કોંકણી ભાષા અને સાહિત્ય

January, 2008

કોંકણી ભાષા અને સાહિત્ય : કોંકણ પ્રદેશની ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય. પ્રાચીન કાળથી ઉત્તરે દમણગંગાથી દક્ષિણે ગંગાવલ્લી વચ્ચેના ભારતના પશ્ચિમના દરિયાકાંઠાનો પ્રદેશ તે કોંકા. હાલમાં તે ‘ગોમાંતક’, ‘ગૉય’ અને ‘ગોવા’ નામથી પરિચિત છે.

આ પ્રદેશમાં આર્યો આવ્યા તે પૂર્વે કોલ, મુંડરી, નાગા, કુશ વગેરે ટોળીઓના લોકો રહેતા હતા. તેમની ભાષા દ્રવિડ લક્ષણોવાળી હતી. એ પછી આર્યો અહીં આવ્યા અને સ્થાનિક લોકો સાથે ભળ્યા. આ પછીથી કોંકણીનો ઇતિહાસ આરંભાય છે.

ભાગવત, સ્કંદપુરાણ, મહાભારત, શતપથ બ્રાહ્મણ જેવા ગ્રંથોમાં જણાવ્યા અનુસાર પંજાબના સારસ્વતમંડળમાંથી આર્યો પૂર્વ બિહારના તિરહૂત વિસ્તારમાં થઈને ગોમાચલ (ગોમાંતક) પ્રદેશમાં વસવાટ માટે આવ્યા. તેમની ભાષામાં પૈશાચી પ્રાકૃતના સંસ્કાર તો હતા જ. તેઓ તિરહૂત વિસ્તારમાં આવ્યા તેથી એમાં માગધી-પ્રાકૃતના સંસ્કાર પણ ભળ્યા. ત્યારબાદ  ગોમાચલ પ્રદેશના દ્રવિડ સંસ્કારો પણ એમાં ભળ્યા. એ રીતે ગોમાંતક પ્રાકૃત કે કોંકણીનું ભાષારૂપ અસ્તિત્વમાં આવ્યું.

આ કોંકણી મૂળભૂત રીતે ભારતીય-આર્ય ઉપકુલના દાક્ષિણાત્ય જૂથની ભાષા છે. આ ભાષાની, એસ. એમ. કત્રે જણાવે છે તેમ, પોતાની આગવી મુદ્રા છે. તેમાં અનુનાસિકત્વની ઉપસ્થિતિ ધ્યાનાર્હ છે.

આ કોંકણીનો સૌથી જૂનો શિલાલેખ ઈ. સ.ની બીજી સદીનો ગુપ્ત શાસનવેળાનો મળે છે. વળી શ્રવણબેલગોડામાં ગોમટેશ્વરની પ્રતિમાના પાયાના ભાગે અંકિત થયેલા શિલાલેખમાં દેવનાગરી લિપિમાં કોંકણી મળે છે (1116-1117). ડચ શાસનકાળમાં પણ કોંકણી દેવનાગરી લિપિમાં લખાયાના નમૂના મળે છે (1678). કોચીનમાં વસતા અપ્પુ ભટ, વિનાયક પંડિત તથા રંગ ભટ નામના ત્રણ કોંકણી વૈદ્યોનાં પુસ્તકો મલયાળી લિપિમાં મળે છે. પૉર્ટુગીઝોની નોંધ અનુસાર કોંકણી જેમ નાગરીમાં તેમ ખોડી લિપિમાં પણ લખાતી હતી.

કોંકણીની 450 વર્ષની સાતત્યપૂર્ણ સાહિત્યિક પરંપરા છે. એનો મિશનરી યુગ ગોવામાં મુદ્રણયંત્રના 1556ના પ્રવેશ સાથે આરંભાય છે અને 1674 સુધી લંબાય છે. સોળમી સદીના પાદરીઓના જણાવ્યા અનુસાર કોંકણી સાહિત્ય અને સંસ્કૃતિને અભિવ્યક્ત કરતી એક સમર્થ ભાષા રહી છે. એની સમૃદ્ધિ એના લોકવાઙ્મયમાં સારી પેઠે જોઈ શકાય છે. કોંકણીમાં ગીત, નાટક, કથા, પ્રહેલિકા, કહેવતો વગેરેની તેમજ વ્યાકરણ, કોશ વગેરેના ગ્રંથોની સામગ્રી પણ ધ્યાનપાત્ર છે. કોંકણીમાં લગભગ 25 કોશો અને 21 વ્યાકરણો છે. વિલિયમ કેરી(Carey)એ બાઇબલનું કોંકણીમાં ભાષાંતર કર્યું છે.

