કોંકણ રેલવે : ઇજનેરી સિદ્ધિ સમો રોહાથી મૅંગલોર સુધી 760 કિમી. પથરાયેલો એશિયાભરનો અનન્ય બ્રૉડગેજ રેલમાર્ગ. કોંકણ રેલવેની સ્થાપના પૂર્વેના પ્રયાસો પર નજર નાંખીએ ત્યારે જોઈ શકાય છે કે બ્રિટિશ ભારતમાં ડેલહાઉસીના વડપણ હેઠળ રેલવેનું માળખું બિછાવવામાં આવેલું અને કોંકણ-મલબારના પશ્ચિમી તટ પર રેલવે લાઇન ઊભી કરવાનું આયોજન થયું હતું. 1882માં અંગ્રેજ ઇજનેરોએ વિવિધ સર્વેક્ષણો કર્યા બાદ પહાડોને કોતરવાનો કે નદીનાળાં જોડવાનો આ પ્રયાસ અસંભવ લાગ્યો અને એ અંગેના પ્રયાસ છોડી દઈ કોંકણ રેલમાર્ગના નામ પર પૂર્ણવિરામ મૂકી દીધું. તે પછી તેમણે 1927માં મુંબઈ મૅંગલોરને જોડતો અતિ લાંબો રેલમાર્ગ તૈયાર કર્યો જે ભોરઘાટ અને થલઘાટ દ્વારા મૅંગલોર પહોંચાડતો હતો. કલ્પિત સીધી લીટીના રેલમાર્ગના અંતર કરતા આ રેલમાર્ગ 1,127 કિમી. લાંબો હતો અને 26 કલાકનો વધુ સમય, શક્તિ અને નાણાં પ્રવાસ માટે પડાવી લેતો હતો.

પ્રારંભના પ્રયાસોની નિષ્ફળતા પછી આ અંગે સ્વીડનના વિદેશી નિષ્ણાતોની મદદ લેવા ભારત સરકારે પ્રયત્ન કર્યો. તેમના મતે પણ આ કોંકણ રેલમાર્ગની રચના અશક્ય હતી; તેથી ફરીને આ વાત પર પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું. સ્વતંત્ર ભારતમાં મુંબઈ જેવા આર્થિક રાજધાનીના શહેરને દેશના મહત્વના અને ઉપજાઉ વિસ્તારો સાથે જોડવાની નેમથી નવા રેલમાર્ગો તૈયાર થતા હતા; તેમાં મુંબઈ-મૅંગલોર રેલમાર્ગનું આયોજન પણ હતું, જે આ પૂર્વે અસંભવિત માનવામાં આવ્યું હતું, કારણ આ પર્વતાળ પ્રદેશની સારીયે ભૌગોલિક પરિસ્થિતિ ઊબડખાબડ છે. અનેક પર્વતીય વિસ્તારો, ખીણો, નદીનાળાં વગેરે પર રેલવેના પાટા બિછાવવાનું કામ શક્ય નહોતું. એક અંદાજ મુજબ આવું જોખમ ખેડાય તોપણ સમગ્ર યોજનાને પાર પાડવામાં 22 વર્ષોનો લાંબો સમય લાગે તેમ હતો.

