કોકમ : દ્વિદળી વર્ગમાં આવેલા ગટ્ટીફેરી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Garcinia indica Choisy (સં. રક્તપૂરકા, વૃક્ષામ્લ; હિં. વિષાબિલ, મહાદા, કોકમ; મ. અમસુલ; ગુ. કોકમ; ક. તિતિડીક, સોલે, મશ્બિન, હુડીમશ; બં. મહાદા; મલા. પૂતપુળી; અં. કોકમ બટર ટ્રી મેંગોસ્ટીન ઑઇલ ટ્રી) છે. આ ઉપરાંત G. cambogia Desr. અને G. morella Desr. (ઇંડિયન ગૅમ્બૂઝ ટ્રી)ની જાતિઓમાંથી પણ મીઠાં ફળ અને ખાવાના ઉપયોગમાં લઈ શકાય તેવી ચરબી (કોકમ) ઉત્પન્ન થાય છે.

કોકમ (G. indica) નાજુક ઘટાદાર સદાહરિત વૃક્ષ છે અને ઢળતી શાખાઓ ધરાવે છે. તે દેખાવમાં આંબા કે દેશી આસોપાલવ જેવાં હોય છે અને નર અને માદા વૃક્ષો જુદાં જુદાં હોય છે. પર્ણો સાદાં, સંમુખ, અંડાકાર કે લંબચોરસ-ભાલાકાર, 6.25 સેમી. -8.75 સેમી. લાંબાં અને 2.5 સેમી. -3.5 સેમી. પહોળાં, ઉપરની સપાટીએથી ઘેરાં લીલાં અને નીચેની સપાટીએથી આછા લીલા રંગનાં હોય છે. નર પુષ્પો અગ્રીમ કે કક્ષીય, 4-8 ગુચ્છમાં ગોઠવાયેલાં હોય છે. માદા પુષ્પો એકાકી હોય છે. ફળ અનષ્ઠિલ અને ગોળાકાર હોય છે તથા 2.5 સેમી.થી 3.5 સેમી. વ્યાસ ધરાવે છે. તે પાકે ત્યારે 5-8 બીજવાળાં હોય છે. તેના ફળને રાતાંબા કહે છે. તે પશ્ચિમ ઘાટનાં ઉષ્ણકટિબંધીય વર્ષાજંગલોમાં કોંકણથી શરૂ કરી દક્ષિણમાં મૈસૂર, કૂર્ગ અને વાયનાડ સુધી થાય છે. તે મહારાષ્ટ્રની દક્ષિણે આવેલા જિલ્લાઓમાં પણ ઘણી વાર વાવવામાં આવે છે. તે નીલગિરિના નીચેના ઢોળાવો પર સારી રીતે થાય છે. તેનું પુષ્પનિર્માણ નવેમ્બર-ફેબ્રુઆરી દરમિયાન થાય છે અને ફળ એપ્રિલ-મેમાં પાકે છે.

પ્રસર્જન બીજ દ્વારા થાય છે. વાવેતર માટે બીજમાંથી રોપ તૈયાર કરી 15 મી. × 15 મી.ના અંતરે વાવી શકાય છે. સામાન્ય રીતે શિયાળાની ઋતુ દરમિયાન 15 દિવસના અંતરે અને ઉનાળામાં 10 દિવસના અંતરે ખામણા દ્વારા પાણી આપવામાં આવે છે. પાંચથી સાત વર્ષ પછી ફળ આવવાની શરૂઆત થાય છે. દસથી ચાલીસ વર્ષનો ગાળો ફળના ઉત્પાદન માટે શ્રેષ્ઠ ગણાય છે. એક વૃક્ષ પરથી વર્ષે લગભગ 50થી 60 કિગ્રા. ફળ ઉતારી શકાય છે. વૃક્ષ ઘટાદાર હોવાથી તેનું વાડમાં પણ વાવેતર કરવામાં આવે છે.