ગોવાના સૅક્સ્ટી(Saxty)ના કવિ કૃષ્ણદાસ શર્માલિખિત મહાભારત અને રામાયણની કથાઓનો સંગ્રહ તે કોંકણીનો પહેલો મહત્વનો સાહિત્યગ્રંથ છે. પોર્ટુગીઝો આવ્યા તે પૂર્વે કોંકણીમાં ‘અશ્વમેધ’, ‘કૃષ્ણચરિત’ તેમજ ‘રઘુવંશાચી કથા’ ઊતરી ચૂક્યાં હતાં. વળી ગોવામાંના પોર્ટુગીઝ શાસને તથા ત્યાંના ખ્રિસ્તી ધર્મગુરુઓએ પણ કોંકણી જેવી દેશી ભાષાઓને સમર્થન આપ્યું. ટૉમસ સ્ટીફને (1544-1617) ‘Doutrina Chistam en Lingua Bramana Canarim’ (‘બ્રાહ્મણ કૅનરિમ ભાષામાં ખ્રિસ્તી ધર્માદેશ’, 1622), Arte de Lingua Canary’ (1640) નામનું કોંકણીનું વ્યાકરણ તથા મિશ્ર કોંકણી-મરાઠીમાં ‘ક્રાઇસ્ટ પુરાણ’ આપ્યાં. સત્તરમી અને અઢારમી સદી દરમિયાન અન્તોની દ સાલ્દન્હાએ રાચોલના સંત અંતોનીના ચમત્કારો વિશે પુસ્તક ‘સંત ઍન્ટોનીચીના આચાર્યમ્ આણિ જીવિત કથા’ આપ્યું (1655). એનો પહેલો ભાગ કોંકણી ગદ્યમાં ને બીજો મરાઠી પદ્યમાં રચાયેલો છે. વળી મિગ્યુએલ દ અલમેઇદા(Miguel de Almeida)ના ‘Onvalleanicho Mallo’ નામના ગ્રંથમાં પરિષ્કૃત કોંકણી ગદ્યના નમૂના મળે છે, જે તત્કાલીન અન્ય ભારતીય ભાષાઓની તુલનામાં પણ મહત્વના છે. જોઆઓ દ પેદ્રોસાએ ‘દિવ્ય સ્વગતોક્તિઓ’ નામનો અનૂદિત ગ્રંથ 1660માં આપ્યો. વળી આ સમયગાળા દરમિયાન જોઆકિમ મિરાન્ડા પાસેથી ‘ઈશુની વેદના વિશે ચિંતન’ (‘Riglo Jesu Molleantu’) તથા મડગાંવનિવાસી દોના તથા રાયમુંદો બારેટો પાસેથી ‘કુંવારી મેરીની સ્તુતિ’ (‘Papiance Serathnim’) કૃતિઓ મળે છે.

કોંકણીના બીજા તબક્કામાં કોંકણવાસી લેખકોનું પ્રદાન મહત્વનું રહ્યું. સેબાસ્તિઓ દલગાદો નામના પૌરસ્ત્યવિદ્યા-વિશારદે 1893માં કોંકણી-પૉર્ટુગીઝ તથા 1905માં પૉર્ટુગીઝ-કોંકણી શબ્દકોશો આપ્યા.

વળી કન્નડભાષી વિસ્તારોમાં કન્નડભાષકોએ કોંકણી માટે કન્નડ લિપિ અપનાવી. 1878માં ઇટાલિયન પાદરી માફેઇ(Maffei)એ કોંકણી લિપિમાં પહેલો શબ્દકોશ અને કોંકણી વ્યાકરણ આપ્યાં. મિગ્યુએલ કૉલેકો (Miguel Colaco) અને રાઇમન્ડો માસ્કરેન્હાસે પહેલી વાર કન્નડ લિપિમાં પુસ્તકો આપ્યાં.