અનેક પડકારો અને મુશ્કેલીઓ છતાં ભારતીય ઇજનેરોએ આ નવા રેલમાર્ગના અવતરણ દ્વારા ભગીરથ કાર્ય સિદ્ધ કર્યું. 1977-79 દરમિયાન રેલવેમંત્રી મધુ દંડવતેએ કોંકણ રેલવેની દરખાસ્ત કરી હતી. ફરીને રેલવેમંત્રી જ્યૉર્જ ફર્નાન્ડીઝે ‘ધ વેસ્ટ કોસ્ટ રેલવે પ્રોજેક્ટ’ની વાત કરી; જેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા અને કેરળ એમ ચાર રાજ્યોને જોડી આ પરિયોજના આગળ વધારવા વિચારણા થઈ. રેલવે-મંત્રાલય સીધી રીતે આ કામમાં જોડાય તો અસહ્ય વિલંબ થાય તેમ છે એવું લાગતાં (19 જુલાઈ, 1990ના રોજ) કોંકણ રેલવે કૉર્પોરેશન લિમિટેડ નામનું એક અલાયદું નિગમ સ્થાપવામાં આવ્યું. આ કામ માટે જરૂરી સત્તાઓ અને સાધનો પણ નિગમને આપવામાં આવ્યાં. વળી આ માટે સ્વતંત્ર રીતે નાણાં ઊભાં કરવાની યોજના મંજૂર થઈ. રિઝર્વ બૅન્કના પૂર્વ વડા બિમલ જાલને સ્વતંત્ર રીતે નાણાં ઊભાં કરવાની યોજનાની દરખાસ્તો ઘડી આપી. 800 કરોડની સત્તાવાર થાપણો ઊભી કરી સમગ્ર કામને નક્કર આકાર આપવામાં આવ્યો.

જૂન, 1990માં રેલવે-મંત્રાલયના એક આલા અફસર ઈ. શ્રીધરનને આ પરિયોજનાની કામગીરી સોંપવા પસંદ કરવામાં આવ્યા. આ પસંદગી સકારણ એટલા માટે હતી કે તેમણે 1963માં રામેશ્વરમ્ અને તામિલનાડુને જોડતો પમ્બન પુલ અપેક્ષિત સમય કરતાં અત્યંત ટૂંકા સમયમાં – ત્રણ મહિનાની સમયમર્યાદાને બદલે માત્ર 46 દિવસમાં – પરિપૂર્ણ કરી આ ક્ષેત્રે ઝડપી કામગીરી બજાવવાનો વિક્રમ રચ્યો હતો. આ શ્રીધરનની કોંકણ-રેલવે પરિયોજનાના વડા તરીકે પસંદગી કરવામાં આવી, તેમની સાથે બી. રાજારામ મુખ્ય ઇજનેર તરીકે જોડાયા અને તેમની ટીમને કામ સુપરત થયું.

આયોજકો આ કામ માંહેના પડકારો જાણતા-સમજતા હતા. તેથી સૌપ્રથમ રિમૉટ સેન્સિંગ ઉપગ્રહ દ્વારા આ સમગ્ર વિસ્તારની વિગતપૂર્ણ તસવીરો (ક્લોઝઅપ) લેવામાં આવી. તે દ્વારા સહ્યાદ્રિની પર્વતીય હારમાળાની રચના સમજવાનો પ્રયાસ થયો. ડિજિટલ સ્વરૂપમાં પહાડો, જંગલો, કોતરો, ખીણો, નદીનાળાં વગેરેનો અભ્યાસ કરી રેલમાર્ગનો નકશો તૈયાર કરવામાં આવ્યો. આ પર્વતીય વિસ્તાર અગ્નિકૃત ખડકોનો બનેલો હોઈ રેલમાર્ગ બિછાવવાનું મહામુશ્કેલ કામ પાર પાડવા માટે વિવિધ અને અદ્યતન માર્ગો, સાધનો અને ઉપાયોનો અભ્યાસ કરવામાં આવ્યો. આશ્ચર્યની વાત એ હતી કે આ પૂર્વતૈયારીને કારણે મૂળ માર્ગ જે 837 કિમી.નો હતો તે વ્યવસ્થિત રૂપમાં 760 કિમી.નો બન્યો. મતલબ કે પ્રારંભના વ્યવસ્થિત, અભ્યાસનિષ્ઠ આયોજનને કારણે માર્ગ 77 કિમી. જેટલો ટૂંકાયો. આ 77 કિમી.ની ઘટ પોતે જ સમય, શક્તિ અને સાધનો બચાવનારી પહેલી સિદ્ધિ હતી.

