કૉલ્ચિકમ તથા કૉલ્ચિસીન : લીલીએસી કુટુંબની ઔષધીય વનસ્પતિ અને તેમાંથી નીકળતું ઔષધ. સૌપ્રથમ કાળા સમુદ્રના કૉલ્ચિસ બંદર નજીક ઊગેલી મળી આવી હોવાથી તેને કૉલ્ચિકમ નામ આપવામાં આવેલું.
તેની યુરોપીય તથા ભારતીય બે ઉપજાતિઓ છે. યુરોપમાં કૉલ્ચિકમ ઑટમ્નેલ તથા ભારતમાં કૉલ્ચિકમ લ્યુટિયમ તરીકે મળે છે. આ વનસ્પતિનાં બીજ તથા ઘનકંદમાંથી કૉલ્ચિકમ કાઢવામાં આવે છે. ભારતમાં કૉલ્ચિકમની મીઠી તથા કડવી એમ બે જાત મળે છે. ઈરાનમાં કેવળ મીઠી અને કાશ્મીરમાં માત્ર કડવી જાત મળે છે.
તેના છોડ ઑગસ્ટથી ઑક્ટોબર દરમિયાન કેસર (liliac) જેવાં અથવા આછા જાંબુડી રંગનાં ફૂલ આપે છે. બીજી જાત વસંતઋતુમાં પર્ણ અને સંપુટી ફળ આપે છે, જેમાંથી બીજ છૂટાં પાડવામાં આવે છે. યુરોપીય કૉલ્ચિકમનું કર્ષણ ઇંગ્લૅન્ડ, દ. યુરોપના દેશો તથા ઉત્તર આફ્રિકામાં થાય છે તથા ભારતીય કૉલ્ચિકમનું કર્ષણ ઉત્તર-પશ્ચિમ હિમાલય અને કાશ્મીરમાં 615.5થી 2770 મીટરની ઊંચાઈએ થાય છે. ઇટાલી અને યુગોસ્લાવિયા વિશ્વની જરૂરિયાત જેટલી ઔષધિ ઉગાડે છે.
ભારતીય કૉલ્ચિકમના ઘનકંદમાં 0.21થી 0.24 % અને બીજમાં 0.41થી 0.43 % જ્યારે યુરોપીય ઘનકંદમાં 0.5થી 1.0 % અને બીજમાં 0.25થી 0.6 % આલ્કલૉઇડ રહેલ છે. તેની સંરચના આલ્કલૉઇડ ઍમાઇનની છે. તેમાં કૉલ્ચિસીન, ડેમેકૉલ્સીન તથા બીજાં આલ્કલૉઇડ છે. કૉલ્ચિકમ મૂત્રામ્બલ-વા (gout), આમવાત અને શોથ મટાડવામાં વપરાય છે. કૉલ્ચિસીન સૂત્રી વિભાજક (mitotic) સંદમક છે અને દુર્દમ અર્બુદમાં વપરાય છે. વધુ માત્રામાં તે ઝેરી છે તથા અતિસાર અને વમન ઉત્પન્ન કરે છે, અંતે શ્વસનપાતથી મૃત્યુ નિપજાવે છે. તે બહુગુણિતા ઉત્પન્ન કરે છે તથા ક્રોમોસોમની સંખ્યા વધારે છે. ડેમેકૉલ્સીન ઝેરી છે તથા મજ્જાભ શ્વેતરક્તતામાં અને ત્વચાના કાર્સિનોમા(કૅન્સર)માં વપરાય છે. સોજા ઉપર કે દુખાવાના ભાગ ઉપર પણ ચોપડવામાં આવે છે.
લીલીએસી કુટુંબની બીજી જાતિ જેવી કે મેરેન્ડ્રા પેરેસિકા, ગ્લોરિઓઝા, સુપર્બા અને ઍન્ડ્રોસીબિયમ ગ્રામીનેટમાં પણ કૉલ્ચિસીન મળે છે.
કૉલ્ચિસીન : કૉલ્ચિકમ ઔષધ-વનસ્પતિમાંનો મુખ્ય ઘટક આલ્કલૉઇડ. કૉલ્ચિકમ ઑટોમ્નેલમાંથી તેનું નિષ્કર્ષણ કરી મેળવવામાં આવે છે. તેનું બંધારણ ડ્યૂઆર દ્વારા 1945માં નક્કી થયું તથા વૉન ટેમેલીને 1959માં તેનું સંશ્લેષણ કર્યું. તે પીળા રંગનો પાઉડર છે. ગ. બિં. 142150. પ્રકાશની હાજરીમાં તે કાળું પડી જાય છે.
તે પાણી, ઈથર તથા બેન્ઝીનમાં દ્રાવ્ય છે તેમજ ક્લૉરોફૉર્મ, ઈથાઇલ આલ્કોહૉલમાં સુદ્રાવ્ય છે. પેટ્રોલ ઈથરમાં તે અદ્રાવ્ય છે. તેનો એકમાત્ર ગોલ્ડ ક્લોરાઇડ ક્ષાર જાણીતો છે.
પ્લાન્ટ જિનેટિક્સમાં chromosome doubling માટે સંશોધનાર્થે તે વપરાય છે. મૂત્રામ્બલ-વા ઉપર તે સફળ ઔષધ છે, પરંતુ વધુ પડતી માત્રા મૃત્યુ નિપજાવી શકે છે. સામાન્યત: પશુ-ચિકિત્સાશાસ્ત્ર(veterinary science)માં વપરાય છે.
બકુલા શાહ
જ. પો. ત્રિવેદી