કોકમનાં ફળ ગોળ અને ઘેરા લાલ રંગનાં હોય છે. તે વિશિષ્ટ સુવાસ અને ખાટો મધુરો સ્વાદ ધરાવે છે. આથી કોંકણ પ્રદેશમાં તેની બહારની છાલની સુકવણી કરીને અને ગરના રસમાં વારંવાર ડુબાડીને સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે છે. કોકમ અને કોકમનાં ફૂલ દાળ-શાક અને અન્ય વાનગીઓને સ્વાદિષ્ટ કરવા વાપરવામાં આવે છે. કોકમમાં આશરે 10 % જેટલો મૅલિક ઍસિડ અને અલ્પ પ્રમાણમાં ટાર્ટરિક કે સાઇટ્રિક ઍસિડ હોય છે. ઉનાળામાં તેનો ઠંડાં શરબત બનાવવામાં ઉપયોગ થાય છે. કોકમની ભારતમાંથી ઝાંઝીબારમાં નિકાસ થાય છે.

કોકમનું ફળ કૃમિધ્ન (anthelmintic) અને હૃદ-બલ્ય (cardiotonic) છે અને મસા, મરડો, અર્બુદ (tumours) અને હૃદયની ફરિયાદોમાં ઉપયોગી છે. ફળનો રસ પૈત્તિક (bilious) રોગોમાં આપવામાં આવે છે. મૂળ સ્તંભક (astringent) ગુણધર્મ ધરાવે છે.

બીજના વજનના 23 % – 26 % મીંજ(kernal)ના વજનના આશરે 44 % જેટલું કોકમનું ખાદ્ય તેલ (જે માખણ અથવા ઘી પણ કહેવાય છે) મેળવવામાં આવે છે. મીંજને કચરીને કે પાણીમાં ગરને ઉકાળીને ઉપરથી તેલને નિતારી લેવામાં આવે છે.

તેલના કેટલાક ગુણધર્મો આ પ્રમાણે છે : વિશિષ્ટ પ્રકાશિક ધૂર્ણન (n40°D), 1.4565-1.4575; સાબુકરણ-આંક (sap. ral.) 187-191.7; આયોડિન-આંક (iod. val.), 25-36; અસાબુકરણ-દ્રવ્ય (ansapon. matter) 2.3 %; ગલનબિંદુ (m.p.) 40o સે. – 43o સે. અનુમાપાંક (titre), 60o સે. કોકમનું તેલ અને G. morellaના તેલના ગુણધર્મો અને બંધારણ સારણીમાં આપવામાં આવેલ છે.

સારણી : કોકમ અને G. morellaના તેલના ગુણધર્મો અને બંધારણ

        ગુણધર્મો કોકમનું તેલ G. morellaનું તેલ
ગલનબિંદુ

સાબુકરણ-આંક

આયોડિન-આંક

અસાબુકરણ-દ્રવ્ય (%)

મુક્ત ફૅટી ઍસિડ (%

ઑલિક ઍસિડ તરીકે)

ઘટક ફૅટી ઍસિડ

(%, વજનમાં)

પાયિટિક

સ્ટિયરિક

ઍરેચિડિક

ઑલિક

લિનોલિક

ઘટક ગ્લિસરાઇડ

(%)

ટ્રાઇસ્ટિયરિન

ઓલિયોડાઇસ્ટિયરિન

ઓલિયો પામિટોસ્ટિયરિન

સ્ટિયરોડાઇઑલિન

પામિટોડાઇઓલિન

ટ્રાઇઓલિન

39.5-40o સે.

299.5

37.4

1.4

7.2

 

 

 

2.5

56.4

39.4

1.7

 

 

1.5

68

8

20

0.5

2

32.5-33.0o સે.

287.6

40.3

0.9

7.4

 

 

 

0.7

46.4

2.5

49.5

0.9

 

 

2.0

46

47

4

1

કોકમનું ઘી આછા ભૂખરા કે પીળા રંગના અંડાકાર ગઠ્ઠા આકારે કે ગોળાકાર-સ્વરૂપે બજારમાં વેચાય છે. તેનો ખાદ્ય ઘી તરીકે અને ઘીના અપમિશ્રક તરીકે પણ ઉપયોગ થાય છે. પરિષ્કૃત અને સુંગંધ વિનાનું તેલ સફેદ હોય છે અને હાઇડ્રોજનીકૃત (hydrogenated) તેલ સાથે તેની તુલના થાય છે.