બીજા તબક્કામાં રેલમાર્ગ ઊભો કરવા માટેની 12,000 એકર જમીન હસ્તગત કરવાની, 42,000 જમીન-માલિકોને સંમત કરવાના તેમજ તેમને વસાવવાના પ્રશ્નો હાથ ધરાયા. એ માટે નવાં 100 ગામ વસાવવાની યોજના બની. આ મૂળ ગ્રામીણ પ્રજાને બીજે જમીન આપવા સાથે જમીનમાં કપાયેલા કે ગુમાવાયેલા ફણસ, આંબા અને કાજુનાં વૃક્ષો માટે ઊંચું વળતર ચૂકવવાનો નિર્ણય લેવાયો. ઘરવખરીથી માંડીને નવા સ્થાને વસવાની સુવિધામાં કોંકણ રેલવે નિગમ પ્રત્યક્ષ યા નાણાકીય રીતે સીધું મદદગાર બન્યું અને જમીન-સંપાદનની આ સમગ્ર કામગીરી લાંબા, થકવી નાંખનારા અદાલતી સંઘર્ષ વિના સમીસૂતરી પાર પડી.

ત્રીજા તબક્કામાં મુખ્ય કામનો – પાટા બિછાવવાની કામગીરીનો આરંભ થયો. એ માટે પહાડો કોતરી બોગદાં તૈયાર કરવાની અને નાળાંઓ પૂરવા ઊંચા થાંભલા તૈયાર કરી પાટા બિછાવવાની કામગીરી શરૂ થઈ. આ દુર્ગમ માર્ગ તૈયાર કરવા 100 ઇજનેરોએ આ વિસ્તારનો વિગતપૂર્ણ પ્રવાસ કરી તે અંગેની માહિતી મેળવી. બોગદાં, પુલો અને વાયડક્ટ (Viaduct) નાળાં અને ખીણોમાં પાટા બિછાવી શકાય તેમ ન હોવાથી જુદી જુદી ઊંચાઈના થાંભલા તૈયાર કરી, તેને એક સમાન સપાટી પર આવે તેવી રીતે ગોઠવી તે પર પાટા પાથરવાની કામગીરી બનાવવાનું આયોજન થયું. આ કામગીરીમાં પહાડોમાં કુલ 92 બોગદાં કોતરવામાં આવ્યાં જેની કુલ લંબાઈ 93 કિમી. છે. બોગદાં કોતરવાની આ પ્રક્રિયા ખુદ એક કીર્તિમાન છે. મહિને 204 મીટર લેખે બોગદાં કોતરાતાં ગયાં; જેમાં નાથુવાડી, ટીકે, બેડેવાડી, સવાર્ડ બારકેમ, કારવાર, પર્ચુરી, ચિપલુન અને બિન્દુરના બોગદાનો સમાવેશ થાય છે. એ પ્રત્યેક લગભગ 2 કિમી.ની લંબાઈ ધરાવે છે. જ્યારે રત્નાગિરિ પાસેનું કારબુડેનું બોગદું સાડા છ કિમી.ની લંબાઈ ધરાવતું એશિયા માંહેનું લાંબામાં લાંબું બોગદું છે. ટ્રેન એક છેડેથી પ્રવેશી બીજે છેડે બહાર નીકળે ત્યારે તેમાં પાંચ મિનિટનો સમય લાગે છે. આ તમામ બોગદાંમાં હવાને ચોખ્ખી રાખવા ખાસ હવાબારીઓ(વેન્ટિલેટર)ની અને અન્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ માર્ગમાં આવતી સાવિત્રી, મંડોવી, શરાવતી, કાલિ, નેત્રાવતી અને અન્ય નાની નદીઓ પર કુલ 179 મોટા અને 1819 નાના પુલો બાંધવામાં આવ્યા છે. ભટકલ નજીક શરાવતી પરનો સૌથી લાંબો પુલ 2065 મીટરની લંબાઈ ધરાવે છે. ખીણો અને નાળાંઓ પૂરવા વાયડક્ટ (viaduct) તૈયાર કરવામાં આવ્યા. પનવેલની એક ખીણ 61 મીટર(200 ફૂટ)નું ઊંડાણ ધરાવતી હતી, તેથી ત્યાં પાટા બિછાવવા ઊંચા ઊંચા થાંભલા તૈયાર કરી તેના પર રેલમાર્ગ બનાવવામાં આવ્યો, જેમાંના કેટલાક થાંભલા પૂરા 59.5 મીટર(195 ફૂટ)ના છે. આ અંગે ન માની શકાય એવી સૌથી મહત્ત્વની વાત એ છે કે લગભગ કુતુબમિનારની ઊંચાઈ ધરાવતા આ થાંભલાઓ સાથેનો પુલ તૈયાર કરવામાં માત્ર 12 દિવસનો સમય લાગ્યો હતો. એશિયાભરનો આ ઊંચામાં ઊંચો વાયડક્ટ છે. અદભુત કાર્યક્ષમતા અને જૂથભાવનાની આ કમાલ હતી.

