કોંકણ : પશ્ચિમઘાટ અને અરબી સમુદ્ર વચ્ચે આવેલો મહારાષ્ટ્રનો દમણથી ગોવા સુધીનો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : આશરે 15°થી 21° ઉ.અ. અને 73° 30′ થી 74° પૂ.રે. તેની ઉત્તરે તેરખોલ નદી, દક્ષિણે કર્ણાટકનો ઉત્તર જિલ્લો, પૂર્વ તરફ પશ્ચિમઘાટ અને પશ્ચિમે અરબી સમુદ્ર આવેલા છે. પ્રાચીન કાળમાં તાપીથી દક્ષિણે આવેલો સમગ્ર પ્રદેશ અપરાંત તરીકે ઓળખાતો હતો, કોંકણ તેનો ભાગ હતું.

મહારાષ્ટ્રના થાણા, બૃહત મુંબઈ, રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ કોંકણના જિલ્લા છે. તેનું ક્ષેત્રફળ આશરે 30,777 ચોકિમી. છે. ઑક્ટોબર 1990થી કુર્લા, અંધેરી અને બોરીવલીનો નવાં પરાંનો જિલ્લો અસ્તિત્વમાં આવ્યો છે. મુંબઈના કિનારા નજીક સાષ્ટી, મુંબઈ, માહિમ, ઊંડેરી, ખાંદેરી, અંજદ્વીપ, ઘારાપુરી વગેરે પાંત્રીસ બેટો આવેલા છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 540 કિમી. અને પહોળાઈ 55-65 કિમી. છે. સૌથી વધુ પહોળાઈ 96 કિમી. છે.

થાણા અને બૃહત્ મુંબઈના જિલ્લાઓ ઉત્તર કોંકણ તરીકે અને બાકીના જિલ્લાવાળો પ્રદેશ દક્ષિણ કોંકણ તરીકે ઓળખાય છે. ઉત્તર કોંકણમાં સમુદ્રના કિનારાને સમાંતર રેતીનો પટ્ટો છે. દક્ષિણ કોંકણના કિનારાનો પ્રદેશ ખડકાળ છે. મહાડની દક્ષિણે આવેલા ચૂનાના ખડકોવાળા પ્રદેશ સિવાય સર્વત્ર બેસાલ્ટ ખડકો છે. સમુદ્રકિનારા અને પશ્ચિમઘાટ વચ્ચે સાંકડું કાંપનું ફળદ્રૂપ મેદાન આવેલું છે. વજ્રેશ્વરી નજીક ગરમ પાણીના ઝરા છે જે અગાઉ જ્વાળામુખી પ્રસ્ફુટનની ફાટ હોવાનું સૂચન કરે છે. પશ્ચિમઘાટ પ્રદેશમાં ખંડાલા, પંચગની, માથેરાન અને મહાબળેશ્વર જેવાં ગિરિનગરો પ્રવાસધામ તરીકે વિકસ્યાં છે. દરિયાકિનારે ખાડી અને ઉપસાગરો થોડા થોડા અંતરે અંદર ઘૂસી ગયાં છે. મુંબઈ અને ગોવામાં કુદરતી બંદરો નજીક દરિયાનું ઊંડું પાણી છે. અન્યત્ર સમુદ્ર કાંપથી પુરાઈને છીછરો બની ગયો છે.

વૈતરણા, તાનસા, ઉલ્લાસ, કુંડલિકા, ભોગવતી, સાવિત્રી, ગાયત્રી, વાસિષ્ઠી, માંડોવી, જુઆરી, કાલી વગેરે આ પ્રદેશની નાનીમોટી નદીઓ ઝડપી વહેણવાળી છે. ચોમાસા સિવાય આ નદીઓમાં પાણી થોડું રહે છે. વૈતરણા, તાનસા, વિહાર અને તુલસી ઉપરના બંધ અને તળાવો દ્વારા મુંબઈને પાણી મળે છે. ખોપોલી, ભીરા વગેરે પશ્ચિમઘાટમાંથી નીકળતી નદીઓનો ઉપયોગ જળવિદ્યુત અને સિંચાઈ માટે થાય છે.

