કોંકણા : કોંકણમાંથી સ્થળાંતર કરી આવેલી આદિવાસી જાતિ. તે કોંકણા કે કૂંકણા કુનબી (કણબી) તરીકે પણ ઓળખાય છે. તેમની વસ્તી ડાંગ અને વલસાડ જિલ્લાના ધરમપુર અને વાંસદા તાલુકાઓ અને સૂરત જિલ્લાના વ્યારા અને વાલોડ તાલુકાઓમાં વિશેષ છે. હાથે હળ ખેંચતા કોંકણા હાથોડિયા તરીકે ઓળખાય છે. ડાંગ અને સૂરત જિલ્લામાં કુલ આદિવાસી પૈકી અનુક્રમે 70 % અને 5 % વસ્તી તેમની છે.
તેઓ પ્રોટો-ઑસ્ટ્રોલૉઇડ જાતિના છે. તેમનો વાન કાળો, સરેરાશ ઊંચાઈ 165 સેમી. અને નાક પહોળું. દેખાવમાં વારલી લોકોને મળતા છે. ડાંગના કોંકણા નબળા બાંધાના હોય છે. સ્વભાવે તે શાંત, શરમાળ અને બીકણ હોય છે.
લોકોનો મુખ્ય ધંધો ખેતી છે. કેટલાક ખેતમજૂર તરીકે અને જંગલમંડળીના મજૂરો તરીકે પણ કામ કરે છે. ઘર નજીકની જમીન ખેડી અનાજ વાવે છે. તે ડાંગર, અડદ, નાગલી વગેરેનું વાવેતર કરે છે.
અગાઉ આ જાતિમાં માતૃસત્તાક કુટુંબવ્યવસ્થા હતી. હાલ પિતૃસત્તાક કુટુંબવ્યવસ્થા છે. તેઓ વિવિધ કુળોમાં વહેંચાયેલા છે. સગાઈસંબંધોમાં ‘ગાંઠ’ના પુનરાવર્તન પર વિશેષ ભાર મુકાય છે. જાતિ બહાર લગ્નો થતાં નથી. તેઓમાં બાળલગ્ન પ્રચલિત નથી. કન્યાપક્ષની નામરજી થાય ત્યારે કન્યાને અપાયેલી વસ્તુઓ પાછી આપી છૂટાછેડા થાય છે. તેમનામાં વિધવાલગ્ન અને છૂટાછેડાના રિવાજો છે. ક્યાંક બહુપત્નીપ્રથા જોવા મળે છે. ઉત્સવો અને લગ્ન પ્રસંગે નાચ-ગાન સાથે મદ્યપાન કરવાની પ્રથા છે.
હોળી અને દિવાળીના તહેવારો મુખ્ય છે. તેઓ રામાયણના પ્રસંગો ‘ભવાડા’ (ભવાઈ) રૂપે ભજવે છે.
હનુમાન, ભરમદેવ (બ્રહ્મા), કણેસરી અને કોઠારી માતા વગેરે તેમનાં વિવિધ દેવદેવી છે. મોટા ભાગે કુદરતનાં તત્વોમાં દેવત્વનું આરોપણ કરી તેને તેઓ પૂજે છે. ભૂત, પ્રેત, ડાકણ વગેરેમાં માને છે અને માંદગી પ્રસંગે ભૂવાની મદદ લે છે. માંદગી નિવારવા બાધા રખાય છે અને કૂકડાનું કે બકરાનું નૈવેદ્ય ધરાવાય છે. સ્ત્રીનું સમાજમાં સમાન સ્થાન છે અને વારસામાં તે ભાગ મેળવે છે. જાતિપંચ કે ચોરાપંચ પરંપરાગત રીતે સામાજિક અને આર્થિક વિવાદોનો નિકાલ કરે છે. શિક્ષણનું પ્રમાણ અગાઉ 1971માં 15 % હતું તે હવે વધ્યું છે. તેમની બોલીમાં ગુજરાતી અને મરાઠીનું મિશ્રણ છે.
શિવપ્રસાદ રાજગોર