વીસમી સદીના શિનોય ગોએમ્બાબે નાટક, ટૂંકી વાર્તા, જીવનચરિત્રથી માંડીને તત્વજ્ઞાન, વ્યાકરણ, બાલસાહિત્ય તથા સંશોધનક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કર્યું.

કેરળમાંના કોંકણી વિદ્વાનોએ પણ કાવ્ય, નાટક આદિ વિવિધ ક્ષેત્રો ખેડીને કોંકણીને વિકસાવી તથા સમૃદ્ધ કરી. અમૂલક શેણૈ, નારાયણ નરસિંહ પાઈ, આર. સી. શર્મા, એન. અનંતશર્મા શાસ્ત્રી વગેરેએ કોંકણીમાં અસરકારક કામ કર્યું. કર્ણાટકના ઉત્તર તથા દક્ષિણ કાનડા જિલ્લાઓમાંથી સમર્થ લેખકો સાંપડે છે. કોંકણીમાં નાટ્યસર્જન 1890ના અરસામાં શરૂ થયું. બોળાંતુર કૃષ્ણ પ્રભુએ ‘ચંદ્રહાસ નાટક’ અને ‘પ્રહલાદચરિત નાટક’ (1912) તો કુમ્બળે નરસિંહ નાઈકે ‘સાવિત્રી નાટક’ (1922) આપ્યાં. તેમાંયે મૅંગલોરના ‘કોંકણી દિરવેમ’ (કોંકણી દ્રવ્યસંપત્તિ) પત્રનું પ્રદાન સવિશેષ ઉલ્લેખનીય છે. પ્રભાકર પ્રેસવાળા પી. નારાયણપ્રભુએ પણ ગુણવત્તાવાળા કોંકણી સાહિત્યના પ્રકાશનમાં ફાળો આપ્યો છે. આ પ્રદેશોમાં કવિતા, નાટક અને સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રે ગણનાપાત્ર કાર્ય થયાનું જણાય છે.

કોંકણી ભાષા, કળા અને સંસ્કૃતિના વિકાસમાં અખિલ ભારતીય કોંકણી સાહિત્ય પરિષદ (1939), મુંબઈ, મૅંગલોર અને ગોવાનાં કોંકણી ભાષામંડળોનું તેમજ કોચીનની કોંકણી ભાષા પ્રચારસભાનું પ્રદાન મહત્વનું રહ્યું છે. કોંકણીને રેડિયો, ટી.વી. વગેરે સમૂહમાધ્યમો તેમજ સામયિક-પત્રોનો ટેકો મળતાં તેના સાહિત્યિક વિકાસને સારો વેગ મળ્યો છે, અને તે કેન્દ્રીય સાહિત્ય અકાદમીની માન્યતાપ્રાપ્ત ભાષા બની રહી છે.

આ કોંકણી સાહિત્યમાં નવા યુગનો પ્રારંભ 1912માં ‘દિરવેમ’ના પ્રકાશનથી થાય છે. ટૂંકી વાર્તાઓ, કાવ્યો-ગીતોમાં જુવાળ આવે છે. ‘દિરવેમ’ના પહેલા તંત્રી લૂઈ દ માસ્કરેન્હાસ કુદરતપ્રેમી કલાકાર કવિ હતા. તેમનું કાવ્ય ‘અબ્રાહમવાચમ યદનદાન’ (અબ્રાહમનું બલિદાન) એક ઉત્તમ કૃતિ છે. એમના પછી તંત્રીપદે આવેલા પોદ્રે જોઆઓ સોઝાએ ધર્મના સકંજામાંથી સાહિત્યને છોડાવ્યું અને તેઓ ‘કોંકણી કથાસાહિત્યના પિતા’ કહેવાયા. તેમણે કોંકણીમાં શેક્સપિયર અને કૅનન સ્મિથને ઉતાર્યા. એ પછી આવેલ અલેક્સ પેઇસ ‘દિરવેમ’ના બે દાયકા સુધી સંપાદક રહ્યા. તેમણે ટૂંકી વાર્તાના અનેક સંગ્રહો આપ્યા. આ ‘દિરવેમે’ અનેક નવા સર્જકોને પ્રસિદ્ધિ માટેની મજબૂત ભૂમિકા પૂરી પાડી તેથી જોસ રેગો, સિલ્વેસ્ટર મેનેઝિસ, ફેલિક્સ નૉરોન્કા જેવા અનેક નવા લેખકો મળ્યા. ઍન્ટોનિયો જોઆઓ ડિસોઝાએ (મેરીદાસે) કવિતાની પરંપરા ચાલુ રાખી. લિયો ડિસોઝા, એમ. એફ. બોતેલ્હો, જૉન કાર્લો અને જે.બી.મોરાયસ તથા સી. પી. ડિકોસ્ટા જેવા લોકપ્રિય કવિઓનું કોંકણી કાવ્ય-પરંપરામાં આગવું સ્થાન છે.

