કોકરાઝાર : આસામ રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25o 28′ થી 26o 54′ ઉ. અ. અને 89o 42′ થી 90o 06′ પૂ.રે.ની વચ્ચેનો 3129 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે આસામ રાજ્યના છેક છેડાના નૈર્ઋત્ય ભાગમાં આવેલો છે. તેની ઉત્તરે ભુતાનનો પહાડી પ્રદેશ, પૂર્વમાં બોંગાઈગાંવ જિલ્લો, દક્ષિણે ધુબરી જિલ્લો, તથા પશ્ચિમ તરફ પશ્ચિમ બંગાળના રાજ્યની સીમા આવેલાં છે. જિલ્લામથક કોકરાઝાર જિલ્લાના દક્ષિણ ભાગમાં આવેલું છે.

કોકરાઝાર

ભૂપૃષ્ઠ : જિલ્લાના ભૂપૃષ્ઠનો મોટોભાગ સમતળ મેદાનોથી બનેલો છે. તે જંગલોથી છવાયેલો છે. કોકરાઝારથી 35 કિમી.ને અંતરે ભુતાનની તળેટીની ટેકરીઓના બહારના ભાગમાં સિખનાજહાર નામનું અનામત જંગલ બિસમુરીથી સોરબ્રાંગ સુધી પથરાયેલું છે.

જળપરિવાહ : સિખનાજહારની આરપારથી પસાર થતી નદી જંગલના મધ્યભાગમાં આવ્યા પછી ઊલટી દિશામાં વહે છે, તેથી તેને ‘ઊલટાપાની’ નામ અપાયેલું છે. મદાતી નામની બીજી એક નદીને કાંઠે ગોસાઈગાંવ નામનું ઉપવિભાગીય નગર આવેલું છે. જિલ્લાના વાયવ્ય છેડા પર જમદ્વાર નામનું પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું સ્થળ આવેલું છે. અહીંથી ભુતાનની ટેકરીઓની રમણીયતા માણી શકાય છે. સંકોશ નદી અહીં વહે છે.

ખેતી : આ જિલ્લામાં વર્ષમાં ત્રણ વાર (શિયાળુ, ઉનાળુ, ચોમાસુ) ડાંગરનો પાક લેવાય છે. આ ઉપરાંત અહીં મકાઈ, ઘઉં, બાજરી, કઠોળ, તેલીબિયાં તેમજ અન્ય ધાન્યપાકોની ખેતી પણ થાય છે. અહીં મોટાભાગની ખેતી સિંચાઈની મદદથી થાય છે.

પશુપાલન : જિલ્લામાં ગાય, બળદ, ભેંસ, ઘેટાં, બકરાં, ઘોડાં, ટટ્ટુ, ભુંડ, મરઘાં-બતકાંનો ઉછેર થાય છે. પશુઓની સંભાળ માટે પશુદવાખાનાં તથા ચિકિત્સાલયોની સગવડ છે. મત્સ્યપાલન પણ થાય છે. રેશમના કીડાઓનો ઉછેર પણ અહીં એક અગત્યના વ્યવસાય તરીકે વિકસેલો છે.

ઉદ્યોગ : આ જિલ્લામાં ખાદ્ય પેદાશો, તમાકુની પેદાશો, ઊન, રેશમ અને કૃત્રિમ રેસા, લાકડાં અને તેની પેદાશો, રબર, પ્લાસ્ટિક, પેટ્રોલિયમ અને કોલસાની પેદાશો, અધાત્વિક ખનિજપેદાશો, ધાતુ તથા મિશ્રધાતુઓના નાના-મોટા ઉદ્યોગો કાર્યરત છે. આશરે 500 જેટલા નાના પાયાના ઉદ્યોગો પણ અહીં વિકસેલા છે, તે પૈકી હાથસાળના વણાટ મથકો તેમજ તાલીમી કેન્દ્રો મુખ્ય છે.

