કૉલોનેડ : પાશ્ચાત્ય સ્થાપત્ય અનુસાર મકાનની આગળ અથવા ચારે બાજુ સ્તંભોની હારમાળાથી બંધાયેલ અંતરાલ.
શાસ્ત્રીય નિયમો પ્રમાણે, દેવળોના સ્થાપત્યમાં આવા કૉલોનેડની રચના માટે કેટલાંક નિશ્ચિત ધોરણ હતાં. જેમ કે કૉલોનેડમાં સ્તંભોની સંખ્યા હંમેશાં બેકી રહે અને તેની વચ્ચેના ગાળા એકી સંખ્યામાં રહે. ગ્રીક દેવળોમાં કૉલોનેડની રચના પ્રમાણે દેવળોનું વર્ગીકરણ થતું.
ગ્રીક સ્થાપત્યમાં સ્તંભોની રચના અને પ્રમાણ પર ખાસ ભાર મૂકવામાં આવેલ; તેથી કૉલોનેડનું મહત્વ ઘણું જ હતું. દેવળોની રચનામાં સ્તંભો તથા કૉલોનેડ અગત્યનો ભાગ ભજવતાં. સ્તંભોના પ્રકાર (જેમ કે ડૉરિક, આયોનિક, કૉરિન્થિયન, કમ્પોઝિટ) પ્રમાણે કૉલોનેડના પ્રમાણનો નિર્ણય કરાતો, જે દરેક પ્રાંતની વિશિષ્ટતા ગણાતી.
સ્થાપત્યના વિકાસ સાથે સાથે કૉલોનેડની પ્રથા પણ પ્રચલિત થઈ. પાશ્ચાત્ય દેશોમાં લોકોપયોગી સ્થાપત્યનો ઘણો જ વિકાસ થયો અને શહેરોની અંદર લોકોના ઉપયોગ માટે બજારો, તેમજ જુદી જુદી જાતના જાહેર ઉપયોગ માટે વિશાળ બાંધકામો હાથ ધરાયાં, જેમાં આબોહવાને અનુરૂપ તથા સગવડભર્યા જનજીવન માટે જાહેર બાંધકામોમાં કૉલોનેડનો ઉપયોગ અત્યંત સફળતાપૂર્વક કરવામાં આવ્યો.
આવા કૉલોનેડનાં અનેક ઉદાહરણોમાં ઍથેન્સના પાર્થિનૉનનાં દેવળો, રોમના અગોરા, રોમના ફોરમ વગરે છે. સ્તંભો અને તેના આયોજનથી થતા કૉલોનેડની રચના માટે સૈદ્ધાંતિક માહિતી પાશ્ચાત્ય સંસ્કૃતિના સ્થાપત્યના ગ્રંથોમાં મળે છે.
ભારતના સંદર્ભમાં કૉલોનેડવાળાં મકાનોમાં દિલ્હીના કૉનોટ પ્લેસ, રાષ્ટ્રપતિભવન, સંસદ ભવન છે, જે અંગ્રેજકાલીન સ્થાપત્યના અને તે વખતના સ્થપતિઓ દ્વારા રચાયેલ મહત્વની સંસ્થાઓને અનુરૂપ શૈલી વિકસાવવા કરાયેલ પ્રયત્નોની ઝાંખી કરાવે છે, તેનો પ્રેરણાસ્રોત ઉપર વર્ણવેલ ઐતિહાસિક આયોજનોમાં રહેલ છે.
રવીન્દ્ર વસાવડા