કોઍગ્યુલેઝ કસોટી : વિશિષ્ટ જાતના બૅક્ટેરિયાથી થતી લોહીની જમાવટ (coagulation) તપાસવાની કસોટી. લોહીની જમાવટ કોઍગ્યુલેઝ ઉત્સેચકને લીધે થાય છે. આ ઉત્સેચકનું નિર્માણ સ્ટૅફિલોકૉકસ ઑરિયસ બૅક્ટેરિયા કરતા હોય છે. તેથી આ બૅક્ટેરિયાને ભાવાત્મક કોઍગ્યુલેઝ (coagulase-positive) તરીકે ઓળખવામાં આવે છે.
સ્ટૅફિલોકૉકસ ઑરિયસને લીધે સસ્તન પ્રાણીઓ ગૂમડું કે ખરજવા જેવા રોગથી પીડાય છે અને તે હાડકાં અને અન્ય પેશીઓને ચેપ લગાડે છે. સ્ટૅફિલોકૉકસની અન્ય જાતિઓ કોઍગ્યુલેઝ ઉત્સેચક ઉત્પન્ન કરતી નથી. કોઍગ્યુલેઝ અભાવાત્મક (coagulase-negative) તરીકે ઓળખાતી આ જાતિઓ ચામડી કે શ્લેષ્મ પડ પર વિપુલ પ્રમાણમાં રહે છે અને તે ભાગ્યે જ હાનિકારક હોય છે. તેથી સ્ટૅફિલોકૉકસ જાતિ ભાવાત્મક છે કે અભાવાત્મક તેની જાણકારી કોઍગ્યુલેઝ કસોટી દ્વારા મેળવી શકાય છે.
કસોટી બે રીતે કરવામાં આવે છે : (1) કાચપટ્ટી પદ્ધતિ (slide coagulase test) : એક સ્વચ્છ કાચપટ્ટી પર તુલ્યાંકી લવણ જલ (normal saline) એક ટીપું મૂકી તેના પર એક-બે જીવાણુ વસાહતને મૂકી બરાબર મિશ્ર કરી તેમાં રુધિરરસ(blood plasma)નાં બે-ત્રણ ટીપાં ઉમેરવામાં આવે છે. મિશ્રણને ફરીથી બરાબર હલાવીને 5થી 10 સેકન્ડમાં જ પરિણામ નોંધવામાં આવે છે. ખુલ્લી આંખે જોઈ શકાય તેવા જીવાણુઓનાં સૂક્ષ્મજૂથો (clumps) જોવા મળે તો કસોટી હકારાત્મક છે એમ કહી શકાય.
(2) કસનળી પદ્ધતિ (test tube method) : આ પદ્ધતિમાં રુધિરરસને 1 : 10ના પ્રમાણમાં મંદ (dilute) કરી તેમાંથી 1.0 મિમી. એક નાની કસનળીમાં લઈ તેમાં 0.1 મિલી. (108 કોષ) જેટલું જીવાણુનું દ્રાવણ ઉમેરી તેનું 37o સે. તાપમાને સેવન કરવામાં આવે છે. એક, ત્રણ કે છ કલાક સુધી રુધિરરસનું રૂપાંતર સખત કે નરમ ઘટરસ(gel)માં થાય તો પરિણામ કોઍગ્યુલેઝની હાજરી બતાવે છે.
જોકે હવે એમ માલૂમ પડ્યું છે કે સ્ટેફિલોકોકસ ઑરિયસનાં કેટલાંક વિકૃતો (mutants) કોઍગ્યુલેઝ ઉત્પન્ન ન કરતાં હોવા છતાં રોગકારક હોય છે. માટે એમ કહી શકાય કે કોઍગ્યુલેઝ કસોટી કદાચ રોગકારકતા માટે સંપૂર્ણ ખાતરી આપી ન શકે.
પ્રમોદ રતિલાલ શાહ