કોકમનું ઘી, અન્ય ગાર્સિનિયા તેલની જેમ સંયોજિત સ્ટિયરિક અને ઓલિક ઍસિડ પુષ્કળ પ્રમાણમાં ધરાવે છે. તે લગભગ 75 % જેટલા મૉનો-ઓલિયોડાઇસેચ્યુરેટેડ ગ્લિસરાઇડો ધરાવે છે. તેનું ગલનબિંદુ નીચું હોય છે અને તે કઠણ અને બરડ હોય છે. તેનો મીઠાઈમાં ઘી તરીકે ઉપયોગ કરી શકાય છે. જોકે તેનું ઘનીભવન થતાં સપાટી ખરબચડી બનતી હોવાથી આ ત્રુટી સુધારવા બીજું તેલ ઉમેરવું જરૂરી બને છે. તે મીણબત્તીઓ અને સાબુ બનાવવામાં ઉપયોગી છે. કોકમના ઘીમાંથી સ્ટિયરિક ઍસિડ(45.7 %)નું ઉત્પાદન કરી શકાય છે. તે અજકર્ણ(vateria indica)માંથી બનાવાતી ચરબીના જેવા ગુણધર્મો ધરાવે છે; અને સુતરાઉ કાપડમાં છિદ્રપૂરક દ્રવ્ય (sizing material) તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.

આકૃતિ 1 : ધરાંબે(G. cambogia)ની પુષ્પીય શાખા

કોકમનું ઘી પોષક, શામક (demulcent) અને સ્તંભક (astringent) ગુણધર્મો ધરાવે છે. તે મલમો અને દવાની પિંડલીઓ(suppositories) બનાવવા અને અન્ય ઔષધીય હેતુઓ માટે ઉપયોગમાં લેવાય છે. તે ચાંદાં, હોઠ અને હાથ પર પડતા ચીરાઓ પર લગાડવામાં આવે છે. ઘીના નિષ્કર્ષણ પછી વધતો અવશેષ ખાતર તરીકે ઉપયોગી છે. કોકમ આમલી કરતાં પથ્યકારક છે.

આયુર્વેદ અનુસાર, તેનાં કાચાં ફળ તૂરાં, રુચિકારક, ખાટાં, ઉષ્ણ, અગ્નિદીપક, પિત્તકર, ગુરુ, કફકર અને તીખાં હોય છે. તે વાતોદર, વ્રણ, વાયુ અને અતિસારનો નાશ કરે છે. કોકમનાં પાકાં ફળો મધુર, રુચ્ય, ગ્રાહક, તીખાં, લઘુ, ઉષ્ણ, ખાટાં, તૂરાં, રુક્ષ અને અગ્નિદીપક હોય છે. તે કફ, વાયુ, તરસ, આમાતિસાર, સંગ્રહણી, આમવાત, રક્તદોષ, પિત્ત, અર્શ, શૂળ, ગુલ્મ, વ્રણ, કૃમિ, હૃદયરોગ અને વાતોદરનો નાશ કરે છે. કોકમના વૃક્ષના ગુણધર્મો પણ ઉપર દર્શાવ્યા મુજબ છે.

ઉપયોગો : હાડ દુખતું હોય તો કોકમના વૃક્ષનાં પર્ણો વાટી ગરમ કરી તેનો પાટો બાંધવામાં આવે છે. રક્તયુક્ત મરડા ઉપર તેની કૂંપળો કેળનાં સૂકાં પર્ણોમાં વીંટાળી અંગારામાં શેકી, બારીક વાટી, તેની ગોળી કરી, ગાયના તાજા દૂધમાં મેળવી, તે દૂધ ખૂબ ઝડપથી પિવડાવાય છે; અથવા કોકમનું ઘી ગરમ કરી તે ઠરી જાય તે પહેલાં પ્રત્યેક વખતે 20-22 ગ્રા. પિવડાવવામાં આવે છે. શીતપિત્ત ઉપર કોકમના 125 મિલી. પાણીમાં જીરું અને ખાંડ નાખી પિવડાવવામાં આવે છે. અમ્લપિત્ત અને પિત્તરોગ ઉપર કોકમ, એલચી અને સાકરની ચટણી આપવામાં આવે છે. હાથ અને પગના તળિયે દાહ થતો હોય તો કોકમનું ઘી ચોળવામાં આવે છે. મૂળ વ્યાધિ ઉપર કોકમનું પંચાંગ ત્રણ ભાગ. ભિલામાનું મગજ એક ભાગ અને મરી એક ભાગનું ચૂર્ણ કરી આપવાથી અંદરના અને બહારના મસા નાશ પામે છે. ઘી ખાવાથી અજીર્ણ થયું હોય તો કોકમનો કાઢો પિવડાવાય છે.

