કોસોવો : યુગોસ્લાવિયાના સર્બિયા રાજ્યમાંથી છૂટું પડેલું નવું રાજ્ય. તે 10,877 ચોકિમી. વિસ્તાર ધરાવે છે. પ્રિસ્ટીના તેની રાજધાની છે. યુગોસ્લાવિયામાં ખેલાયેલ લોહિયાળ સંઘર્ષમાંથી સર્બિયા રચાયું અને સર્બિયાના સમવાયતંત્રમાંથી 1991થી સ્લોવેનિયા, ક્રોએશિયા, મેસેડોનિયા, બોસ્નિયા અને મોન્ટેનેગ્રો રાજ્ય રચાયા બાદ 17 ફેબ્રુઆરી, 2008માં આ કોસોવો રાજ્ય રચાયું. તેમાં મુખ્યત્વે સર્બ અને આલ્બેનિયન લોકો વસે છે. આ પ્રજાઓ લાંબા સમય સુધી પ્રારંભે યુગોસ્લાવિયા અને પછીથી સર્બિયાના ભાગ રૂપે વસતી હતી; પરંતુ 1991માં સર્બ પ્રજાના પ્રભુત્વ સાથેનું સમવાયતંત્ર રચાયું ત્યારે આલ્બેનિયન પ્રજાએ 1992ની સામાન્ય ચૂંટણીઓનો વિરોધ કરી સ્વતંત્રતાની માગ શરૂ કરી. આ માગ અવગણાતાં આલ્બેનિયન કોસોવો લિબરેશન આર્મી રચાયું, મજબૂત બન્યું અને તેના ગેરીલા સભ્યોએ સશસ્ત્ર બળવો કર્યો. સર્બિયાએ ભારે પ્રતિકાર કરીને આ હુમલાને ખાળ્યો, એથી આલ્બેનિયન પ્રજાને મુખ્ય શહેરોમાંથી નાસી નાનાં ગામોમાં વસવાટ કરવાની સ્થિતિ ઊભી થઈ. ‘નાટો’ જૂથના સભ્યોએ સર્બિયાના પ્રમુખ સ્લોબોદાન મિલાસોવિચને ચેતવણી આપી કે આવી ‘વાંશિક નાશ’ની પ્રક્રિયા સાંખી લેવામાં નહિ આવે. પરિણામે વાંશિક તણાવ સાથે સંઘર્ષો ચાલુ રહ્યા અને 17 ફેબ્રુઆરી 2008ના રોજ આલ્બેનિયન લોકોએ વિધિપૂર્વક સર્બિયામાંથી સ્વતંત્ર બનવાની એકપક્ષી ઘોષણા કરી કોસોવો રાજ્યની રચના કરી. બુશ વહીવટીતંત્ર ઉપરાંત અન્ય 39 દેશોએ તેને માન્યતા આપી છે. યુનોની સલામતી સમિતિના પંદર સભ્યોમાંથી માત્ર પાંચ સભ્યોએ આ નવા રાજ્યને ટેકો આપ્યો છે.

કોસોવો સર્બિયાથી અલગ પડી નવું રાજ્ય રચનાર છઠ્ઠું ઘટક છે. હાસિમ થાસી (Hasim Thaci) નવા વડાપ્રધાન ઘોષિત થયા છે. પાર્લમેન્ટની અસાધારણ બેઠક બોલાવીને વિધિપુર:સરની સ્વતંત્રતા તેના પ્રતિનિધિઓએ ઘોષિત કરી છે. અલબત્ત, સર્બિયાને રશિયાનું સમર્થન છે અને યુનોના આદેશ વિના આ ઘોષણા અમાન્ય હોવાનો સર્બિયાનો દાવો છે. આમ છતાં હજારો આલ્બેનિયનોનાં ધાડાં દૂરના વિસ્તારોમાંથી શેરીઓમાં ઊતરી આવ્યાં. તેઓ દરેક હાથમાં કોસોવોનો ધ્વજ લઈ, તેની સ્વતંત્રતાના નવા આવિર્ભાવની ઉજવણી કરતા હતા. યુરોપિયન યુનિયન 2000 સૈનિકોનાં દળો દ્વારા માર્ચ 2008માં કાયદાનું શાસન  નવા રાજ્યમાં બહાલ કરવા ધારે છે, જેથી યુનોનાં દળો ત્યાંથી હઠી જાય અને નવું રાજ્ય સંઘર્ષમાંથી બહાર નીકળી સ્થિરતાની દિશામાં આગળ વધે.

અલબત્ત, આ સ્થિતિ છતાં 17 ફેબ્રુઆરી 2008ની તાકીદની બેઠકમાં કોસોવોની પાર્લમેન્ટે સ્વાતંત્ર્યની ઘોષણા કરી હતી. કુલ 120માંથી હાજર રહેલા 109માંના તમામ સભ્યોએ કોસોવોને સ્વતંત્ર, સાર્વભૌમ અને લોકશાહી દેશ જાહેર કરતા ઠરાવની તરફેણમાં મત આપ્યા હતા. લાખો આલ્બેનિયન લોકોએ તેમજ પાડોશી દેશો આલ્બેનિયા અને મેસેડોનિયાએ પણ કોસોવોના સ્વાતંત્ર્યની ઉજવણી કરી.

રક્ષા મ. વ્યાસ