વેપાર : જિલ્લાનો ઉત્તરભાગ જંગલ-આચ્છાદિત છે, તેથી તે લાકડાના વેપારનું મુખ્ય મથક બની રહેલો છે. અહીંથી લાકડાં, શણ અને તેલીબિયાંની નિકાસ થાય છે. રેલપાટા હેઠળના લાકડાના પાટડા અહીં તૈયાર થાય છે. ગોસાઈગાંવ નગર આ જિલ્લાનું મુખ્ય વેપારી મથક છે. આજુબાજુના પ્રદેશમાં થતી ડાંગરનું તે મુખ્ય બજાર છે, ત્યાં ચોખાની મિલો પણ આવેલી છે. આસામનું ફકીરાગ્રામ જિલ્લાની લાકડાની પેદાશોનું તેમજ લાકડાનું પીઠું ધરાવે છે.

પરિવહન : કોકરાઝાર જિલ્લામથક હોવાથી તે રેલમથક અને રસ્તાઓનું જંકશન છે. ગોસાઈગાંવ અને ફકીરાગ્રામ બીજાં મહત્વનાં રેલમથકો છે. જિલ્લામાં કુલ 1017 કિમી.ના સડકમાર્ગો પથરાયેલા છે, તે પૈકી 300 કિમી.ના રસ્તા પાકા છે.

પ્રવાસન : સિખનાજહર અને જમદ્વાર નામનાં બે સ્થળો અહીંનાં મુખ્ય પ્રવાસસ્થળો ગણાય છે. સિખનાજહર એ વન્યજીવન સૃષ્ટિ માટેનું અનામત જંગલ છે. ઊલટાપાની નદી પરનું સિખના થાનસિલ નામનું મંદિર એ અત્યંત રમણીય સ્થળ છે, જ્યાં યાત્રાળુઓ તથા સહેલાણીઓની વિશેષ અવરજવર રહે છે. જમદ્વાર ખાતે સંકોશ નદી વહે છે તથા ભુતાનની તળેટીની ટેકરીઓનું પ્રાકૃતિક સૌન્દર્ય માણવા ઘણા પ્રવાસીઓ આવે છે.

બોડો જાતિના લોકો અહીં જમદ્વારમાં વસે છે. તેઓ રંગબેરંગી પોશાક પહેરે છે તથા નૃત્ય-સંગીતના ખૂબ જ શોખીન હોય છે. અહીંના લોકો ખેરાઈ પૂજાનો ઉત્સવ ઉમંગભેર ઊજવે છે.

વસ્તી : જિલ્લાની કુલ વસ્તી 9,73,856 (2021) જેટલી છે, તે પૈકી સ્ત્રી-પુરુષોની સંખ્યા અંદાજે અનુક્રમે 51% અને 49% જેટલી છે. અહીં 90% વસ્તી ગ્રામીણ અને 10% વસ્તી શહેરી છે. લોકો મુખ્યત્વે આસામી ભાષાનો ઉપયોગ કરે છે. વસ્તીનો મોટોભાગ હિન્દુ-મુસ્લિમોથી બનેલો છે. બૌદ્ધ, જૈન, શીખ ધર્મના લોકોની વસ્તી ઓછી છે. જિલ્લામાં શિક્ષિત લોકોની સંખ્યા અંદાજે 40% જેટલી છે. 90% ગામડાંઓમાં શાળાઓની સગવડ છે. જિલ્લામાં 7 જેટલી ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ આવેલી છે. વહીવટી સરળતા માટે જિલ્લાને બે ઉપવિભાગો(કોકરાઝાર અને ગોસાઈગાંવ)માં તથા પાંચ મંડળોમાં વહેંચેલો છે. અહીં પાંચ વિકાસ-ઘટકો છે. આ જિલ્લામાં ત્રણ શહેરો તેમજ 929 જેટલાં ગામ આવેલાં છે.

ગિરીશભાઈ પંડ્યા