નાટક અને નવલકથાના ક્ષેત્રે કન્નડ લિપિમાં લખાયેલું કોંકણી સાહિત્ય તેની અનોખી સમૃદ્ધિને કારણે ધ્યાન ખેંચે છે. માર્ટિન ડિસા, એસ. એસ. મિરાન્ડા, સી. એફ. ડિકોસ્ટા, ફ્રેડ ફર્નાન્ડીઝ, સિરિલ વિયેગાસ, વિલ્ફ્રેડ રોબિન્દાસ, વેઇલોઇનો વાઝ અને ગૅબ્બી અગ્રગણ્ય નાટ્યસર્જકો ગણાય છે. વળી એમાંના ઘણા કવિ તેમજ નવલકથાકાર પણ છે. આ બધામાં સર્વોપરી છે જોએક્વિમ સાન્તાના અલ્વારિસ. તેમણે ‘એન્જલ’થી માંડીને લગભગ 25 નવલકથાઓ આપી છે. વી. જે. પી. સાલ્દાન્હાસ એમની ઐતિહાસિક નવલકથાઓ માટે જાણીતા છે. ગબ્બુ, યુલાલિયા અલ્વારિસ, આઇરેને પિન્ટો, ટી.એ.લોબો, પ્રદીપ, સિરિવન્ત, એડ્વિન ડિસોઝા અને વાસુ પણ લોકપ્રિય નવલકથાકારો છે. ‘દિરવેમ’નો પ્રભાવયુગ 1940 સુધી ચાલ્યો. એ પછી ‘રખનો’, ‘સુખદુ:ખ’, ‘પિયોનરી’ અને ‘મિત્ર’ નામનાં પત્રોએ નવસર્જકોને જરૂરી પ્રોત્સાહન પૂરું પાડ્યું.

આમ, વીસમી સદીના પ્રથમ ચરણમાં નવા સાહિત્ય માટેની જાગૃતિનું વાતાવરણ જોવા મળે છે. તેની પરાકાષ્ઠા વરડે વળનીકરના સાહિત્યમાં જોવા મળે છે. તેમણે 20 પુસ્તકો આપી અર્વાચીન કોંકણી સાહિત્યનો મજબૂત પાયો નાખ્યો. નાટ્યકાર અને કોશકાર આર. એસ. નાઇક, દિનકર દેસાઈ તથા બયભાવ જેવા કવિઓ અને નિબંધકાર આર. એન. નાઈક તેમના અનુગામી થયા. વળનીકરે કોંકણી અસ્મિતાનાં જે બી વાવેલાં તે તેમના મૃત્યુ પછીના વર્ષે શરૂ થયેલા ગોવાના સ્વાતંત્ર્યસંગ્રામમાં પૂરો વિકાસ પામ્યાં.

લક્ષ્મણરાવ સરદેસાઈ (1904-86) ‘પોંર્ઝેચો આવાજ’ નામના બી. બી. બોરકરના તંત્રીપદે ચાલતા પાક્ષિકના નિયમિત લેખક હતા. તેમણે સુઘડ રેખાચિત્રો, સુંદર ટૂંકી વાર્તાઓ તથા આગઝરતા નિબંધો દ્વારા કોંકણી ગદ્યને ગરિમા અર્પી છે.