કોકમની બીજી એક જાતિ(G. cambogia)ને મરાઠીમાં ‘ધરાંબે’ કહે છે. તેનાં ફળ અંડાકાર, 5.0 સેમી. વ્યાસવાળાં, પાકે ત્યારે પીળાં કે લાલ રંગનાં અને 6-8 ખાંચવાળાં હોય છે. તેમાં 6-8 બીજ હોય છે, જે રસાળ બીજોપાંગ (aril) વડે ઘેરાયેલાં હોય છે.

ધરાંબેનાં ફળ ખાદ્ય હોય છે. કાચાં હોય ત્યારે ખૂબ ખાટાં હોય છે. તેની સૂકી છાલ ત્રાવણકોર-કોચિન અને મલબારમાં આમલી અને લીંબુની જગાએ કઢીને સુગંધિત બનાવવામાં વપરાય છે. શ્રીલંકામાં કાચાં ફળનાં પતિકાં પાડી તડકામાં સૂકવી; પરિરક્ષિત કરી તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેના સૂકવેલા દ્રવ્યમાં મીઠું ઉમેરી માછલીની સુકવણી કરવામાં આવે છે. તે પુષ્કળ પ્રમાણમાં ઍસિડ અને પ્રતિરોધી (antiseptic) ગુણધર્મ ધરાવે છે. તેનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : ટાર્ટરિક ઍસિડ 10.6 %, અપચાયક (reducing) શર્કરાઓ (ગ્લુકોઝ તરીકે) 15.0 % અને ફૉસ્ફૉરિક ઍસિડ (કૅલ્શિયમ ટ્રાઇ ફૉસ્ફેટ તરીકે) 1.52 % કુલ ઍસિડના 90 % જેટલો ઍસિડ અબાષ્પશીલ (non-volatile) હોય છે. સૂકી છાલ સોના અને ચાંદીને ચકચકિત કરવા અને રબરના ક્ષીરની જમાવટ કરવા ઍસેટિક અને ફૉર્મિક ઍસિડની અવેજીમાં વાપરવામાં આવે છે.

ધરાંબેના બીજમાંથી લગભગ 31 % જેટલું કોકમના ઘી સાથે સામ્ય ધરાવતું તેલ નીકળે છે. તેલ કણિકામય હોય છે. ધરાંબેનું ઝાડ પારભાસક પીળી રાળ ઉત્પન્ન કરે છે, જે પાણી સાથે પાયસ (emulsion) બનાવતી નથી. તે ટર્પેન્ટાઇનમાં દ્રાવ્ય છે અને પીળી વાર્નિશ બનાવે છે. રાળ રેચક ગુણધર્મો ધરાવે છે.

ફળની છાલનો કાઢો સંધિવા અને આંતરડાની ફરિયાદમાં અને પશુઓના મોંના રોગમાં ઉપયોગી છે.

કોકમની બીજી એક જાતિ મૅંગોસ્ટીન(G. mangostana)નાં ફળ ગોળ, 5.0-6.0 સેમી. વ્યાસવાળાં, બંને છેડેથી સહેજ ચપટાં અને લીસી, રતાશ પડતી કે જાંબલી છાલ ધરાવતાં હોય છે. બીજ ચપટાં, 5-8 અને બરફ જેવાં સફેદ તથા જેલી જેવાં બીજોપાંગ વડે ઘેરાયેલાં હોય છે. બીજોપાંગ ખાદ્ય, મીઠું અને સુગંધિત હોય છે.