આબોહવા : આબોહવા ગરમ અને ભેજવાળી છે. સમુદ્રના સામીપ્યને કારણે ઉનાળામાં સમુદ્ર ઉપરથી ઠંડો પવન વાય છે. સરેરાશ વાર્ષિક તાપમાન 21° કે 22° સે. રહે છે. ઉત્તર કોંકણ કરતાં દક્ષિણ કોંકણમાં અને મેદાન કરતાં ડુંગરાળ પ્રદેશમાં વધારે વરસાદ પડે છે. ગોવામાં 3000 મિમી., રત્નાગિરિમાં 2500 મિમી., મુંબઈમાં 1750 મિમી. અને મહાબળેશ્વરમાં 5000 મિમી.થી વધારે વરસાદ પડે છે.

કોંકણનું કાંપનું મેદાન અને ખીણો ખૂબ ફળદ્રૂપ છે, જ્યારે ડુંગરાળ પ્રદેશની જમીન ઓછી દળદાર અને ઓછી ફળદ્રૂપ છે. પશ્ચિમઘાટનાં જંગલો કપાઈ જવાથી ફળદ્રુપ જમીનનું ધોવાણ વધ્યું છે. કુલ જમીન પૈકી ત્રીસ ટકા જમીન ખેતીલાયક છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી છે. ખેતીમાં ડાંગર, કઠોળ, ફળો, નારિયેળ, કાજુ, તમાકુ, સોપારી, કોકમ વગેરે પાકો લેવાય છે.

કોંકણનો 40 ટકા વિસ્તાર સતત લીલાં અને ખરાઉ વૃક્ષોવાળાં જંગલોથી આચ્છાદિત છે. અહીં સાગ, સીસમ, એન, ખેર, વાંસ, ધાવડો, આપ્ટો, કિંજલ, સાદડ વગેરે વૃક્ષો જોવા મળે છે. દરિયાકિનારે તાડ, નારિયેળી, સોપારી, સરુ અને કાજુનાં વૃક્ષો હોય છે. આંબા, ચીકુ, ફણસ, કેળ વગેરે ફળોનાં વૃક્ષો પણ છે. વસઈ નજીક નાગરવેલનાં પાન થાય છે. સર્પગંધા, અનંતમૂળ, કડુ, બહેડાં, હરડે, વાવડિંગ, બીલી વગેરે વનૌષધિઓ પણ સારા પ્રમાણમાં ઊગે છે. જંગલ દ્વારા મધ, મીણ, આપ્ટાનાં પાન તથા ઇમારતી લાકડું મળે છે.

જંગલોમાં વાઘ, શિયાળ, તરસ, લોંકડી, ખોકડ, વાંદરાં, જંગલી ભૂંડ, સસલાં, હરણ, સાબર વગેરે વન્ય પશુઓ તથા નાગ, ફૂરસા, બિનઝેરી સર્પો અને રંગબેરંગી પક્ષીઓ જોવા મળે છે.

રેડી, માલવણ અને રત્નાગિરિ નજીક લોખંડ; બાંદા અને કોંડા નજીક મૅંગેનીઝ, કોલાબા અને રત્નાગિરિ જિલ્લાઓમાં બૉક્સાઇટ તથા અન્યત્ર ચૂનાના ખડકો, કાચરેતી અને ઇલ્મેનાઇટ ખનીજ મળે છે. મુંબઈ, વસઈ અને રત્નાગિરિ નજીકના દૂરતટીય સમુદ્રમાંથી તેલ અને વાયુ મળે છે.

બૃહત મુંબઈ અને થાણા જિલ્લા સિવાય અન્યત્ર ઉદ્યોગોનો વિકાસ થયો નથી. મુંબઈમાં કાપડ, રસાયણ, રંગ, દવા, સાબુ, ઇજનેરી, પ્લાસ્ટિક, પેટ્રોકેમિકલ્સ વગેરે ઉદ્યોગો વિકસ્યા છે. ચોખા અને તેલની મિલો ઉપરાંત કલ્યાણ અને ભીવંડીમાં પાવરલૂમ ઉપર કાપડ વણાય છે. આઝાદી પછી થલ-વૈશેતમાં ખાતરનું કારખાનું, તારાપુરમાં અણુવિદ્યુત-મથક, અલીબાગમાં ફળપ્રકમણનો ઉદ્યોગ, તેલશુદ્ધીકરણનાં કારખાનાં, ગોવા અને રત્નાગિરિમાં જહાજવાડાઓ, રાયગઢ જિલ્લાના નાગોથાણા ખાતે પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ અસ્તિત્વમાં આવ્યાં છે. સમગ્ર કોંકણના દરિયાકાંઠે મચ્છીમારીનો ઉદ્યોગ વિકસ્યો છે. થાણા જિલ્લામાં મીઠાનો ઉદ્યોગ છે.