ગાંધીજીનાં કેટલાંક પાયાનાં લખાણો આર. એન. નાઈક નામના પીઢ ગાંધીવાદી કાર્યકરે કોંકણીમાં ઉતારેલાં. તેમનું પ્રકાશન રવીન્દ્ર કેળકરે ગાંધી સ્મારક નિધિની સહાય લઈને કરાવ્યું. આર. એન. નાઈકે રવીન્દ્રનાથ ટાગોરની ‘ગીતાંજલિ’ તેમજ ઉમર ખય્યામની રુબાઇયાતના અનુવાદ પણ કોંકણીમાં આપ્યા છે. ગોવાની રાષ્ટ્રવાદી ચળવળના પિતા ટી. બી. ડિકુન્હાએ ‘આઝાદ ગોએમ’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું. પ્રા. લુસિયો રૉડ્રિગ્સે (1916-1975) ‘પાદેર’, ‘રાઇ લોઅરી’ જેવા કેટલાક ઉત્કૃષ્ટ નિબંધો આપ્યા છે; પણ તેઓ પછી કોંકણી લોકવાઙ્મયના સંશોધનમાં જ ખૂંપી ગયા.

વળી ગોવાના કેટલાક સ્વાતંત્ર્યવીરો રેઇ મૅગોસ (Reis Magos) વગેરે અગ્વાડા કિલ્લામાં કેદ હતા, તેમણે પણ કોંકણીના ઉત્કર્ષ માટે કામ કર્યું. નાગેશ કરમાળીએ ‘ઝોન’ નામનું સામયિક શરૂ કર્યું.

ગોવાની મુક્તિ સાથે સર્જકતાને પણ પુરવેગે પ્રગટવાનો અવકાશ સાંપડ્યો. શરૂઆતનાં છ વર્ષ તો કવિતાક્ષેત્રે સારો એવો વિકાસ સાધ્યો. મનોહરરાય સરદેસાઈએ ‘ગોએમા તુઝેયા મોગ ખાતિર’ – ‘ઓહ ગોવા, તારે ખાતર’ નામનો કાવ્યસંગ્રહ આપી કોંકણી કવિતામાં તાજગીનો નવો અનુભવ કરાવ્યો. તેમની અતીતરાગની કવિતા મધુર અને પ્રભાવક છે. તેમણે પાંચ કાવ્યસંગ્રહો આપ્યા છે.

આર. વી. પંડિત જેવા ખમીર અને ખુમારીવાળા કવિએ મૂંગી જનતાની વેદનાઓ અને આકાંક્ષાઓને જોરદાર રીતે વાચા આપી છે. તેમના આઠ કાવ્યસંગ્રહો છે, જેમાંનાં અનેક કાવ્યોના દેશવિદેશમાં અનુવાદ થવા સાથે તેમને પુરસ્કારો પણ સાંપડ્યા છે.

પાંડુરંગ ભંગૂઈ, શંકર રામાણી, ચાર્લ્સ ફ્રાન્સિસ ડિકોસ્ટા, નાગેશ કરમાળી, રમેશ વેળુસ્કર, માધવ બોરકર, પ્રકાશ પડગાંવકર, પુંડલીક નારાયણ નાઈક, પુરુષોત્તમ સિંગબળ ડ્રિન-ડ્રિન, ઑલિવિન્હો ગોમ્સ, જોસ ફર્નાન્ડીઝ, વિજયાબાઈ સરમાળકર અને યૂસુફ શેખે કોંકણી કવિતાને વિષય-વસ્તુ અને સ્વરૂપમાં સમૃદ્ધ કરી છે. તેમાં આ કવિઓની સૌન્દર્યાનુભૂતિ ને અભિવ્યક્તિની અનેકાનેક વિલક્ષણતાઓ પ્રગટ થઈ છે. તેમાં પુંડલીક નાઇક દીનદલિતવર્ગની આંતરવ્યથાને વાચા આપનાર સમર્થ કવિ ઉપરાંત નવલકથાકાર, નાટ્યકાર તથા ટૂંકી વાર્તાના સર્જક પણ છે. આ ઉપરાંત શંકર ભંડારી, ઉદય ભેમ્બ્રો, શંકર રામાણી, દિલીપ બોરકર અને લીનો દ સા જેવા કવિઓની કવિતા પણ ઉલ્લેખનીય છે.