ઉષ્ણકટિબંધીય ફળોમાં તે સૌથી સ્વાદિષ્ટ ફળ ગણાય છે. તેનો ગર મોઢામાં આઇસક્રીમની જેમ ઓગળી જાય છે. આ ફળ જમ્યા પછી આપવામાં આવે છે. તેની ડબ્બાબંધી (canning) થઈ શકે છે. તેને પરિરક્ષિત પણ કરી શકાય છે.

ફળનો ખાદ્ય ભાગ (31 %) પુષ્કળ પ્રમાણમાં શર્કરાઓ ધરાવે છે અને પ્રમાણમાં ખૂબ ઓછો ખાટો હોય છે. ભારતીય ફળના ખાદ્ય ભાગનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 84.9 %, પ્રોટીન 0.5 %, લિપિડ 0.1 %, ખનિજ દ્રવ્ય 0.2 %, કાર્બોદિતો 14.3 %, કૅલ્શિયમ 0.01 મિગ્રા., ફૉસ્ફરસ 0.02 % અને આ આયર્ન 0.2 મિગ્રા./100 ગ્રા. બીજા એક નમૂનાના ગરમાં કાર્બનિક ઍસિડ (નિર્જલીય સાઇટ્રિક ઍસિડ તરીકે) 0.42 %, અપચાયક શર્કરાઓ 3.86 %, અને કુલ શર્કરાઓ 16.42 % હોય છે. ફળના ગરમાં સુક્રોઝ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ હોય છે.

ફળની છાલ સ્તંભક ગુણધર્મ ધરાવે છે. તેમાં 7-14 % ટેનિન (કૅટેચોલ) હોય છે. ઔષધીય ર્દષ્ટિએ તે જ્વરઘ્ન (febribuge) છે. તેનો ક્વાથ અતિસાર (diarrhoea) અને મૂત્રાશયશોથ(cystitis)માં વપરાય છે. મરડાની ચિકિત્સામાં છાલના ચૂર્ણનો ઉપયોગ કરવામાં આવે છે. સક્રિય ઘટક તરીકે પીળા રંગનું મગોસ્ટીન નામનું રંજકદ્રવ્ય હોવાનું મનાય છે. ફ્લાવરણનો મલમ ખસ, ખૂજલી અને અન્ય ત્વચાના રોગોની સારવારમાં ઉપયોગી છે.

રાળ રેવચીનીના શીરા (gamboge) જેવી હોય છે. થડમાંથી મેળવેલી રાળમાં α- અને β-મૅંગોસ્ટીન (C23H24O6), એક સ્ટૅરોલ અને એક બાષ્પશીલ તેલ હોય છે.

ઇંડિયન ગૅમ્બૂઝ ટ્રી(G. morella)ને રેવચીની કહે છે. તેનાં ફળ ગોળ અને જરદાળુના કદનાં, ચતુષ્ખંડી અને ચાર બીજવાળાં હોય છે. બીજ સહેજ ચપટાં, ઘેરાં બદામી અને અંડાકાર કે વૃક્કાકાર હોય છે.

આકૃતિ 2 : રેવચીની(G. morella)ની પુષ્પીય શાખા અને ફળ

તે રેવચીનીના શીરા તરીકે જાણીતી ગુંદર-રાળનો સ્રોત છે. તે વૃક્ષના બાહ્યક, ગર, પર્ણો, પુષ્પો અને ફળમાં પીળા રંગના પાયસ સ્વરૂપે થાય છે. રાળ રતાશ પડતી પીળી કે બદામી-નારંગી રંગની અને લીસો, એકસરખો શંખાતી (conchoidal) વિભંગ (fracture) ધરાવે છે. તે ગંધવિહીન, સ્વાદવિહીન કે સહેજ ખાટી હોય છે. તે પાણી સાથે પીળું પાયસ બનાવે છે અને મંદ એમોનિયામાં સ્વચ્છ, ઘેરા નારંગી રંગનું દ્રાવણ બનાવે છે. તેમાં આલ્કોહૉલ અને પાણીને ક્રમશ: ઉમેરતાં લગભગ સંપૂર્ણપણે દ્રાવ્ય બને છે. ઍસિડ દ્વારા આલ્કેલાઇન દ્રાવણમાં તેનું અવક્ષેપન થાય છે; જેમાંથી ત્રણ ઍસિડ, α-, β- અને ϒ – ગાર્સિનોલિક ઍસિડ (C23H28O6,C25H32O6 અને C23H28O5) અલગ કરવામાં આવ્યા છે. રાળના વિઘટનથી ફ્લોરોગ્લુસિન અને બ્યુટિરિક, વૅલેરિક, ઍસેટિક અને આઇસુનિટિનિક ઍસિડ ઉત્પન્ન થાય છે. વ્યાપારિક રાળના ગુણધર્મો આ પ્રમાણે છે : વિ.ગુ. 1.221, ઍસિડ આંક 65-90, ઍસ્ટર આંક 45-65, સાબુકરણ આંક 125-145, ભસ્મ 1 %, અને પાણી 3-5 % રાળમાં અપમિશ્રક તરીકે ઘઉં અને ચોખાના સ્ટાર્ચ, રેતી અને વનસ્પતિઓના ટુકડાઓનો ઉપયોગ થાય છે.

