદંડને કાપતાં સ્રવતો રસ છે. તાડી શર્કરા અને આલ્કોહૉલ માટેનો સ્રોત છે. પામ-કોબીજ તરુણ અગ્રકલિકા છે જેનો કચુંબર બનાવવામાં ઉપયોગ થાય છે.

નારિયેળને કલ્પતરુ સાથે સરખાવવામાં આવે છે કારણ કે તેના બધા જ ભાગો આર્થિક ર્દષ્ટિએ અગત્યના છે. ખોરાકી પદાર્થ અને તેલ માટે તો તે જાણીતું છે જ. તેના પ્રકાંડમાંથી પાણીવહન માટેની નીક, તરાપા અને સુશોભિત વસ્તુઓ બનાવાય છે. તેના પ્રકાંડને ટાપુ પર વસતા લોકો ઝૂંપડી બનાવવામાં વાપરે છે. કૅબિનેટ-વુડ તરીકે તેની નિકાસ કરવામાં આવે છે. તેના રેસા ક્ષારયુક્ત પાણી માટે અવરોધક હોવાથી તે કાથી, દોરડાં, ટોપલા, બ્રશ વગેરે માટે ઉપયોગી છે. પગલુછણિયાં, કાર્પેટ, ગાદી જેવી વસ્તુઓ પણ કાથીમાંથી બનાવાય છે. ‘coir-board’ સંસ્થા, રેસા(coir)માંથી વિવિધ વસ્તુઓ બનાવીને તેની વિતરણ વ્યવસ્થા સંભાળે છે. પાંદડાં ઝૂંપડી બાંધવામાં અને ખાસ કરીને છાપરાં બાંધવામાં અત્યંત ઉપયોગી છે. બ્રશ અને સાવરણી પણ તેમાંથી બનાવાય છે.

બળદેવભાઈ પટેલ

મીનુ પરબિયા

દીનાઝ પરબિયા