કોંકણ રેલવેની માલવાહક ટ્રેનોમાં માલસહિત સીધી ટ્રકો ચડાવી શકાય તેવી રૉલ ઑન અને રૉલ ઑવ્ સેવાઓ ઉપલબ્ધ છે. રેલવે ઉતારુઓની સલામતી માટે ઍન્ટિકોલિઝન ડિવાઇસ (ACD) ઉપયોગમાં લેવાઈ છે. આ બધું કામ પ્રાકૃતિક રચના અને ર્દશ્યોને ક્ષતિ પહોંચાડ્યા વિના, બલકે પ્રાકૃતિક સંપદાને સંરક્ષીને કરવામાં આવ્યું છે. ઇજનેરી કમાલના આ પ્રવાસ દરમિયાન અરબી સમુદ્રનું દર્શન અને પ્રાકૃતિક સૌંદર્યનો નજારો પ્રવાસના આનંદમાં અસીમ ઉમેરો કરે છે. કોંકણ રેલમાર્ગનો આ પ્રવાસ કરવો એ એક અદભુત લહાવો છે.

આ સમગ્ર પરિયોજના 8 વર્ષના ટૂંકા ગાળામાં પાર પાડવામાં આવી અને 26 જાન્યુઆરી, 1998ના રોજ આ માર્ગની પ્રથમ ટ્રેન મુંબઈના છત્રપતિ શિવાજી સ્ટેશનથી ઊપડી ત્યારે 16 એપ્રિલ, 1853ના રોજ મુંબઈ-થાણે ટ્રેનના આરંભને બરાબર દોઢસો વર્ષ વીત્યાં હતાં. પ્રકૃતિ અને ઇજનેરી કૌશલ્યના અદભુત ખજાનાને વ્યક્ત કરતો આ રેલમાર્ગ ભારતીય ઇજનેરોની કાર્યનિષ્ઠાના કીર્તિમાનનો બોલતો પુરાવો છે. એશિયાભરનાં લાંબામાં લાંબા બોગદાં અને ઊંચામાં ઊંચા વાયડ્ક્ટને સમાવતો આ 760 કિમી.નો બેનમૂન આધુનિક રેલમાર્ગ રચવાથી કોંકણ-પ્રદેશના સામાજિક-આર્થિક વિકાસને જબરદસ્ત પ્રોત્સાહન મળ્યું છે. આ પછી સ્વીડનની સરકારે ભારતીય ઇજનેરોની આવા અન્ય કામ માટે મદદ લેવાનો નિર્ધાર કરી તેમની સેવાઓ માંગી છે. ‘ફ્યુચર વર્લ્ડ’ નામના કાર્યક્રમમાં બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશનના ટેલિવિઝનના પ્રવક્તાએ જણાવેલું કે, ‘‘ભારતે કોંકણ રેલવેની રચના દ્વારા એવી સિદ્ધિ હાંસલ કરી છે કે પશ્ચિમના દેશો તેની અદેખાઈ કર્યા સિવાય બીજું કાંઈ કરી શકે તેમ નથી.’’

રક્ષા મ. વ્યાસ