રેવચીની તેના ચમકીલા રંગ માટે જાણીતી છે. તેનો ઉપયોગ પાણીના રંગો અને ધાતુઓ માટે સોનેરી રંગના સ્પિરિટ વાર્નિશ બનાવવામાં થાય છે. મ્યાનમારમાં બૌદ્ધ સાધુઓના રેશમી ઝભ્ભા રંગવામાં તેનો ઉપયોગ થાય છે અને કાળા કાગળ ઉપર લખવા માટે સોનેરી પીળી શાહી બનાવાય છે. તે શક્તિશાળી વિરેચક (cathartic) છે અને મોટી માત્રામાં લેવાથી બકારીઓ આવે છે, ઊલટીઓ થાય છે અને પેટમાં દુખાવો થાય છે. આ ક્રિયા રેઝિનિક ઍસિડોની હાજરીને લીધે થાય છે. આંતરડામાં આલ્કલીની હાજરીમાં તેઓ દ્રવી જઈને સક્રિય બને છે. બીજાં ઔષધો સાથે તેને મિશ્ર કરી કૃમિનાશક (anthelmintic) તરીકે ગર્ભસ્રાવક (abortifacient) તરીકે અને ચાંદાંની ચિકિત્સામાં વાપરવામાં આવે છે.

રેવચીનીનાં બીજ 30 % તેલનું ઉત્પાદન કરે છે, જે કોકમના ઘી જેવું જ હોય છે. તે બદામી પીળું અને સુગંધિત હોય છે. તેનો ઉપયોગ રાંધવામાં અને મીઠાઈ અને ઔષધો બનાવવા ઘીની અવેજીમાં થાય છે. તેના તેલની કોકમના ઘી સાથેની તુલના સારણી-માં આપેલી છે. (જુઓ પૃ. 586)

બીજ, ફલાવરણ, પ્રકાંડની છાલ, પર્ણો અને ફળો Micrococcus pyogenes var aureus સામે જીવાણુરોધી સક્રિયતા દાખવે છે. આ સક્રિયતા તેમાં રહેલા પીળા રંજકદ્રવ્ય મોરેલિનને આભારી છે. બીજાવરણમાં મોરેલિન અને ગટ્ટીફેરિન નામનાં બે રંજકદ્રવ્યો આવેલાં હોય છે. તેઓ પણ જીવાણુરોધી પ્રક્રિયા દર્શાવે છે.

Garcinia પ્રજાતિની 30 જેટલી જાતિઓ ભારતમાં થાય છે; જે પૈકી કેટલીક જાતિઓ આ પ્રમાણે છે : G. atroviridis Grift., G. cowa Roxb. syn. G. kydia Roxb. (હિ. કોળા, બં કાઉ), G. dulcis (Roxb). Kurz., G. echinocarpa Thw., G. hombroniana Pierre, G. lanceaefolia Roxb., G. livingstone T. Anders., G. microstigma Kurz, G. paniculata Roxb., G. pedunculata Roxb. (બં. ટીકુલ), G. speciosa Wall., G. speicata Hook. (મ. હલ્દી), G. xanthochymus Hook (કરમલો).

કાન્તિલાલ ગોવિંદલાલ મહેતા

બળદેવભાઈ પટેલ