મુંબઈ અને નહવા શેવા પ્રમુખ બંદરો છે. રત્નાગિરિ અને રેડી મધ્યમ કક્ષાનાં અને બીજાં 46 લઘુ બંદરો છે. જળમાર્ગ દ્વારા કોંકણનો મુંબઈ સાથે ઘનિષ્ઠ સંબંધ છે. દીવા-પનવેલ રેલવે ઉપરાંત સમગ્ર કોંકણને કન્યાકુમારી સુધી જોડતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને કોંકણ રેલવે પણ છે. મુંબઈના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક દ્વારા દેશનાં મુખ્ય શહેરો તથા પરદેશો સાથે કોંકણ જોડાયું છે.

હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી અને થોડા યહૂદીઓની વસ્તી છે. આરબોએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો તે પહેલાં તે અહીં વેપાર અર્થે વસ્યા હતા. યહૂદીઓ પ્રાચીન કાળમાં રત્નાગિરિમાં સ્થિર થયા હતા. કોંકણસ્થ ચિત્પાવન બ્રાહ્મણો તથા ચાંદ્રસેની કાયસ્થ પ્રભુ (C.K.P.) જ્ઞાતિઓનું કોંકણ મૂળ વતન ગણાય છે. કિનારાના પ્રદેશમાં કોળીઓ, માછી અને ખારવા તથા જંગલોમાં વારલી, કૂંકણા, કેતકરી, ભીલો વગેરેની વસ્તી છે. ઘાટ-પ્રદેશમાં માવળા લોકો વિશેષ છે. જંજીરામાં સીદીઓ છે.

ઇતિહાસ : એક મત પ્રમાણે કોંગ લોકોના કોંગવન ઉપરથી કોંકણ નામ પડ્યું. ડોંગરી ભાષાના કોણકોણ ઉપરથી આ નામ પડ્યું એવો બીજો મત છે. પરશુરામની માતા કુંકણા ઉપરથી કોંકણ નામ પડ્યું એવો ત્રીજો મત છે. ડાંગમાં કૂંકણા લોકો કોંકણાદેવીને પૂજે છે. દંતકથા પ્રમાણે પરશુરામે સમુદ્રમાં બાણ મારતાં જે જમીનનો ભાગ બહાર આવ્યો તે કોંકણ તરીકે ઓળખાયો. ધરતીકંપને લીધે જમીન બહાર આવતાં કોંકણનો મેદાની ભાગ બન્યો તેનું આ દંતકથા સમર્થન કરે છે.