ચંદ્રકાન્ત કેની, દામોદર માંઝો, શીલા નાઈક, મીના ગાયતુંડે, સુરેશ કાકોડકર અને પુંડલીક નારાયણ નાઈકે સ્વાતંત્ર્યોત્તર સાહિત્યને તેમની ટૂંકી વાર્તાઓથી સંપન્ન કર્યું છે. તેમણે ગોવાની ધરતીની અને ત્યાંના જીવનની વાત કરવા સાથે એમાં વ્યાપક માનવતાનાં દર્શન પણ કરાવ્યાં છે.

કોંકણીમાં દત્તુરામ કે. સુકથનકર અને એ. એન. મ્હેમ્બ્રો ઉત્કૃષ્ટ પ્રકારનું માનવ્યસભર હાસ્યનું નિરૂપણ કરનારા સર્જકો છે.

રવીન્દ્ર કેળકર અગ્રગણ્ય ચિંતક અને નિબંધકાર છે. તેમણે ગદ્યના કથાથી માંડીને નિબંધ, પ્રવાસ, સંવાદ, રોજનીશી, પત્ર જેવા અનેક પ્રકારો ખેડ્યા છે. સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય પ્રવાહોમાં ઊંડો રસ લઈ તાત્વિક અભિગમથી તેઓ પોતાના કથયિતવ્યને રજૂ કરે છે. તેમના ગદ્યમાં મૌલિકતાની સાથે તાર્કિકતા, સ્પષ્ટતા, સરળતા અને પ્રભાવકતા જોવા મળે છે. ‘મિરમ’ (ચોમાસું) અને ‘ગોમાંતક ભારતી’ સામયિકોનું પ્રકાશન કરેલું. તેમની ‘જપાન જસા દિસલા’ (1967), ‘તુળસી’ (1971- નવલકથા) ‘ઉઝ્વડ્યાં ચે સૂર’ (પ્રકાશના સૂર, 1973) અને ‘હિમાલયાંત’ (હિમાલયમાં, 1976) જાણીતી કૃતિઓ છે. ‘વેલેવાયંલ્યો ધુલો’(સાગરતટની શીપ)માં તેમનું કુદરત અને જીવન પ્રત્યેનું સૌન્દર્યનિષ્ઠ વલણ જોવા મળે છે.

કોંકણીમાં લોકરંગભૂમિ તેમજ શિષ્ટ રંગભૂમિની પણ દીર્ઘ પરંપરા છે. ગોવાના કૅથલિકોએ નાટ્યમંચનમાં મહત્વનું પ્રદાન કર્યું છે. તેમાં બોધકતા અને વ્યંગ-વિનોદ જેવાં તત્વોનું પ્રમાણ સવિશેષ હોય છે. આમ છતાં આ નાટકોની લોકપ્રિયતા નિર્વિવાદ છે.

વીસમી સદીના પાંચમા દાયકામાં એકાંકીનો વિકાસ મુંબઈમાં થયો. રઘુવીર નવરેકર, કિસન કામત અને ભિકુ પાઈ આંગ્લે વગેરેએ આ પ્રકાર ખેડ્યો છે.

વળી વળણીકરે શરૂ કરેલા ભદ્રવર્ગીય નાટ્યપ્રવાહને આર. એસ. નાઈકે સમૃદ્ધ કર્યો. સ્વાતંત્ર્યોત્તર સમયમાં પુંડલીક ડાંડો, કૃષ્ણ મોયો, વિનય સુરળાકર, ચંદ્રકાન્ત પર્સેકર અને રામકૃષ્ણ ઝુઆન્કરે તેમના નાટ્યસર્જન દ્વારા રંગભૂમિને જીવતી રાખી છે.

અખિલ ભારતીય કોંકણી સાહિત્ય પરિષદે દેવનાગરીનો કોંકણીની મુખ્ય લિપિ તરીકે સ્વીકાર કર્યો છે. આ કોંકણીમાંનું સાહિત્ય કેટલીક રીતે સીમિત છતાં વસ્તુતત્વ અને કલાસ્વરૂપમાં પોતાની આધુનિક કલાત્મક મુદ્રાને સારી રીતે પ્રગટ કરી શક્યું છે.

મ. શિ. દૂબળે