કોકસ ટાપુઓ : ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે હિંદી મહાસાગરમાં ઑસ્ટ્રેલિયાના પર્થ શહેરથી વાયવ્યે 2768 કિમી. દૂર આવેલો દ્વીપસમૂહ. 12o 05′ દ. અ. અને 96o 53′ પૂ.રે. આબોહવા 20o સે. શિયાળામાં અને 31o સે. ઉનાળામાં રહે છે. તેનું બીજું નામ કી-લિંગ છે. પરવાળાના આ 27 ટાપુઓનું ક્ષેત્રફળ 14.2 ચોકિમી. છે. આ ટાપુઓ પૈકી વેસ્ટ આઇલૅન્ડ અને હોમ આઇલૅન્ડમાં 1986માં 616 માણસોની વસ્તી હતી. શરૂઆતમાં ઍલેક્ઝાંડર હેર સાથે 1826માં આવેલા મલયુ મજૂરોના આ વંશજો છે.
વિષુવવૃત્ત નજીક આવેલા આ ટાપુઓ ઉપર નારિયેળનાં ગીચ ઝુંડ ઉપરાંત કેળાં, પપૈયાં, શાકભાજી વગેરે ઉગાડાય છે. સ્થાનિક મત્સ્ય ઉદ્યોગ ઉપરાંત હોડી બાંધવાનું તથા સઢ વણવાનું કામ આ લોકો કરે છે. અનાજ, બળતણ તથા વપરાશી વસ્તુઓની આયાત થાય છે.
તેની શોધ 1609માં થઈ. 1857માં બ્રિટિશ માલિકીના બન્યા બાદ આ ટાપુઓ જ્હૉન ક્લુનીઝ રોસને કાયમ માટે બક્ષિસ આપ્યા. 1878માં સિલોન ગવર્નરના હસ્તક અને 1886 સુધી સ્ટેટસ-સેટલમેંટ (મલયેશિયા) હસ્તક રહ્યા. 1955થી તે ઑસ્ટ્રેલિયાની દેખરેખ નીચે મુકાયા. 1984થી લોકમત લેવાતાં તે ઑસ્ટ્રેલિયાનો અંતર્ગત ભાગ બન્યા છે. બંને ટાપુઓમાં પ્રાથમિક શાળાઓ છે. 16 વરસ સુધીનું માધ્યમિક શિક્ષણ વેસ્ટ ટાપુમાં અપાય છે. વધુ અભ્યાસ માટે ઑસ્ટ્રેલિયા શિષ્યવૃત્તિ આપે છે.
પાંચમી સદીમાં પ્રાકૃતમાં લખાયેલ ‘વસુદેવહિંડી’માં કોકસ નામનો ભારતનિવાસી આ ટાપુમાં આવ્યો હતો તેવો ઉલ્લેખ છે જેના ઉપરથી આ નામ પડ્યું હોય તેમ લાગે છે. અહીંની વસ્તી આશરે 544 (2021) જેટલી છે.
શિવપ્રસાદ રાજગોર