કૉસેલ, આલ્બ્રેક્ટ (જ. 16 સપ્ટેમ્બર 1853, રોઝટોક; અ. 5 જુલાઈ 1927, હાઇડલબર્ગ) : કોષમાંની રાસાયણિક ક્રિયાઓના અભ્યાસ માટે 1910માં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. વેપારી અને પ્રશિયન કૉન્સલના પુત્ર. શરૂઆતમાં કસરતબાજ તરીકેની તાલીમ મેળવી. ત્યાર બાદ સ્ટ્રેસબર્ગ યુનિવર્સિટીમાં તબીબી શિક્ષણ લીધું. તે સમયે શરીરક્રિયાશાસ્ત્રવિદ રસાયણશાસ્ત્રી ઈ. એફ. હોપસાઇલરના પ્રભાવ નીચે આવ્યા. તેમણે રોસ્ટોક યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કર્યો. 1878માં ડૉક્ટર બન્યા. હોપસાઇલર સાથે થોડો સમય કામ કરીને તે ઇદુ-બ્વા-રેમા સાથે ફિઝિયોલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટ, બર્લિનમાં જોડાયા.
તેમણે મારબર્ગની ફિઝિયોલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર અને ડિરેક્ટર તરીકે 1895થી 1901 સુધી કાર્ય કર્યું. ત્યાર બાદ તેમણે ફિઝિયૉલૉજીનું ‘હાઇડલબર્ગ આસન’ શોભાવ્યું. તેમણે ન્યુક્લિઇક ઍસિડ તથા હેક્ઝોઝ બેઝ પર સંશોધનો કર્યાં છે. તેમની અભ્યાસપદ્ધતિની ચોકસાઈએ તેમનું મહત્ત્વ વધાર્યું. તેમના વિદ્યાર્થી એચ. ડી. ડેકિન તથા તેમના પુત્ર વૉલ્થેર પણ વૈજ્ઞાનિક ક્ષેત્રે આગળ વધ્યા. તેમણે 30 વર્ષ ફિઝિયૉલૉજીના સામયિકનું સંપાદન કર્યું. હાલ જેને વારસાગત ઊતરી આવતી જનીનીય (genetic) માહિતી માટેના ઘટકો તરીકે ઓળખવામાં આવે છે તે કૉસેલે શોધેલા ન્યૂક્લિઇક ઍસિડનાં મૂળ તત્ત્વો હતાં.
શિલીન નં. શુક્લ