ઈ. સ. પૂર્વે ચોથા શતકથી કોંકણનો ઇતિહાસ મળે છે. મહાભારત, હરિવંશ, વિષ્ણુ અને સ્કંદ પુરાણો, બૃહત્સંહિતા તથા રાજતરંગિણી વગેરે ગ્રંથો તથા પેરિપ્લસ, પ્લિની, ટૉલેમી, સ્ટ્રેબો, હ્યુ-એન-સ્વાંગ, અલ્-બિરૂની, ઇબ્ન બત્તૂતા વગેરેના પ્રવાસગ્રંથોમાં કોંકણના ઉલ્લેખો છે. બૅબિલોન અને રોમ સાથે તેનાં કલ્યાણ, ચેઉલ, થાણા વગેરે બંદરોનો વેપાર હતો. ભરુકચ્છજાતક અને શૂર્પારકજાતક ઉપરથી આ પ્રદેશના બૅબિલોન, લંકા તથા અગ્નિએશિયાના દેશો સાથે વેપારી અને સાંસ્કૃતિક સંબંધો હતા એમ જણાય છે. ઈ. પૂ. બીજી અને ત્રીજી સદી દરમિયાન અહીં મૌર્ય વંશનું શાસન હતું. સોપારા પશ્ચિમ ભારતનું પાટનગર હતું. અહીં અશોકનો ખંડિત શિલાલેખ મળી આવ્યો છે. સાતવાહન વંશનું (આંધ્ર ભૃત્ય) ત્રીજી સદી સુધી (ઈ. સ. 73-218), કલચુરી વંશનું ચોથી-પાંચમી સદી સુધી અને મૌર્ય વંશનું છઠ્ઠી સદી સુધી શાસન હતું. ચાલુક્ય વંશના પુલકેશીએ મૌર્ય વંશને હરાવીને આઠમી સદી સુધી શાસન કરેલ, પણ ઉત્તર કોંકણ રાષ્ટ્રકૂટો નીચે હતું. 810થી 1260 સુધી શિલાહાર વંશનું અને 1260-1347 સુધી દેવગિરિના યાદવોનું શાસન રહ્યું હતું. આ વંશનો પહેલો રાજા મહાદેવ યાદવ હતો. છેલ્લા યાદવરાજા નાગરદેવને દિલ્હીના સુલતાને હરાવતાં કોંકણ મુસ્લિમ શાસન નીચે આવ્યું. ત્યાર બાદ કોંકણ પંદરમી સદીના અંત સુધી આદિલશાહી અને નિઝામશાહી બહમની સુલતાનો નીચે હતું. 1535 પછી પોર્ટુગીઝોએ પગપેસારો કર્યો અને 1739 સુધી વસઈ-માહિમ-મુંબઈ સહિત ઉત્તર કોંકણ ઉપર તેમણે રાજ્ય કર્યું. 1661માં મુંબઈનો બેટ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મળ્યો. જંજીરાનો સીદી મોગલ આરમારનો નૌકાધિપતિ હતો. શિવાજી મહારાજે કોંકણનો ઘણો ભાગ હસ્તગત કર્યો હતો. તેમના લશ્કરમાં માવળા સૈનિકો કોંકણના હતા. મરાઠા અને પેશ્વાના શાસન નીચે રાયગઢ, સિંહગઢ, વિજયદુર્ગ, સિંધુદુર્ગ વગેરે ડુંગરી અને સમુદ્રીય કિલ્લાઓ કોંકણના હતા. શાહુના મૃત્યુ પછી પેશ્વા કોંકણના માલિક બન્યા હતા. 1818માં બીજા બાજીરાવને અંગ્રેજોએ હાર આપી પદભ્રષ્ટ કર્યા બાદ 14 ઑગસ્ટ, 1947 સુધી કોંકણ બ્રિટિશ શાસન નીચે હતું.

કોંકણી ભાષાને તેનું વ્યાકરણ છે અને તે મરાઠી ભાષાની ઉપભાષા કે બોલી છે. ગોવામાં રાજવહીવટની ભાષા કોંકણી છે. કોંકણી મહારાષ્ટ્રના પશ્ચિમ કિનારે, ગોવા તથા કર્ણાટકના સરહદી વિસ્તારમાં બોલાય છે. કોંકણ પ્રદેશનો મોટો વિસ્તાર મહારાષ્ટ્ર રાજ્યમાં સમાવિષ્ટ થયો છે. ગોવાનું જુદું રાજ્ય છે, જ્યારે બાકીનો થોડો પ્રદેશ કર્ણાટક રાજ્યમાં આવ્યો છે.

મુંબઈ અને તેની નજીકના થાણા જિલ્લાના વિસ્તાર સિવાય કોંકણનો ઘણોખરો ભાગ સારા રસ્તા અને રેલવેથી લાંબા સમય સુધી વંચિત હતો. ઉદ્યોગોનો પણ અભાવ હતો. આ કારણે ગ્રામ વિસ્તારમાંથી અન્ય તકોના અભાવને કારણે શહેરો તરફ સ્થળાંતર ઝડપી બન્યું છે. આ પ્રદેશે દેશને ગોપાળ કૃષ્ણ ગોખલે, બાળ ગંગાધર ટિળક, વિનાયક દામોદર સાવરકર તથા ચિંતામણ દ્વારકાનાથ દેશમુખ જેવાં નરરત્નોની ભેટ આપી છે.

શિવપ્રસાદ રાજગોર